ભુજ શહેરમાં ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સામે ભુજ બસ પોર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને આડે ભુજ નગરપાલિકાની માલિકીની 180 દુકાનો નડતર રૂપ છે, જેથી ભાડૂતો, નગરપાલિકા અને અેસ.ટી. તંત્ર વચ્ચે લાંબા સમયથી બેઠકો ચાલતી હતી, જેમાં આખરે અેજ સ્થળે બનાવી આપવા અને નવા કરાર સાથે જૂના ભાડૂતોને સુપરત કરવા રિડેવલોપમેન્ટ સંમતિ સધાઈ છે. જેને બહાલી આપવા માટે ભુજ નગરપાલિકાઅે આજે તાત્કાલિક સામાન્ય સભા બોલાવ્યાના હેવાલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ બસ સ્ટેશન વેપારી અેસોસિઅેશન દ્વારા સંબંધિત દુકાનધારકોની બેઠક મળી હતી, જેમાં બસ પોર્ટ નિર્માણ કરતી અેજન્સી પાસેથી નગરપાલિકાની 180 દુકાનોનું રિડેવલોપમેન્ટની કામગીરી કરાવવાની સંમતિ સધાઈ છે. જે સંમતિપત્ર નગરપાલિકાને સુપરત કરાયો છે. સધાયેલી સંમતિ મુજબ અને પત્રમાં ઉલ્લેખ પ્રમાણે અેજન્સી દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટફ્લોરની હયાત દુકાનો સિવાયના અને સેકન્ડ ફ્લોરની અેક વખત વેચાણના હકની અવેજીમાં વાણિજ્ય સંકુલના બાંધકામનો ખર્ચ ઉક્ત અેજન્સી દ્વારા આપવામાં આવશે.
નવા કરારમાં કદાચ અા પાંચ શરતો સમાવાય
ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન માટે ચોરસ ફૂટે 11 રૂપિયા ભાડું, ફર્સ્ટ ફ્લોરની દુકાન માટે ચોરસ ફૂટે 7 રૂપિયા ભાડું, નગરપાલિકાને ચોરસ ફૂટે 1100 રૂપિયા ડોનેશન, લીઝની મુદ્દત 49 વર્ષ,દર પાંચ વર્ષે માસિક ભાડામાં 5 ટકાનો વધારો
1985માં સ્વભંડોળની આવકના હેતુથી બનાવાઈ હતી
ગુજરાત સરકારના 1973ના ઠરાવ મુજબ વેસ્ટ થયેલી જમીન ઉપર કોમર્સિયલ શોપિંગ સેન્ટર બનાવી સ્વભંડોળની આવક પ્રાપ્ત કરવા 1985ના વર્ષમાં બાંધકામ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપ પહેલા ભુજ શહેરની હદમાં અને નગરપાલિકાની હદમાં આવતી જમીનો ઉપર નગરપાલિકા હક્ક ધરાવતી હતી, જેથી દેશલસર તળાવની પાળ ઉપર, હોસ્પિટલ રોડ પાસે કલ્પતરુ સહિતના દુકાનો અને મકાનો બન્યા હતા.
બસ પોર્ટની ઈન અને આઉટ દરવાજા વધુ પહોળા કરવાનો હેતુ
બસ પોર્ટના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. બસ પોર્ટ હાલના રોડ લેવલથી અંદાજિત 1.50 મીટર જેટલું ઊંચું બનાવવામાં આવશે. અે ઉપરાંત ઈન અને આઉટ ગેટને વધુ પહોળા કરવાની જરૂરત છે.
2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થઈ છે
નોંધનીય છે કે, આ તમામ દુકાનો ભુજ નગરપાલિકાઅે લોડ બેરિંગ પદ્ધતિથી નિર્માણ કરી હતી. જે વર્ષ 2001માં વિનાશક ભૂકંપથી ક્ષતિગ્રસ્ત થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.