જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન 40 વ્યક્તિઓન નિર્મમ હત્યા થઇ છે. જેમાં મોટા ભાગના હતભાગી યુવા વર્ગના હતા. માણસના મનમાં રહેલો ગુસ્સો વેરી બની જતા હત્યાના પ્રયાસ તેમજ મારામારી અને હુમલાના બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
વર્ષ દરમિયાન ચોરીના 915 બનાવો બન્યા છે.બાઈક ચોરીની સાથે કેબલ ચોરી એટલી હદે વધી ગઈ છે કે ઘણા લોકોએ પોતાના ઘર અને વ્યવસાયના સ્થળોએ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સિક્યુરીટી ગાર્ડ રાખ્યા છે.તેમ છતાં ચોરી કરવાવાળા આરોપીઓ ચોરી કરી જ જાય છે.જેથી લોકોએ હવે સાવધાની રાખવાની વધારે જરૂરિયાત છે. પશ્ચિમ કચ્છમાં પવનચક્કીના આગમન બાદ કેબલ ચોરીની ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે.મોટા મોટા કેબલ વાયરો તો ઠીક વાડી વિસ્તારમાં બે પાંચ હજારના બોરના કેબલ પણ તસ્કરો મુક્તા નથી.
એલસીબીએ ત્રણ જેટલી ગેંગને ઝડપી પાડી હોવાથી મોટા ભાગના બનાવ ઉકેલાઈ ગયા છે.પણ ચીભડ ચોરી કરતા માણસો હાથ લગતા નથી.તાજેતરમાં માનકુવા પોલીસે પટેલ ચોવીસીમાં તરખાટ મચાવનારી કેબલ ચોર ગેંગને પકડી હતી. ભુજની જો વાત કરીએ તો અહી ઘરફોડ ચોરીનું પ્રમાણ વધુ છે પણ મોટાભાગના બનાવોમાં આરોપી પકડાયા નથી તે પણ એક વાસ્તવિકતા છે.પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર પાસેથી મળેલી માહિતી પ્રમાણે વર્ષ દરમિયાન ચોરીના 462 જેટલા બનાવો ચોપડે ચડ્યા હતા.જે ગત વર્ષ 2021 કરતા 83 જેટલા વધુ છે.
તો પશ્ચિમ કચ્છમાં વર્ષ દરમિયાન લંૂટના 16, ધાડના 3, રાયોટિંગના 33, મારામારી-હુમલામાં ઇજાના 155 બનાવ ચોપડે નોંધાયા છે. ગત વર્ષ 2021માં લૂંટની 21, ધાડની 2, રાયોટિંગની 36 અને મારામારી હુમલાની 185 ઘટના બની હતી. પૂર્વ કચ્છની વાત કરીએ તો અહી વાગડ વિસ્તારમાં કેબલચોર અને તાલપત્રી ગેંગનો તરખાટ છે.
જયારે અંજાર,આદિપુર અને ગાંધીધામમાં બાઈક ચોરી તો વાતજ મૂકી દયો એટલી હદે થાય છે.દરરોજ બે થી ત્રણ બનાવો બાઈક ચોરીના હોય છે.પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે વર્ષમાં 453 જેટલી ચોરી ચોપડે ચડી છે.ત્યારે હવે આવી ઘટનાઓ અટકાવવા માટે લોકોએ પણ સમજદારી અને સાવચેતી રાખવી પડશે તો ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ આવશે.
પૂર્વ કચ્છમાં નજીવી બાબતે જીવલેણ હુમલાની ઘટનામાં ચિંતાજનક વધારો
નજીવી બાબતે આવેશમાં આવી જઈને ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરવાની ઘટના પૂર્વ કચ્છમાં વધુ છે.જે ચિંતાજનક બાબત છે.કચ્છમાં વર્ષ 2021 માં હત્યાના પ્રયાસની કુલ 56 ઘટના સામે 2022માં વધારો થતા હત્યાના પ્રયાસની કુલ 61 ઘટના ચોપડે ચડી હતી. જેમાં પૂર્વ કચ્છમાં 38 અને પશ્ચિમ કચ્છમાં 23 વ્યક્તિ ભોગ બન્યા હતા.
પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં 20-20 વ્યક્તિના ઢીમ ઢાળી દેવાયા
જિલ્લામાં વર્ષ દરમિયાન હત્યાના 40 જેટલા બનાવો બન્યા છે.જેમાં મોટાભાગના કિસ્સાઓમાં બનાવ પાછળ વ્યક્તિનો ગુસ્સો કારણભૂત બન્યો હતો.પારિવારિક,આંતરિક ઝઘડાઓમાં હત્યાના બનાવ બન્યા છે. વર્ષ 2021 માં 44 હત્યાના બનાવો બન્યા હતા.જયારે વર્ષ 2022 દરમિયાન સમગ્ર કચ્છમાં 40 લોકોના ઢીમ ઢાળી દેવાયા હતા. જેમાં બન્ને જિલ્લામાં 20-20 હત્યાનો આંકડો જાહેર થયો છે જેના આરોપીઓ હાલ જેલમાં સજા કાપી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.