ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ગત તા.1ના પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મતગણતરીના સમાપને કચ્છની તમામ 6 બેઠક પર ભરતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. પરિણામ જાણવા માટે કચ્છમાં વહેલી સવારથી લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.
કચ્છની તમામ બેઠક પર ભાજપનો વિજય
ભુજની ભાગોળે આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરીની કાર્યવાહી પોલીસ અને આર્મીના સલામતી બંદોબસ્ત હેઠળ પાર પાડવામાં આવી હતી. અહીં કચ્છના દુર્ગમ સ્થળોએથી પક્ષ વિપક્ષના ઉમેદવારો બહોળી સંખ્યમાં ઉમટી પડ્યા હતા. જ્યાં લોકશાહીના પર્વની ગંભીરતા સાથે લોકોમાં ઉત્સકતા જોવા મળી હતી. બપોરે 2 વાગ્યે તમામ બેઠકના પરિણામ જાહેર થતા કોલેજ સંકુલ બહારનો માહોલ ભાજપના રંગે રંગાઈ ગયો હતો. ડીજેના તાલે લોકો નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા. આ વિજયને જિલ્લા ભાજપ પ્રમુખ વલમજી હૂંબલે વિકાસની જીત ગણાવી હતી. કચ્છની તમામ બેઠક પર ભાજપનો વિજય થતા કચ્છ કેસરિયા રંગે રંગાઈ ગયુ છે.
લીડ સાથે વિજય અપાવવા તમામનો આભાર: વલમજી હૂંબલ
આ વિશે કચ્છ ભાજપ પ્રમુખ વલમજી હૂંબલ સાથે વાત કરતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, મતદાતાઓએ પીએમ મોદી સાહેબના વિકાસને ધ્યાને લઇ જાગૃતતા બતાવી ભાજપને લીડ સાથે વિજય અપાવ્યો છે, એ માટે સૌ નાના-મોટા પક્ષના કાર્યકરો-પદાધિકારીઓ અને મતદાતાઓને શ્રેય આપવો પડે.
ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
અલબત્ત ભાજપ પક્ષના તમામ 6 બેઠકના ઉમેદવારોએ લીડ સાથે વિજય પ્રાપ્ત કર્યો છે. જેમાં બેઠક ક્રમાંક (1) અબડાસાના પદ્યુમ્નસિંહ જાડેજાની 8,500 મતોની લીડ સાથે વિજય થયો છે. તો (2) માંડવી બેઠકના અનિરુદ્ધ દવેને 47 હજારની લીડ મળી છે. (3) ભુજ બેઠકના કેશુભાઈ પટેલને 59,814 મતોની લીડ મળી છે. (4) અંજાર બેઠકના ત્રિકમ છાંગાને 37,809 મતોની લીડ મળી છે. (5) ગાંધીધામ બેઠકના માલતીબેન મહેશ્વરીને 37,605 મતોની લીડ મળી છે. જ્યારે ક્રમાંક (6) રાપર બેઠકના વિરેન્દ્રસિંહ જાડેજાનો 577 મતની લીડ સાથે વિજય થયો છે. વિજય પ્રાપ્ત કર્યા બાદ એક બાદ એક તમામ વિજેતા ઉમેદવારો ભાજપ કાર્યાલય ખાતે પહોંચતા તેમનું ઢોલ-નગારા અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.