કચ્છના મીઠા ઉદ્યોગના મોભીઓની જીવનગાથા:વ્યવસાય મીઠાનો, જીવન-કવન પણ મધમીઠું

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના મીઠા ઉદ્યોગના મોભીઓની જીવનગાથા તો પ્રેરક છે જ પણ અંગત સંપતિથી વધુ સમૃદ્ધ છે સ્વભાવની સંપતિ : રીચ બાય નેચર !

કચ્છનું સફેદ રણ તો ખ્યાલ જ હશે, અહીં રણોત્સવ થાય છે. આ વિશાળ અફાટ રણ મીઠાનો મોટો અખુટ ભંડાર છે. બીજી બાજુ કચ્છનું નાનું રણ છે, જે માળિયા (મોરબી), પાટડી - ખારાઘોડા (સુરેન્દ્રનગર) અને સાંતલપુર (પાટણ) સુધી ફેલાયેલંુ છે. અહીં પણ હજારો એકરોમાં મીઠાના અગરો છે.

તો બીજી બાજુ ભચાઉના ચીરઇ, અંજારના સંઘડ- જોગણીનાર, ગાંધીધામ - કંડલાથી મુન્દ્રા સુધીના દરિયાકાંઠે મરીન સોલ્ટ વિપુલ માત્રામાં પેદા થાય છે. રણ અને દરિયાનું નમક પેદા થતું હોય એવો કચ્છ એક માત્ર જિલ્લો છે. અહીં રણના મીઠામાંથી બ્રોમીન જેવા રસાયણનું પણ મોટાપાયે ઉત્પાદન થાય છે. વળી,કચ્છમાં જ મીઠા પર પ્રક્રિયા કરી, પેકીંગ કરી, જાણીતા બ્રાન્ડનેમ હેઠળ ભારતભરમાં નમક પહોંચે છે.

માતા - પત્ની અને પૂજ્ય ભાઇશ્રીનો જિંદગી પર પ્રભાવ રહ્યો : બે ભાઇઓ અને પરિવારજનો સફળતાના સંગાથી બન્યા- અરજણભાઇ કાનગડ મોભી‘નિલકંઠ ગ્રૂપ’

સંજોગોરૂપી વિષપાનથી ‘નીલકંઠ’ બન્યા પણ વિશેષ ખુશી બીજાને અમૃત પીરસવાની છે
અમારા અંજારના નગાવલાડીયા ગામની નદીના કિનારે નાનપણમાં દોસ્તો સાથે મીઠું પકવવાની રમત રમતા ત્યારે કલ્પના પણ ન હતી કે નમકનો વ્યવસાય જીવનમાં વણાશે. આજે જેટલો આનંદ કચ્છના સર્વોચ્ચ મીઠા ઉદ્યોગપતિ બનવાનો છે એનાથી વધારે ખુશી બીજા હજારો લોકોના જીવનને મધમીઠું બનાવવા માટે સેવારત રહેવાની છે.

ગામડાના ખેડૂત પરિવારના સધાભાઇ કાનગડના ઘરે 1958માં જન્મ થયો, માતા જમનાબેનની નિષ્ઠામાંથી ઘણું શીખ્યો. ઘરની રાશનની દુકાને બેઠો પણ પરિવર્તન સંસારનો નિયમ છે, સાહસ કરશું તો કંઇક આગળ વધશું એવી સહજ સમજ કેળવી. વધુ ભણતર સંજોગોવશાત શક્ય ન બન્યું, પણ ગણતર કામ આવ્યું. યુવાવયે જ મીઠાનું ઉત્પાદન શરૂ કર્યું ને 1970માં ગાંધીધામ આવીને વસ્યા. મીઠાની સાથે ટ્રાન્સપોર્ટનું કામ કર્યું. 1986માં કેન્દ્ર સરકારે આયોડાઇઝડ મીઠા માટે પહેલીવાર લાયસન્સ આપ્યા, તેમાં સૌ પ્રથમ પરવાનો મેળવી આયોડાઇઝડ સોલ્ટ બનાવવાનું શરૂ કર્યું. દેશને સૌથી વધુ મીઠું પુરા પાડતા કચ્છમાં અત્યારે સૌથી અગ્ર હરોળની મીઠા ઉત્પાદક પેઢી ‘નીલકંઠ સોલ્ટ’ને સ્થાપી.

ભાઇઓ ખેંગારભાઇ, શામજીભાઇ અને તેજાભાઇ જોડાયા. હું ધોરણ 9 સુધી ભણી શક્યો પણ મારા સંતાનો અને ભાઇઓના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શિક્ષીત અને દિક્ષીત બન્યા તથા મીઠા ઉદ્યોગમાં જોડાયા. નીલકંઠ ગ્રૂપ નાના બીજમાંથી વટવૃક્ષ બન્યું એમાં પરિવારની હિસ્સેદારી અમૂલ્ય છે. કચ્છમાં મીઠાને સંલગ્ન એક પણ પ્રોસેસિંગ યુનિટ નથી. કાસ્ટિંગ સોડા કે સોડા એસ પ્લાન્ટ સ્થાપાય એવા મારા પ્રયાસો રહેશે. ફરી થોડી અંગત વાત. માતા ઉપરાંત પત્ની દેવઇનો પણ મારા જીવનમાં ઘણો ફાળો છે. પરંતુ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનો મારા જીવન પર ઘણો જ પ્રભાવ રહ્યો છે.

કર્મ એ જ પૂજા છે એવો એમનો જીવનમંત્ર કામ આવ્યો અને ભાઇશ્રીએ મને કર્મયોગી કહ્યો એટલે બધું સાર્થક થયું. ગુજરાત સ્ટેટ કો-ઓ. બેંકે મંડળીના સંચાલન માટે કર્મયોગી એવોર્ડ આપ્યો. મહત્વની છ સંસ્થાઓમાં પ્રમુખ અને બેમાં મેનેજીંગ ટ્રસ્ટી છું. જોગણીનારમાં ગૌશાળા ખોલી અને પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું એનું સહજ આનંદ છે. દ્વારકા તીર્થમાં ગુજરાત મચ્છોયા આહિર સમાજની વાડી બની તેમાં પણ ઉપપ્રમુખ છું. મારી ત્રણ દિકરીઓ અને એક દિકરાને ઉચ્ચ શિક્ષણ અપાવીને મેં મારી (ધો.9 પછીના અભ્યાસની) શિક્ષણ ખોટ પુરી કરી, પરંતુ અમારા મચ્છોયા અહિર સમાજની દિકરીઓ માટે કન્યા વિદ્યામંદિર ખોલ્યું. સાપેડા પાસે ઉચ્ચ અભ્યાસ કરાવતી એસ.આર.કે. ઇન્સ્ટિટ્યુટ ખોલી. દર વર્ષે મારી જ્ઞાતિની સેંકડો દિકરીઓ સામાન્ય દરે છાત્રાલયમાં રહીને ભણી રહી છે તો અન્ય સમાજના બાળકો પણ ઉચ્ચ અભ્યાસની પદવીઓ મેળવી રહ્યા છે.

ભૂકંપ પછી પાંચ નવા ગામ બનાવ્યા
‘ભયાનક ધરતીકંપમાં ગામના ગામ સંપૂર્ણ નષ્ટ થયા. મારા કર્મ નિકેતન ટ્રસ્ટ અને સંસ્થાઓ તથા પુ.ભાઇશ્રીના નેજા હેઠળ રાધાનગર, માધવનગર, ગોપાલનગર, યશોધાધામ અને નંદગામ બનાવી 1500થી વધુ પરિવારોનો પુન: વસવાટ કર્યો. કુંભારિયામાં ગામે પ્રાથમિક શાળા, માધાપર અને બળદિયામાં પછાત વર્ગ માટે સમાજવાડી, મનફરામાં કોળી સમાજનું છાત્રાલય બંધાવ્યા. મારા નગાવલાડીયા ગામમાં બચત-ધિરાણ મંડળી ખોલી.

25 વર્ષથી સમુહલગ્નોમાં 1 હજારમાં દિકરીના વિવાહ
મારા નગાવલાડીયા ગામમાં 25 વર્ષથી સમુહલગ્ન યોજી માત્ર એક હજાર રૂપિયામાં દિકરીઓના વિવાહ કરાવ્યા. છેલ્લા ચાર વર્ષથી સ્થળ પર જ મેરેજ રજિસ્ટ્રેશન થાય છે. મચ્છોયા આહિર સમાજમાં સમુહલગ્ન માટે પ્રેરણા આપી.મોદીજીના બેટી બચાવ, બેટી પઢાવ સૂત્ર જેવું સેવા કાર્ય કરવાની તક 25 વર્ષ પૂર્વે ઝડપી લીધી.

કોરોનાકાળમાં સેવા કાર્યો માટે 50 લાખનું દાન આપ્યું
કોવિડના દર્દીઓ અને લોકોની સેવા પાછળ લગભગ અડધા કરોડ વાપર્યા. વતને જતા પ્રવાસી મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરી.ઘઉંની નિકાસબંધી વખતે કંડલામાં થંભી ગયેલી સેંકડો ટ્રકોના ડ્રાઇવરોને મફત ભોજનનો પ્રબંધ કર્યો.

પિતાજીના આદર્શે સમાજ સેવાના સંસ્કાર આપ્યા : અંજારમાં આહિર કોલેજ અને હોસ્પિટલ બનાવવાનું લક્ષ્ય - બાબુભાઇ હુંબલ, ચેરમેન શ્રીરામ ગ્રૂપ ઓફ કંપનીઝ

જિંદગીની દોડ અગરો પુરતી મર્યાદિત નહીં, શિક્ષણ અને સમાજ સંસ્થાનો સુધીની છે
સમાજનું સારૂં ઇચ્છશંુ તો પોતાની સાથે પણ સારૂં થાય છે. આપણે બધા એ જ સોસાયટીનો એક ભાગ છીએ. સદાય સમાજને મદદરૂપ થવાની ભાવના સાથે સ્વયંનો વિકાસ કરતા રહો. આ સીધી-સાદી પણ ગહન ફિલસુફી મને મારા પિતાજી ભીમાભાઇ હમીરભાઇ હુંબલમાંથી શીખવા મળી. તેઓ મારા આદર્શ રહ્યા છે. તેમના થકી મારા જીવનમાં સત્ય, કર્મનીષ્ઠા અને સમાજ સેવાની ભાવના ઉતરી છે. નિસ્વાર્થ ભાવે કોઇને કશું આપશંુ કોઇની પાસે ક્યારેય માગવાની જરૂર નહીં પડે એવી શીખ પણ તેમના પાસેથી મળી છે.

બસ, એટલે જ મારૂં ગામ અંજારનું ભીમાસર (ચકાસર) હોય કે કર્મસ્થળ ગાંધીધામ, અહીંથી સો સવા સો કિલોમીટર દૂર મીઠાના અગરોથી માંડીને ઓફિસ, ઘર સુધી તો દોડતા હોઇએ, પણ મારી દોડને વ્યવસાયના દાયરામાં સિમીત રાખવાના બદલે મેં મારા સમાજ, સેવા સંસ્થાનો સુધી અવિરત રાખી છે અને તે પણ અગ્રતાના ધોરણે. શ્રીરામ ગ્રૂપ ઓફ કંપનીઝ, શ્રીરામ કેમફુડ પ્રા.લિ. સોલ્ટ મેન્યુફેકચર એન્ડ એક્સપોર્ટના ચેરમેન તરીકે ધંધાનો ઉત્તરોત્તર વિકાસ કર્યો છે. તો સ્વયં સ્વીકારેલા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં ક્યાંય પાછી પાની નથી કરી.

કોઇ પણ જાતના પ્રચાર કે શોર વીના કન્યા કેળવણી, શિક્ષણ, આરોગ્ય જેવી અગત્યની સેવાઓ માટે તત્પર રહેવં, કાર્યરત રહેવું મારા સંસ્કાર છે, મારો શોખ છે. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઇ હુંબલ ટ્રસ્ટ દ્વારા આદિપુરના કામધેનું ગૌ સારવાર કેન્દ્રમાં ગૌવંશની સારવાર માટે 7 લાખનું દાન આપ્યું. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ સંચાલિત મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ સ્થિત ગુજરાત આહિર કેળવણી મંડળ, સામખિયાળીના ગીરનારી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારકાનું મચ્છોયા આહિર ભવન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી હોવાના નાતે શિક્ષણ, આરોગ્ય ઉપરાંત ધાર્મિક કાર્યો કરવાની તક સતત સાંપડતી રહે છે.

હંુ પોતાને સદ્દભાગી માનું છું કે આહિર સમાજની દિકરીઓની કેળવણી માટે હું પ્રદાન આપી શક્યો શું. હવે અંજારમાં આહિર સમાજ સંચાલિક કોલેજ અને હોસ્પિટલ ખોલવાનું મારૂં સપનું છે. અંજાર તાલકામાં આહિર પરિવારોનો વધુ વસવાટ હોવાથી તેમને રાહત દરે સારી આરોગ્ય સેવા અને તેમના સંતાનોને ઉચ્ચ અભ્યાસનો લાભ મળે એ હેતુથી મેં આ ઇચ્છા રાખી છે અને સાકાર થાય એ માટે પ્રયત્નશીલ છું.

અને હા... સેવા ક્ષેત્રે માન- અકરામ ઘણા મળ્યા, સન્માન થયા, એવોર્ડ મળ્યા પરંતુ કચ્છ આહિર સમાજના ઉપક્રમે આહિર મંડળનો સુવર્ણજયંતિ મહોત્સવ ઉજવવા અને તેમાં ભારતના વિવિધ પ્રાંતમાંથી આહિર- યાદવ સમાજના આગેવાનો- લોકો મોટી સંખ્યામાં આવ્યા એ મારા માટે સૌથી મોટું સન્માન હતું. એ સમારોહ યાદગાર અને ઐતિહાસિક બની રહ્યો. ભગવાન રામ અને કૃષ્ણ સદાય સારા કાર્યો કરવા પ્રેરતા રહે એવી હંમેશા પ્રાર્થના કરતો રહું છું.

મહામારી વખતે સેવાની સરવાણી વહાવી
‘અંજારમાં હોમ આઇસોલેટેડ પરિવારોને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરી. દુધઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રેપીડ કીટ, ખુટતી દવાઓ, ઓક્સિજનની મદદ કરી. ભીમાભાઇ હમીરભાઇ હુંબલ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી પાંચ દિવસનો રેપીડ ટેસ્ટ કેમ્પ યોજ્યો. આ બધી સેવા પાછળ રૂા. 50 લાખની સખાવત કરી. અંજારમાં ભારત વિકાસ પરિષદને બે લાખ દાનમાં આપ્યા.રતનાલ આરોગ્ય કેન્દ્રમાં પણ બે લાખની દવા અને સર્જિકલની સુવિધા અને મેઘપર પીએચસી અને નાગલપર કોવિડ હોસ્પિટલમાં રૂા. દોઢ-દોઢ લાખના દાન આપ્યા. ભુવડ તથા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં કોવિડ મેડિકલ કીટ દાનમાં આપી. તાલુકાના આ તમામ પીએચસીમાં રૂબરૂ મુલાકાત લેતા રહી સેવાની તક ઝડપતો રહ્યો.

ભુજોડી આહિર કન્યા છાત્રાલયનો લાભ 3 જિલ્લા લે છે
ભુજના ભુજોડી પાસે અભ્યાસ સાથે રહેવા-ભોજનની વ્યવસ્થા ધરાવતી ભુજોડી આહિર કન્યા છાત્રાલયનો લાભ કચ્છ, પાટણ અને બનાંસકાંઠા સુધીની આહિર દીકરીઓ લઇ રહી છે. સુરક્ષાની પણ સજ્જડ વ્યવસ્થા છે. હંમેશા ઉંચુ પરિણામ આવે છે. કન્યાઓનો સર્વાંગી વિકાસ થાય તેવી ઇત્તર પ્રવૃત્તિઓ થઇ રહી છે.

યુવાનોએ સખત મહેનત સાથે સંનિષ્ઠ પ્રયાસ કરવા જોઇએ, તો પોતાના લક્ષ્યો વધુ સ્પષ્ટ અને વધુ નજીક દેખાશે - ભાવેશ આહિર (ચાવડા), મોભી કચ્છ બ્રાઇનકેમ ઇન્ડસ્ટ્રીઝ

ઉદ્યોગ હોય કે સેવા, પિતાના આદર્શો પર ચાલ્યા ને સફળતાના શિખરો સર કર્યા
મારું વ્યવસાયિક લક્ષ્ય છે મીઠા ઉદ્યોગમાં કંપનીને સર્વોચ્ચ સ્થાને લઇ જવી, અન્ય વ્યાપારિક ક્ષેત્રોમાં હરણફાળ ભરવી, જ્યારે વ્યક્તિગત લક્ષ્ય આરોગ્યક્ષેત્રે બિમાર લોકોને કોઇ તકલીફ કે લાચારી ભોગવવી ન પડે, સારવાર માટે ઠેબાં ન ખાવા પડે, એ માટે હેલ્થ ક્ષેત્રમાં વધુ કામ કરવાનું છે. મારું ગામ ભચાઉનું મોટી ચીરઇ. મીઠાના વ્યવસાયિક સ્થાનો ચીરઇ, ભચાઉ અને ગાંધીધામ છે. પિતા નારાણભાઇ આહિર સાવ સામાન્ય પરિવારના, પણ બાળપણથી તેમનો સંઘર્ષ જોતો, મીઠાના વયવસાયમાં તેમણે શરૂઆત કરી હતી. મને તેમાં ભવિષ્ય દેખાયુંને મેં પણ ઝુકાવી દીધું. ધંધાની બાગડોર મારા હાથમાં આવી એ પછી ઘરેડ છોડીને આયોડિન યુક્ત મીઠાનું કારખાનું શરૂ કરી નવો ચીલો ચાતર્યો, શ્રી રામ સોલ્ટ સપ્લાયમાં ભાગીદાર અને કચ્છ બ્રાઇનકેમ એનઇસીનો માલિક છું.

ટિમ્બર ઉત્પાદનક્ષેત્રમાં પદાર્પણ કરતા કચ્છ પ્લાયવુડ નામની ફેકટરીનો ઓનર છું. નાનપણમાં ટ્રાન્સપોર્ટ લાઇનમાં જવા માગતો હતો પણ આજે વિવિધક્ષેત્રોને સ્પર્શતા ઉદ્યોગોમાં સક્રીય ભૂમિકા ભજવી રહ્યો છું, 600થી વધુ લોકોને તેના દ્વારા રોજગારી મળી રહી છે અને હા, દર જન્માષ્ટમીએ આહિર સમાજ દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવાય છે એમાં સેવાકીય યોગદાન રહે છે. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું. જરૂરતમંદોને તબીબી સુવિધા મેળવવામાં સમસ્યા ન થાય તે માટે મદદરૂપ બનતો રહું છું. ફુરસદમાં મિત્રો સાથે સમય પસાર કરવાનું પસંદ છે.

જોકે, માતાનું નામ પુરીબેન છે. તેમનો માતૃત્વસભર ઉછેર નીચેથી ઉપર આપવામાં ક્યાંક ને ક્યાંક બળ બની રહ્યો છે. પત્ની જાગૃતિબેન, પુત્રી જાહન્વી અને પુત્ર મીત આ છે મારો પરિવાર, દીકરીનો જન્મ મારા જીવનનો યાદગાર અને સૌથી ખુશીનો પ્રસ઼ગ હતો. ફરી વેપાર ઉદ્યોગની વાત, રાષ્ટ્રીય સ્તરે એક છાપ એવી છે કે, મીઠું પકાવવાનું કામ એટલે અગરિયા કક્ષાનું. મારી ઇચ્છા હતી કે, કચ્છના મીઠાના કારખાના કે કંપનીને ઉદ્યોગની ઓળખ મળે. કચ્છના મીઠા ઉદ્યોગનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકે.

અન્ય સમાચારો પણ છે...