વિરોધ:ખાદ્યાન્ન વસ્તુ પર 5 % GSTના વિરોધમાં ભારત બંધની હાકલ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 જુલાઈએ વેપારીઓ મોટી સંખ્યામાં નિવેદન સુપરત કરી વિરોધ નોંધાવશે

અન્નધાન્ય અને ખાદ્યાન્ન વસ્તુઓ પર કેન્દ્ર સરકાર દ્વારા 5 ટકા જીએસટી લાગુ કરવા વિરુદ્ધ ધી પૂના મર્ચન્ટ્સ ચેમ્બર વ્યાપાર ભવન, પુણે ખાતે રાજ્યવ્યાપી પરિષદમાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ભારત બંધ અને જીએસટી કાર્યાલયોમાં વેપારીઓએ મોટી સંખ્યામાં જઈને નિવેદન સુપરત કરવાનો સમાવેશ થાય છે. ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ ટ્રેડર્સ (મહારાષ્ટ્ર)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પરિષદમાં રાજ્યના સર્વ જિલ્લાના સર્વ સંગઠનના આશરે 250થી વધુ પદાધિકારીઓ સહભાગી થયા હતા.

સરકાર દ્વારા નવા ફેરફારમાં બ્રાન્ડેડને બદલે પ્રી- પેક્ડ અને પ્રી- લેબલ્ડ શબ્દનો ફેરફાર કરવાનું પ્રસ્તાવિત છે, જેને લીધે સર્વ વસ્તુ અન્નધાન્ય અને દાળ- કડધાન્ય, લોટ, રવો, મેંદો, દુગ્ધજન્ય પદાર્થ વગેરે જીવનાવશ્યક વસ્તુઓ પર જીએસટી લાગુ થશે, એમ વેપારીઓનું કહેવું છે, જેની પર વેપારીઓએ વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી.આ બેઠકમાં એક દિવસ ભારત બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેની તારીખ રાષ્ટ્રીય સંગઠન નક્કી કરશે. ભારતનાં બધાં રાજ્યોમાં વેપારીઓને સંઘર્ષ સમિતિ નિર્માણ કરવામાં આવી છે.

સમિતિમાં મહારાષ્ટ્રની સર્વ વેપારી શિખર સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 12 જુલાઈના સવારે 11.00 વાગ્યે કેન્દ્રીય જીએસટી કાર્યાલયમાં વેપારીઓ મોટી સંખ્યામાં જઈને નિવેદન સુપરત કરી વિરોધ નોંધાવશે. આ નિવેદન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણાં મંત્રી નિર્મલા સીતારામન, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને કેન્દ્રીય જીએસટી કમિશનરને મેઈલ દ્વારા મોકલવામાં આવશે.

આ પરિષદમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ લલિત ગાંધી, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ મહારાષ્ટ્રના અધ્યક્ષ દિવીપ કુભોજકર, ધી પૂના મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ રાજેન્દ્ર બાંઠિયા, ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ ફેડરેશન ઓફ એસોસિયેશન ઓફ ટ્રેડર્સના અધ્યક્ષ વાલચંદ સંચેતી, કોમેટના કાર્યાધ્યક્ષ મોહન ગુરનાની, ફામના વરિ,ઠ ઉપાધ્યક્ષ રાજેશ શાહ, ગ્રોમાના અધ્યક્ષ શરદ મારુ, રાષ્ટ્રીય ગ્રાહક પંચાયતના ઉપાધ્યક્ષ સૂર્યકાંત પાઠક, કેઈટના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નવી મુંબઈ મર્ચન્ટ ચેમ્બરના અધ્યક્ષ કીર્તિ રાણા, સાંગલીથી શરદ શાહ, બારામતીથી અમોલ શાહ, પિંપરી ચિંચવડથી પ્રભાકર શાહ, દીપક શાહ, અશોક જૈન, પ્રદીપ ગાલા, ભીમજી ભાનુશાલી, જયેશ શાહ, મોહન ચંદ્રા, ગ્રોમાના વિવિધ પદાઘિકારી વગેરે હાજર હતા.

પ્લાસ્ટિક બંધી પર ચર્ચા
દરમિયાન પ્લાસ્ટિક બંધી પર અમને વાંધો નથી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ થાય ત્યાં સુધી આ કાયદાની અમલબજાવણી રોકવી જોઈએ એવો ઠરાવ પણ મંજૂર કરાયો હતો. મહારાષ્ટ્રએ નગરપાલિકાને જે રીતે અનુદાન આપવામાં આવે છે તે જ રીતે સર્વ બજાર સમિતિઓને અનુદાન આપીને સેસ રદ કરવો, જેથી માર્કેટ યાર્ડના વેપારીઓને ઈ-કોમર્સ અને ઓનલાઈન વેપારીઓ સાથે સ્પર્ધા કરવાનું સુલભ બનશે. બજાર સમિતિના ખર્ચ માટે એમઆઈડીસી પ્રમાણે વાર્ષિક દેખભાળ આકાર લેવામાં આવે એવો ઠરાવ પણ મંજૂર કરાયો હોવાનું રાજેન્દ્ર બાંઠિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...