અકસ્માત:કોટડા (જ) પાસે ટ્રકને ઓવરટેક કરવા જતાં બોલેરો પલટી,એકનું મોત,4 ઘવાયા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીવાલની કિનારી પર પડતા માથામાં ગંભીર ઇજાથી યુવાનનો જીવ ગયો
  • દાડમ પેકિંગનું મટીરીયલ લઈ ઘડુલી જતા શ્રમિકોને નડ્યો અકસ્માત

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પાસે ટ્રકને ઓવરટેક કરવાની લ્હાયમાં બોલેરો પલટી ગઈ હતી.જે ઘટનામાં ગાડીમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું તો 4 લોકો ઘવાયા હતા.નખત્રાણા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ,ભુજ તાલુકાના માધાપરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અજીતકુમાર ઉમાશંકર ગૌતમે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે,તેઓ દાડમ પેકિંગનું કામ કરે છે અને શેઠના કહેવાથી મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી ગામે દાડમનું પેકિંગ કરવા માટે ગયા હતા અને ત્યાંથી ઘડુલી જવાનું હોઇ ગાડી ભાડે કરી હતી.

બોલેરો પીકપ ગાડી નંબર જીજે 12 બીવી 5243 માં તેઓ દેશલપર કંઠીથી દાડમનું પેકિંગનું મટીરીયલ ભરીને ઘડુલી જવા નીકળ્યા હતા ત્યારે ગાડીમાં ફરિયાદીની સાથે ઠાઠાના ભાગે સુનિલકુમાર તેમજ ઓમપ્રકાશ છોટેલાલ, જીતેન્દ્ર બીકાજે, ઉમાકાન્ત મોહન, અરવિંદ રામલોટના અને ચંદન દશરથ સોનકર બેઠા હતા.

ગાડી નખત્રાણાથી આગળ કોટડા મૂકી થોડી દુર પહોંચી ત્યારે તળાવ પાસે બોલેરોના ચાલકે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા માટે કાબુ ગુમાવી દેતા ગાડી રોંગસાઈડમાં રોડ નીચે ઉતરી ગઈ હતી. જેમાં વાહન પલટી જતા તમામને ઇજાઓ થવા પામી હતી. જોકે સુનિલકુમાર પાણીના તળાવની દીવાલની કિનારી પર પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર નસીબ થાય તે પહેલા જ મોત આંબી ગયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ચાલક નાસી ગયો હોઇ તેની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશથી મજૂરી અર્થે આવ્યો હતો પણ દુર્ઘટનામાં યુવકનું મોત થઈ જતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો. જિલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહનો પર પોલસ દ્વારા લગામ કસવામાં આવે તેવી માંગ લોકો દ્વારા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...