પાકિસ્તાની માફિયાઓના પેંતરા:ડ્રગ્સ ઘુસાડવાના બે રસ્તા કચ્છમાં બોટ ને પંજાબમાં ડ્રોન !

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંજાબમાં ડ્રોનથી આવતું 10 કિલો હેરોઇન સીમા સુરક્ષા બળના હાથે ઝડપાયું, અગાઉ પાણીની બોટલથી પણ ડ્રગ્સ આવ્યું હતું

કચ્છના દરિયામાં અવારનવાર પાકિસ્તાન તરફથી આવતું ડ્રગ્સ ઝડપાઇ જાય છે. હાલમાં છુટાછવાયા પેકેટ પણ મળી રહ્યા છે, ત્યારે પાકિસ્તાની ડ્રગ્સમાફિયાઓએ દેશના યુવાધનને બરબાદ કરવા માટે નવો પેંતરો રચ્યો હોય તેમ કચ્છમાં બોટ અને પંજાબમાં ડ્રોન મારફતે ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પણ સતર્ક બીએસએફની ટુકડીએ કારસો નિષ્ફળ બનાવી દીધો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છની સામેપાર પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે નિતનવા પેંતરા અજમાવવામાં આવે છે, પણ એજન્સીઓ દ્વારા પગલાં લઈને પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવે છે. પંજાબ બીએસએફ ફ્રન્ટીયર દ્વારા સોમવારે કાર્યવાહી કરીને પાકિસ્તાનની ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો.

પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોનને તોડી પાડવામાં આવતા તેમાંથી હેરોઇનના કુલ 9 પેકેટ અંદાજીત વજન 10.670 કિલોનો મુદામાલ મળ્યો હતો. આ અગાઉ બોટલમાં પણ ડ્રગ્સ આવ્યું હતું. અત્રેએ નોંધવું જરૂરી છે કે, કચ્છમા પાકિસ્તાન દ્વારા દરિયાઇ માર્ગે નશીલા પદાર્થો મોકલાવાય છે. જેમાં બોટનો ઉપયોગ કરાય છે.

અહીં પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરી શકે તેમ નથી. જેના અનેક કારણો છે. કચ્છની સરહદ પર માનવ વસતી નહીંવત છે. કચ્છ અને પાકિસ્તાન વચ્ચે દરિયો, રણ અને ક્રિક સીમાઓ છે, જેથી પગપાળા કે ડ્રોન શક્ય બની શકે તેમ જ નથી. જેથી પાકિસ્તાન દ્વારા માછીમારીની બોટમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે,પાકિસ્તાની માફિયાઓ ટાપુ પર માલ રાખી દેતા હોય છે. જ્યાંથી ભારતમાં રહેતા ડ્રગ પેડલર માછલીની આડમાં તેની ડિલિવરી લઈ લે છે, તો એજન્સીઓ દેખાઈ આવે તો ડ્રગ્સના પેકેટ દરિયામાં નાખી દે છે.

આ પેકેટ આજે છુટક છૂટક ધોરણે તણાઈને કિનારા પર આવતા બીએસએફ, કોસ્ટગાર્ડ, મરીન કમાન્ડો, આઈબીના હાથે ઝડપાઇ જાય છે. તો બીજી તરફ પંજાબમાં વિપરીત પરિસ્થિતિ છે ત્યાં ભારત અને પાકિસ્તાનની સરહદ પર માનવ વસાહતો છે. જેના પગલે ડ્રગ્સ માફિયાઓ અને પેડલરોને આસાની થાય છે. માત્ર ને માત્ર બોર્ડર ફેનસિંગ છે જેથી ત્યાં ડ્રોન દ્વારા ડ્રગ્સ સપ્લાય કરાયો હોવાનું સામે આવ્યું છે.

સર્જીકલ સ્ટ્રાઈક વખતે કચ્છની સીમાએ પાક. ડ્રોન તોડી પડાયું હતું
કચ્છમાં રણ, દરિયાઈ અને હવાઈ સરહદ આવેલી છે જેથી સુરક્ષા ક્ષેત્રે તમામ એજન્સીઓ કટિબદ્ધ છે. થોડા વર્ષો પહેલા સર્જીકલ સ્ટ્રાઈક વખતે કચ્છની સીમાએ પાકિસ્તાન તરફથી આવેલું ઉડતું ડ્રોન નજરે પડી આવતા એજન્સીઓ દ્વારા તેને તોડી પડાયું હતું જે દર્શાવે છે કે કચ્છ હોય કે પંજાબ તમામ સ્થળોએ એજન્સીઓ સક્રીય હોવાથી ડ્રગમાફિયાઓની ઊંઘ સાવ હરામ થઈ ગઈ છે.

પંજાબમાં ડ્રગ્સ પકડાવાના કિસ્સા સામાન્ય પણ હવે કચ્છ-ગુજરાતમાં ચિંતા
પંજાબમાં મોટી સંખ્યમાં યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. જેના કારણે જ અહીં ઉડતા પંજાબ ફિલ્મ પણ બની હતી. અહીં અવાર-નવાર ડ્રગ્સ પકડાય છે. પણ હવે કચ્છ અને ગુજરાતના કાંઠે મોટી માત્રામાં નશીલા પદાર્થો મળી રહ્યા છે. કચ્છની ઓળખ તો માફિયાઓએ ખરડી નાખી છે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા કચ્છના દરિયાનો ખોટો ઉપયોગ કરીને અહીં કરોડો રૂપિયાનું ડ્રગ સપ્લાય કરવામાં આવતું હોય છે જે ઝડપાઇ જાય છે. કચ્છના પોર્ટ મારફતે ઘૂસાડાતા કેફીદ્રવ્યના રેકેટ પણ તાજેતરમાં પકડાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...