લોકાર્પણ:કચ્છના યુવાનોને IAS બનવાની ઉજળી તકો: પાટીલ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી ખાતે એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને IAS ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ

કચ્છ યુનિવર્સિટી ખાતે તપાગચ્છાધિપતી આચાર્ય મનોહર કીર્તીસાગર સુરેશ્વરજી મહારાજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઇ કલ્યાણજીભાઇ ગાંધી IAS ટ્રેનીંગ સેન્ટરનો નવસારી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે 108 ટ્રક ઘાસ વિતરણ, પશુ એમ્બ્યુલન્સ, સુપોષિત કીટ આંગણવાડીના બાળકોને આપવામાં આવી તેમજ સમસ્ત જૈન સમાજ દ્વારા સાંસદ પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. 92 કિલો ચાંદીમાં તુલા કર્યા બાદ આ બધી જ રજતની કિંમત જેટલી રકમ ગૌશાળામાં દાન અપાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ત્રણ કલાક મોડો શરૂ થયેલા કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, માત્ર ઉધોગ જ નહીં શિક્ષણ ક્ષેત્રે નામના કરી રહેલા કચ્છનાં નવા શિક્ષણ કેન્દ્રોથી કચ્છના યુવાઓને લાભ થશે. ભૂકંપ વખતે બહાર વસતા કચ્છીઓ તત્કાળ મદદ માટે માદરે વતન પહોંચી ગયા હતા. જીવદયામાં જૈનો અગ્રેસર છે.

વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, કચ્છ માટે આ ઐતિહાસિક ઘડી છે. જૈન સમાજોના ગુરૂ મનોહર કીર્તી સાગર સુરીશ્વરજીના નામે જૈન સ્ટડીઝ સેન્ટર ભુજ ખાતે પ્રારંભ થઇ રહ્યો છે તેમજ IAS તાલીમ સેન્ટરના પ્રારંભથી ભવિષ્યમાં ઉત્તમ વહીવટકર્તાઓ સમાજને મળશે. જૈન ધર્મ અને સમાજ દયા, સેવા સમર્પણ, ત્યાગ જેવી અનેક અનુકરણીય જીવનશૈલી સાથે માતબર દાન-સેવા કરે છે. સ્વ.તારાચંદભાઇ છેડાની દાનપ્રવૃતિને અધ્યક્ષાએ યાદ કરી IAS સેન્ટરના દાતા મેહુલભાઇ જસવંતભાઇ ગાંધી પરિવારનો આભાર માન્યો હતો.

સ્વાગત પ્રવચનમાં સમસ્ત જૈન સમાજ અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના અધ્યક્ષ હિતેશભાઇ ખંડોરે વિકાસ કામોની માહિતી પુરી પાડી જણાવ્યું હતું કે, કચ્છ-ભુજ ખાતે પ્રારંભ થયેલા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટીડીઝ વિશ્વમાં વસતા જૈનો માટે બહુ ઉપયોગી બનશે તેમજ IAS ની તાલીમ મળી શકશે.

મુખ્ય દાતા અને બુધ્ધિસાગર સમધિ ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલ ગાંધીએ સૌનો ઋણ સ્વીકારતાં જણાવ્યું હતું કે, અમારા વિચારને વાસ્તિવકરૂપ આપી મૂર્તિમંત કરનાર કચ્છ યુનિવર્સિટી અને સરકારનો આભાર. સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કચ્છના ધારાસભ્યો, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. જયરાજસિંહ જાડેજા, વિવિધ જૈન સમાજોના અગ્રણીઓ તેમજ જૈનમુનિઓ, 140 ગામના જૈન અગ્રણીઓ તેમજ નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ગુજરાત પ્રદેશ પ્રમુખે 16 મિનિટના પ્રવચનમાં 13 વખત વડાપ્રધાનને યાદ કર્યા
યુનિવર્સિટીના પ્રાંગણમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમના 16 મિનિટના પ્રવચનમાં 13 વખત વિવિધ મુદ્દે નરેન્દ્ર મોદીને યાદ કર્યા હતા. ધરતીકંપ બાદના કચ્છના વિકાસ કે આજની વિવિધ યોજના સંદર્ભે પ્રદેશ પ્રમુખે સતત વડા પ્રધાનના નામોલ્લેખ સાથે યુગપુરુષ કહ્યા હતા. તો કચ્છીઓ તરફ મોદીની લાગણી વ્યક્ત કરતા 94 વખત એકમાત્ર કચ્છ આવ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...