હરામીનાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને અવારનવાર ડ્રગ્સ મળી આવવાના ઘટનાક્રમ વચ્ચે ખાવડા રણ સરહદેથી પાંખમાં અરબી સ્ટેમ્પ હોય તેવું કબૂતર મળી આવતા ભારે દોડધામ મચી ગઇ છે.બીએસએફના જવાનોએ આ શંકાસ્પદ કબૂતરને પકડી પાડ્યું છે.
વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,મંગળવારે બપોરે ખાવડા સિમાચોકી પાસેથી બીએસએફના જવાનોએ આ કબૂતરને પકડી પાડ્યું હતું. જેની ચકાસણી કરતા તેની પાંખમાં સ્ટેમ્પ લાગેલો જણાઈ આવ્યો હતો દરમિયાન રણવિસ્તારમાં અંગદઝાડતી ગરમીના કારણે કબૂતરને ડિહાઈડ્રેશન થઈ આવતા તેને સારવાર માટે જંગલખાતાની કચેરીએ લઈ જવાયું હતું જ્યાં પ્રાથમિક સારવાર આપી કબૂતરને સ્વસ્થ કરવામાં આવ્યું હતું.
દરમ્યાન ફોરેસ્ટ વિભાગ દ્વારા શિડયુલ કે અનામત કેટેગરીમાં આવતા હોય તેવા જ પક્ષીઓને સાચવવામાં આવે છે અને કબૂતર ઘરેલુ પક્ષી હોવાથી ફોરેસ્ટના જવાબદારોએ તેનો કબ્જો સ્વીકાર્યો ન હતો જેથી હાલ કબૂતરનો કબ્જો બીએસએફની પાસે છે.
દરમિયાન તપાસ કરતા સામે આવ્યું કે,કબૂતરની પાંખમાં સ્ટેમ્પ લગાવેલું છે તે અરબી સ્ટેમ્પ છે અને આ કબૂતર એશિયાખંડનું છે કદાચ તે પાળતું હોઈ શકે તેવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. અલબત્ત અત્યારસુધીની તપાસમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.જોકે આ મુદ્દે હજી પણ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
મેટલ ડિટેક્ટરથી ચકાસણી થઈ, શંકાસ્પદ ન મળ્યું
કબૂતરના શરીરમાં કોઇ ચિપ લગાવેલું છે કે કેમ ? અથવા કોઈ સંદિગ્ધ વસ્તુ ચકાસણી કરવામાં આવી હતી પણ કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.