પક્ષના મેન્ડેટનો અનાદર:માંડવી એપીએમસીના ચેરમેન, વા. ચેરમેન, સભ્યને ભાજપે બરતરફ કર્યા

માંડવી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર માસ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કર્યો હતો

ચાર માસ પહેલાં માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની વરણી કરાઇ તે પહેલાં ભાજપના મોવડીઓ મેન્ડેટ લઇને આવ્યા હતા જેને ખોલવાના બદલે સામાન્યસભામાં બહુમતીના જોરે ચેરમેનની નિયુક્તિ કરાઇ હતી. પક્ષની આબરૂના ધજાગરા ઉડાડતો આ મામલો છેક પ્રદેશ કક્ષાએ પહોંચતાં આખરેપક્ષ દ્વારા પ્રવર્તમાન ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ એક સભ્ય મળી ત્રણને પક્ષમાંથી બરતરફ કરવામાં આવતાં પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો.

ગત 21 માર્ચના ચેરમેનની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવા ચેરમેનની વરણી કરવાની હતી. આ પહેલાં જિલ્લા ભાજપના મોવડીઓ પક્ષનું મેન્ડેટ લઇને પહોંચ્યા હતા અને સામાન્યસભા યોજાય તે પૂર્વે ભાજપની બેઠક યોજાઇ હતી જેમાં એપીએમસીના તમામ ડાયરેક્ટર્સ હાજર રહ્યા હતા. બેઠકમાં વ્હીપમાં સહી લેવાની વાત આવતાં પ્રથમ ચેરમેનનું નામ જાહેર કરો બાદમાં સહી થશે તેવી વાત થઇ હતી.

મેન્ડેટ લઇને આવેલા જિલ્લા મહામંત્રી શિતલ શાહ અને તાલુકાના પ્રભારી ભરત શાહને ગણકારવાની વાત તો દૂર રહી પણ તમામ ડાયરેક્ટરો બેઠક છોડીને સામાન્ય સભામાં જોડાઇ ગયા હતા. આમ શિસ્તના લીરા ઉડાડતી આ ઘટના પ્રદેશ કક્ષાએ પહોંચી હતી.

સામાન્યસભામાં પાર્ટી વિરૂધ્ધ કાર્ય કરવા બદલ ચેરમેન પ્રવીણ અરજણ વેલાણી, વાઇસ ચેરમેન શિવજી ભાણજી સંઘાર અને ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સુચનાથી પક્ષમાંથી બરતરફ કરાયા છે તેમ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા હાલે તાલુકા પંચાયતના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે પણ તેમને પક્ષ દ્વારા બરતરફ કરાતાં આપોઆપ ઉપપ્રમુખ પદ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...