તસ્કરી:મિરજાપર હાઈવે પર આવેલા કારના શો રૂમમાંથી રોકડા રૂ.1.21 લાખની ચોરી

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાચનો દરવાજો તોડી તિજોરીમાંથી મતા તફડાવાઈ

મિરજાપર હાઇવે પર આવેલા બી.એમ.હ્યુનડાઈ કંપનીના શોરૂમમાંથી તસ્કરો 1.21 લાખ રોકડા ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે.જે રીતે બનાવ બન્યો છે તે જોતા જાણભેદુ શખ્સોનો હાથ હોવાની વાતો ઉઠી છે.દરબારગઢમાં રહેતા અને શોરૂમના બોડી શોપ મેનેજર તરીકે ફરજ બજાવતા મીત તુલસીદાસ પરમારે એ ડિવિઝન પોલીસમાં જણાવ્યું હતું કે,દિવસ દરમિયાન ગાડી સર્વિસ,સ્પેરપાર્ટ તથા નવી ગાડીના વેચાણ અર્થે આવેલા રોકડા રૂપિયા 1.21 લાખ કેશીયર નીરજ સોદાગરે શોરૂમમાં એકાઉન્ટ રૂમની લોખંડની તિજોરીમાં રાખ્યા હતા.

દરમિયાન શનિવારે સવારે ચોકીદારે ફોન કરીને જાણ કરી હતી કે,કેશીયર રૂમમાં દરવાજો અને ટેબલનું ખાનું ખુલ્લું છે જેથી તાબડતોબ ઘટનાસ્થળે જઇ તપાસ કરવામાં આવી હતી.જેમાં ચોરી થયાનું જણાઈ આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કોઈ શખ્સોએ શોરૂમમાં પ્રવેશ કરીને પાછળના ભાગે આવેલી કાચની બારી ખોલી અંદર પ્રવેશી કાચનો દરવાજો તોડી એકાઉન્ટરૂમની તિજોરીમાંથી રોકડની ચોરી કરી હતી.

સીસીટીવી કેમેરામાં અજાણ્યા શખ્સો કેદ
શોરૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા કોઈ અજાણ્યા ઈસમો શોરૂમમાં પ્રવેશીને ચોરી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.

તિજોરી પાછળના ભાગે ફેંકી દેવાઈ
પૈસા જે તિજોરીમાં રાખેલા હતા તે તિજોરી રૂમમાં અને શોરૂમમાં ક્યાંય જોવા મળી ન હતી પણ તપાસ દરમ્યાન શોરૂમની પાછળ આવેલા ખુલ્લી જગ્યામાંથી તૂટેલી તિજોરી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...