વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ સીટ બીજેપી, ત્યારબાદ કોંગ્રેસ અને અંતિમ ત્રીજી આમ આદમી પાર્ટીને બેઠકો મળશે તેવી ગણતરીએ મતદાન અને મત ગણતરી સુધીમાં કરોડો રૂપિયા સટ્ટામાં લગાવવામાં આવ્યા. સમાચાર, ચેનલો અને રાજકીય વિશેષજ્ઞ દ્વારા જે પ્રકારની ડિબેટ કરવામાં આવતી અને સર્વેમાં પણ એકાદ વિશ્લેષણને બાદ કરતાં મહત્તમ 135 સીટ ભાજપને મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. સટ્ટા બજારમાં પણ મંદી 132 અને તેજી 134 માં અનેક પંટરો અને બુકીઓએ લાખો રૂપિયાને હિસાબે સટ્ટો કર્યો હતો. ચાલુ મત ગણતરી વખતે પણ ધીમે ધીમે વધીને 132 થી 140 અને 145 સુધી તેજી કરવામાં આવી.
જો કે, ત્યારે પણ મોટાભાગે મંદીમાં રૂપિયા રમાયા. પરંતુ આઠ ડિસેમ્બરે બપોર બાદ ભાજપની બેઠક 156 ને આંબી ગઈ ત્યારે ત્યાં સુધીમાં કરોડો રૂપિયા લગાવનારા હારી ચૂક્યા હતા. જો કે, આઇડી માલિકો કે જેમાં મોટા ઉદ્યોગગૃહ માલિકો અને રાજકારણીઓ પડદા પાછળ હોવાનું કહેવાય છે તેઓએ અબજો રૂપિયાનો નફો કરી લીધો હોવાનું સૂત્રો જણાવે છે. તે જ રીતે કોંગ્રેસ પાર્ટીમાં પણ 18/20 થી કરીને 28/30 સુધીની તેજી કરી હતી તેમાં પણ મોટાભાગના રમનારના પૈસા ધોવાઈ ગયા. કોંગ્રેસની સિત્તેરથી પંચોતેર બેઠક અને ભાજપની 110 થી 115 બેઠકનો અંદાજ મુજબ સટ્ટો રમાયો હતો. સામાન્ય રમનાર પણ 25 થી 30 હજાર હાર્યો છે તો મોટી રકમ રમનાર 25 થી 30 લાખ ખોયા હોવાનો અંદાજ છે.
પ્રથમ વખત કાઉન્ટીંગ વખતે પણ કવોટેશન ચાલુ
ચૂંટણી પર જ્યારે જુગાર રમાય ત્યારે અત્યાર સુધી એવું હતું કે આગલા દિવસે રાત્રે કવોટેશન બંધ થઈ જાય, પરંતુ આઈડી ઉપર સટ્ટો રમાડવો હવે સરળ થઈ ગયું છે. પ્રથમ વખત 8મી તારીખે પરિણામ આવ્યું ત્યાં સુધી ભાવ ઉતર-ચડ થતા હતા અને કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હતો.
ચુંટણી પરિણામ બાદ સ્થાનિક બુકીઓ લાખોના ખાડામાં ડૂબી ગયા
સામાન્ય રીતે સટ્ટામાં પૈસા લગાડનાર કદાચ જીતે કે હારે, પરંતુ સ્થાનિક બુકી વધુ જોખમ ન લઈને ઉપર કટિંગ કરાવે અને પોતાનો પ્રોફીટ બુક કરી લે. જેથી તેને ખાસ ખોવાનો વારો ન આવે. તેને બેઠક ડીફરન્સના તો રૂપિયા મળે જ. પરંતુ 2022 ની વિધાનસભા ચુંટણીમાં અનેક સ્થાનિક બુકીઓ પણ ધોવાઈ ગયા. જે ગતિએ બેઠકો વધી તે કોઈના પણ દિમાગમાં ન બેસે. આ જ કારણથી કચ્છના અનેક બુકીઓ લાખો રૂપિયાના ખાડામાં ડૂબી ગયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.