અપેક્ષા:વરસામેડીમાં બોગસ પ્રા.શાળાના સંચાલક 15 હજાર ફી વસૂલતા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ-પ્રાયમરીમાં મંજૂરી વિના ધો. 1થી 8ના વર્ગો ચલાવતા સંચાલક
  • ડી.પી.ઈ.ઓ પણ તપાસમાં જોડાયા, વાલીઓ પાસે વિગતો લીધી

અંજાર તાલુકાના અને અંજાર શહેરના જોડિયા ગામ વરસામેડીમાં પ્રિ-પ્રાયમરીમાં મંજૂરી વિના ધોરણ 1થી 8ના વર્ગો ચલાવતા સંચાલકે ગુરુવારે જ તાળા મારી પલાયન થઈ ગયા હતા. જોકે, શુક્રવારે ડી.પી.ઈ.ઓ. પણ તપાસમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઅોના ઘરોઘર ફરીને જાણ્યું હતું કે, સંચાલક પ્રત્યેક વિદ્યાર્થીઅે વાર્ષિક 15000 રૂપિયા ફી પેટે વસૂલતા પણ હતા!

જેને અેક સમય બાલમંદિર કહેવાતું હતું. જેને હવે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકના ધોરણ 1થી 8 પહેલાનો અભ્યાસ કહેવાય છે અે પ્રિ-પ્રાયમરીની મંજૂરી લેવાની નથી હોતી. પરંતુ, ધોરણ 1થી 8ના વર્ગો શરૂ કરવા માટે મંજુરી લેવાની હોય છે. અામ છતાં વરસામેડીમાં પ્રિ-પ્રાયમરીનો બોર્ડ મારીને સંચાલક મુકેશ ડોંગરાઅે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઅોને જૂન માસથી જ પ્રવેશ અાપવાનનું શરૂ કરી દીધું હતું.

જેથી 75 જેટલા વિદ્યાર્થીઅો પણ નોંધાઈ ગયા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણીઅે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, સંચાલકની ગાંધીધામમાં મંજૂરીવાળી શાળા છે. જે સ્થળે પણ વરસામેડીના દસ્તાવેજો માટે તપાસ ચાલુ છે. અે ઉપરાંત વાલીઅોનો સંપર્ક સાધી વિગતો મેળવાઈ છે.

સૂત્રોઅે જણાવ્યું હતું કે, કચ્છમાં અેવા કેટલાય કિસ્સા છે, જેમાં મંજૂરી મળવાની અપેક્ષાઅે વર્ગો શરૂ કરી દેવાય છે. પરંતુ, મંજૂરી ન મળવાથી વિદ્યાર્થીઅો કફોડી સ્થિતિમાં મૂકાઈ જાય છે. પરંતુ, સંચાલકો રાજકીય વગના જોરે સરકારી સ્કૂલના મુખ્ય શિક્ષક, ટી.પી.ઈ.અો., શિક્ષણ નિરીક્ષક, ડી.પી.ઈ.અો. મારફતે અેવા બાળકોને સરકારી સ્કૂલમાં સમાવી વાર્ષિક પરીક્ષા પણ અપાવી દેતા હોય છે. અામ, સમગ્ર પ્રકરણ ઉપર પડદો પડી જતો હોય છે. અાવા પ્રકરણો સમયે પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિ કોલ રિસીવ ન કરી માહિતી છુપાવતા હોય અેવી છાપ ઊભી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...