ચૂંટણી:APMCમાં પાંચમી ટર્મ માટે ભાજપ પ્રેરિત પેનલ વિજેતા : વેપારી પેનલમાં 4 પૈકી બે બેઠક બળવાખોરોએ કબજે કરી

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગમાં સાત નવા ચહેરા, વેપારી વિભાગમાં બે નવા ઉમેદવાર જીત્યા

ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષ 2004થી ભાજપ પ્રેરિત ખેડૂત અને વેપારી પેનલ વિજેતા બનતી આવી છે. આગામી પાંચ વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં ફરી ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે મેદાન માર્યું હતું. જો કે વેપારીની ચાર પૈકી બે બેઠક બળવાખોરોએ કબજે કરી હતી. ચૂંટણી પૂર્વે જ સહકારી ખરીદ વેચાણ સંઘની બે બેઠક બિન હરીફ વિજેતા જાહેર થઇ હતી.

ખેડૂત વિભાગની 10 બેઠક માટે 16 ઉમેદવાર અને વેપારી વિભાગની 4 બેઠક માટે 8 ઉમેદવારે ઝુકાવતાં રવિવારે મતદાન થયું હતું. સોમવારે પરિણામ જાહેર થતાં ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. તો વેપારી વિભાગની બે બેઠક ભાજપ પ્રેરિત ઉમેદવારોએ અને બે બેઠક પર અગાઉ ભાજપના સમર્થન સાથે ચૂંટણી લડેલા પણ આ વખતે ભાજપના ટેકા વિના ઝુકાવનારા ઉમેદવારો ફરી વિજેતા થયા હતા. આમ બે બેઠક બળવાખોરોને ફાળે ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સહકારી ખરીદ વેચાણ સંઘમાં શામજી રાણા આહિર અને હઠુભા ભાણજીભા જાડેજા બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004થી દર ચાર વર્ષ માટે નવી કારોબારીનું ગઠન થતું હતું પણ છેલ્લે નિયમ બદલાતાં અગાઉની કારોબારી પાંચ વર્ષ માટે વરાઇ હતી.

આમ સતત પાંચમી ટર્મમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનો દબદબો રહ્યો છે. આ અગાઉ કોંગ્રેસના સમર્થન સાથે ચૂંટણી લડેલા ઉમેદવારોએ મેદાન માર્યું હતું. છેલ્લે એપીએમસીના ચેરમેન પદે ભાજપના જિલ્લા અધ્યક્ષ કેશુભાઇ પટેલ હતા તેમણે આખરી દિવસે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. હવે નવા વરાયેલા ડાયરેક્ટરો આગામી ટર્મ માટે ચેરમેનની વરણી કરશે. ખેડૂત વિભાગમાં 10 પૈકી 3 ઉમેદવાર રિપિટ થયા છે જ્યારે 7 નવા ચહેરા છે તો વેપારી વિભાગમાં બે નવા ઉમેદવારોએ મેદાન માર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...