ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા માર્ચમાં રાવલવાડી રિલોકેશનની 123 અને જુનમાં મુન્દ્રા રિલોકેશનની 51 દુકાનોની ઓનલાઇન લિલામી કરવામાં આવી. જેમાં સફળતા મળતા હવે ભાડાએ આરટીઓ સર્કલ સામેની 161 દુકાનોનું ઈ-ઓક્શન જાહેર કર્યું છે. આ સાઈટ પર સાડા ચારસોથી વધુ દુકાનો અને હોલ છે. જે 2005-06 માં નિર્મિત થઈ હતી.
ધંધાર્થીઓએ ત્રણ-ચાર દુકાનો અંદરથી દીવાલ તોડી એક કરી
ત્રણેય રિલોકેશન સાઈટ પર ખાનગી કંસ્ટ્રક્શન કંપની સાથેના કરાર મુજબ બાંધકામ કરી આપવાની સામે પચાસ ટકા દુકાનો આપ્યા બાદ બાકીની ઘણી દુકાનો લીઝ પર ભાડે આપવાની રહી ગઈ હતી. જો કે, માત્ર દોઢથી ત્રણ લાખના પ્રીમિયમમાં વેંચાયેલી દુકાનો આજે દસ ઘણા ભાવે ચોથી કે પાંચમી પાર્ટીને વેંચાઈ છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ અનેક દુકાનો એવી છે કે, જેની કાયદેસર નામ બદલીના વીસ હજાર ભરીને સરકારી વિધિ પૂરી નથી થઈ. તો નિયમ મુજબ દુકાનના બાંધકામમાં કોઈ ફેરફાર ન કરી શકાય તો પણ દવાઓના જથ્થાબંધ વેપારીઓ, કંસ્ટ્રક્શન કંપની અને ફાઈનાન્સર જેવા ધંધાર્થીઓએ એકસાથે ત્રણ-ચાર દુકાનો અંદરથી દીવાલ તોડી એક કરી છે.
નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માગ
મોટાભાગની રોડ ટચ દુકાનોએ બહાર સુધી શેડ અથવા તો પાકા બાંધકામ કર્યા છે. શહેરના રહેવાસીને તેના માલિકીના ઘરમાં એક બાથરૂમ પણ બહાર બાંધવું હોય તો અનેક ધક્કા ખાવા પડે છે, તો નજર સામેના નિયમ વિરુદ્ધ બાંધકામ કેમ ચલાવાય છે. જો કે, જ્યારથી દુકાન કબ્જો સોંપાયો ત્યારથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ત્રુટીઓ બહાર આવે.
લીઝ ધારકો માટે ભાડાએ નિર્ધારિત કરેલા નિયમો
માળખાકીય સુવિધાઓ સાચવવામાં ભાડા અને ઠેકેદાર ઉદાસીન રહ્યા
સાડા ચારસો જેટલી સંખ્યાની એક જ જગ્યાએ દુકાનો હોય એટલે સ્વાભાવિક કરોડો રૂપિયાની આવક ભાડા અને ઠેકેદાર બંનેને થઈ હોય. જે તે સમયે બાંધકામ કરવામાં આવ્યું ત્યારે આંતરિક રસ્તાઓ બન્યા. ત્યારબાદ એકપણ રસ્તા નથી બન્યા. તો બાથરૂમ-ટોઇલેટની સુવિધા પણ નથી. લાખો રૂપિયા ખર્ચીને આવતો દુકાન માલિક જાહેરમાં લઘુશંકા માટે જવું પડે, તે કેટલું વ્યાજબી કહેવાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.