કપરાકાળમાંથી પશુધનને ઉગારવા જીવદયા:પશુ માલિકો લમ્પી થતાં ગૌવંશને રેઢા મૂકી દે છે ને લોકો કરે છે સેવા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવા કરવા રાજકારણ, સત્તા કે હોદ્દાની જરૂર નથી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ

બે પખવાડિયાથી કચ્છમાં ગૌવંશને ભરખી જનાર લમ્પી રોગ વકર્યો છે ત્યારે ભુજની એક કોલોનીની સ્વયંભૂ સેવાની નોંધ લેવા જેવી છે. એક તરફ ગૌવંશના માલિકો ખૂદ તેમના પશુને આ રોગ લાગુ પડતા છૂટા મૂકી દે છે તો બીજી તરફ આ સુજ્ઞ લોકો કે જેમની પોતાની એકપણ ગાય નથી, તેઓ નિસ્વાર્થ માનવતા સમજી સેવા કરે છે.

ભુજ મુન્દ્રા રોડ પર આવેલા આઈયા નગરના એક ગ્રુપમાં મેસેજ ફરતા થયા કે, ગાયોમાં લમ્પી નામનો રોગ ફેલાયો છે અને તેમાં ટપોટપ પશુધન હોમાઈ રહ્યું છે. તેજસ ક્ષત્રિય નામના કોલોનીનાં જાગૃત સભ્યે આ મેસેજ મૂકતા અને ફોટા શેર થતા અહી રહેતા સેવાભાવી લોકો આગળ આવ્યા અને તેને પૂર્ણ કરવા મહિલા સભ્યોએ જવાબદારી પણ વહેંચી લીધી.

શેરીદીઠ કામ સોંપાયું. વધુ માહિતી આપતા સિવિલ ડિફેન્સ સેક્ટર વોર્ડન સંગીતાબેન જણસારી કહે છે કે, દરરોજ આવતી ગાયોનું સર્વે કરાયું, કોઈમાં પણ લક્ષણ દેખાય એટલે તેને અલગ તારવી, દવા આપવી અને તેના પર માર્કરથી નંબર લખવા સુધીનું કાર્ય મહિલાઓએ સંભાળી લીધું. પ્રસાશન કંઈ કરે ત્યાં સુધી આપણી ફરજ છે.

બીમાર ગૌવંશની સેવા કરવી પડકારરૂપ પણ હતું, કારણ કે તે અંદરથી પીડા થતી હોવાને કારણે ગમે તે કરી શકે. દવા આપવા માટે ગૌપ્રેમી જયભાઈ ભાટિયાએ ધ્રુવને જવાબદારી સોંપી. જેમણે અહીંના લોકોને દવા કેમ આપવી તે માટે જાણકાર કર્યા. ટામેટામાં દવા ભરીને આપવી પડે. હવે જો કે, શુક્રવારથી ભુજ નગર પાલિકા દ્વારા કેમ્પ શરૂ કરાતા એકદમ બીમાર ત્યાં ખસેડવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે.

વાસ્તવમાં મૂંગા પ્રાણીની સેવા કરવા દરેકે આગળ આવવું જોઈએ. માત્ર દૂધ આપે તો જ ઘર આંગણે બાંધવી તેવી માનસિકતા ન હોવી જોઈએ. આ સેવા કાર્યમાં કિરણબેન સોની, માધવીબેન ભટ્ટ, ભાવનાબેન સોની, પારૂલબેન સોની, સંગીતાબેન પરવાડિયા, સ્નેહાબેન નંદાસણા, તુલસીદાસભાઈ જોશી, કમલબેન જોશી, સચિનભાઈ ગણાત્રા જથ્થાબંધ બજારના સદસ્ય દવા આપવામાં મદદ કરી હતી.

ગૌવંશને પણ સહકાર આપવાની કુદરતી સમજણ
લમ્પીથી પીડિત ગૌવંશેની દવા કરવા આઇયા નગરના લોકો આગળ આવ્યા. શરૂઆતમાં દવા લગાવતી વખતે પીડાને કારણે આ ગૌવંશ પ્રતિકાર કરતી. પરંતુ દવાથી તેમને રાહત થતા સમજુ પ્રાણીની જેમ સામેથી તેના દવા લગાવવાના નિયત સમયે કોલોનીમાં હાજર થઈ જતી. આ પણ એક કુદરતની સમજ જ કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...