ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ટાઉન હોલમાં સવારે 11.30 વાગે મળી હતી, જેમાં પ્રમુખ સમયસર અાવી ગયા હતા અને બાકી વિપક્ષ સહિતના નગરસેવકોના અાગમનની રાહ જોઈ હતી. અંદાજપત્રના વાચન બાદ વિપક્ષીનેતાને બોલવાની તક અાપી હતી અને તેમના વિસ્તારના કામો ન સમાવાયા મુદ્દે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તર્કબદ્ધ રજુઅાતોનો અભાવ હતો, જેથી પ્રમુખે કહ્યું હતું કે, વિપક્ષ તરફ કોઈ કિન્નાખોરી રાખી નથી, ભારત માતા કી જય, સામાન્ય સભા બરખાસ્ત કરવામાં અાવે છે.
નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કારોબારી ચેરમેન જગત વ્યાસ દ્વારા 30.61 કરોડની પુરાંતવાળા 1.46 અબજના અંદાજપત્રનું વાંચન ચાલતું હતું ત્યારે વિપક્ષીનેતા કાસમ સમા પ્રવેશ્યા હતા. બજેટના વાચન બાદ બહાલી મંગાઈ હતી. વિપક્ષીનેતાઅે ચર્ચા માંગી હતી, જેથી પ્રમુખે તેમને સાંભળ્યા હતા, જેમાં વિપક્ષીનેતાઅે કારોબારી સમિતિઅે કરેલા ઠરાવો સામાન્ય સભામાં કેમ સમાવાયા નથી અને અમારા વિસ્તારમાં વિકાસ કામોની ઉપેક્ષા કેમ થાય છે અેવા પ્રશ્નો કર્યા હતા,
જેથી પ્રમુખે કહ્યું હતું કે, જૂના કામો સમાવી લેવાયા છે અને નવા બાકી છે. બાકી કોઈ કિન્નાખોરી રાખી નથી, ભારત માતા કી જય. અાજની સામાન્ય સભા બરખાસ્ત કરવામાં અાવે છે. જેનો વિપક્ષે વિરોધ કર્યો ન હતો અને શાસક પક્ષના નગરસેવકો સાથે વિપક્ષી નગરસેવકો પણ ઊભા થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વિપક્ષને સાંભળ્યા વિના સામાન્ય સભા બરખાસ્ત કરવામાં અાવતી હતી.
પરંતુ, હાલના નગરપતિ વિપક્ષને માઈક અાપીને બોલવાની તક અાપવાની શરૂ કર્યું છે. જેનો પૂરતો ફાયદો ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ જાય છે. જોકે, અા વખતે પ્રમુખે ટૂંકા જવાબો અાપી કાર્યવાહી જડપથી અાટોપી લીધી હતી. સચિવ સ્થાને મુખ્ય અધિકારી જીગર પટેલ મંચસ્થ રહ્યા હતા. વ્યવસ્થા પ્રમુખના અંગત મદદનીશ કુણાલ ઠક્કરે સંભાળી હતી.
અધ્યક્ષ સ્થાનેથી માત્ર મોટર ખરીદીના ખર્ચને બહાલી
સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી શિવકૃપા સમ્પમાં 100 અેચ.પી. મોટર, પેનલ બોર્ડ અને કેબલ ખરીદીના ખર્ચ 11 લાખ 87 હજાર 200 રૂપિયા સ્વભંડોળમાંથી કરવાની દરખાસ્ત રજુ થઈ હતી. જેનું વાચન ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીઅે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.