ભાસ્કર વિશ્લેષણ:ભાજપે કચ્છમાં જ્ઞાતિવાદ સમીકરણના આધારે ‘મુરતિયા’ આપ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર અને સંગઠનના સરખેસરખા પ્રભાવ તળે જિલ્લા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ મંત્રીને ભુજ, અંજાર, માંડવી બેઠક પર ઉતાર્યા
  • માંડવીના ધારાસભ્યને રાપર લઇ જવાયા
  • અબડાસા-ગાંધીધામના ચહેરા ‘રિપીટ’ કરાયા
  • કોંગ્રેસ હવે છાસ પણ ફૂંકી-ફૂંકીને પીવામાં માને છે

ચૂંટણીઓ જ્ઞાતિ આધારિત ન હોવી જોઇએ પરંતુ ગુણવત્તાના આધારે લડાવી જોઇએ. એવું કહેવાય ઘણું છે પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કઇ જ્ઞાતિનું કયા વિસ્તારમાં પ્રભુત્વ તે જોઇ, ચકાસીને પછી જ રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરતા હોય છે. આજે ભાજપે પણ તેવું જ કર્યું છે. કચ્છમાં જે જે બેઠક પર જે જે જ્ઞાતિના મતદારોનો આંક ઉંચો છે તેમને ‘સ્થાનિક’ના જ મુરતિયા આપીને ચૂંટણીનો કોઠો જીતવાની વ્યૂહરચનાનો પહેલો તબક્કો જાહેર કર્યો છે.

લાંબા સમયની આતુરતાનો ગુરૂવારે પ્હો ફાટતાં જ અંત આવ્યો. કારણ કે, કચ્છની છ સહિત ગુજરાતની 182 પૈકીની મોટાભાગની બેઠકોના ઉમેદવારોને ભાજપના હાઇકમાન્ડ તરફથી ‘તૈયાર રહેવા’ના ફોન આવી ગયા હતા. ઉમેદવારો કરતાં તેમના સમર્થકો અને રાજકારણમાં રસ લેતા લોકોએ સોશિયલ મીડિયામાં શબ્દોના ઢોલ પીટી પીટીને ભાજપની દિલ્હીથી થનારી સત્તાવાર જાહેરાત પહેલાં નામો વહેતા કરી દીધા હતા. આખરે ગુરૂવારે સવારે 10.30 વાગ્યે ભાજપે સત્તાવાર યાદી જાહેર કરી ત્યારે રાજકીય પ્રસવની પીડા પૂરી થઇ.

કચ્છના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો 2022ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ સંગઠન હાવી થયું છે. ખેડૂત, શિક્ષક અને બ્રાહ્મણત્વના ક્ષેત્ર સાથે સંકળાયેલી ત્રિપુટીને નવા દાવેદાર તરીકે પસંદ કરી છે. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ (ભુજ), ઉપપ્રમુખ ત્રિકમ છાંગા (અંજાર) અને મહામંત્રી અનિરુદ્ધ દવે (માંડવી) ને ટિકીટ અપાઇ છે. કચ્છની છ બેઠક પૈકી જિલ્લા ભાજપ સંગઠનમાંથી ત્રણ નવા ચહેરા અને ત્રણ ધારાસભ્ય રીપીટ કરીને જીતી શકે તેવા દાવેદારોને જ ટિકીટ આપવાનું નક્કી કરનાર પક્ષે લીસ્ટ પણ એમ જ જાહેર કર્યું છે.

જ્ઞાતિવાર સમીકરણો અને રાજકીય હુંસાતુંસીની વચ્ચે ભાજપ સંગઠનનું સમીકરણ ઉમેરીને સત્તા જાળવવાના અતૂટ પ્રયાસો કરાયા છે. વિધાનસભામાં અધ્યક્ષપદનો મોભો જાળવાનારા ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યની ઉમર વધુ હોવાના પરિબળે તેમની રાજકીય કારકિર્દીને અલ્પવિરામ આપ્યો છે તેમ માની શકાય. જ્યારે અંજારની વર્ષો જૂની યાદવાસ્થળીએ એકાએક પરિવર્તન આણ્યું છે. વાસણભાઇ આહિરને ટિકીટ નસીબ નથી થઇ. પ્રધાનપદું ગયા બાદ માત્ર ધારાસભ્યનું છોગું ધરાવતા વાસણભાઇ પર હવે ત્રિકમભાઇને જીતાડવાની જવાબદારી થોપાઇ છે.

બે ટર્મથી જિલ્લા ભાજપ પ્રમુખપદ સંભાળનારા કેશુભાઇ પટેલ સાલસ રાજકારણી છે. પ્રથમ તબક્કે તેમના વિરોધીઓના લીધે ટર્મ પૂરી કરશે કે કેમ તેના સવાલો ઉભા થયા હતા. પરંતુ તેઓ સફળ રહ્યા અને બીજી ટર્મમાંય પ્રમુખ બન્યા. છમાંથી પાંચ બેઠક ગત વખતે (એક પક્ષ પલટા સહિત) ભાજપને ખોળે લાવી દીધી તેની પણ નોંધ પ્રદેશે લીધી છે. આ ચૂંટણી એટલે કે વિધાનસભા 2022 માટે તેમને જ્ઞાતિ સમીકરણના આધારે ભુજ બેઠકની ઉમેદવારી નસીબ થઇ છે અને પાટીદાર ફેક્ટરના લીધે ભુજ તાલુકાની પટેલ ચોવીસીનું બાહુલ્ય (જોકે કોંગ્રેસ પણ આ વખતે કચાશ રાખે તેમ નથી), બન્ની પચ્છમમાં પ્રવાસનના લીધે થયેલા વિકાસનો લાભ, મતદારોનું ધ્રુવિકરણ અને આખરે તો પક્ષ સંચાલનની તેમની ભૂમિકા તેમની દાવેદારી માટે હકારાત્મક બન્યા છે.

સંગઠનના જ એક અન્ય મહત્ત્વના હોદ્દેદારે એવા જિલ્લા ઉપપ્રમુખ અને જિ.પં.ના પૂર્વ અધ્યક્ષ ત્રિકમભાઇ છાંગાની અંજાર બેઠક માટે થયેલી પસંદગી પણ સૂચક છે. સંઘ સાથેનું જોડાણ અને શિસ્તનાં અગ્રણી શિક્ષક એ સમયના પૂર્વ રાજ્ય મંત્રીનાં સમૂહને પરાસ્ત કરીને ટિકીટ લીધી છે. ત્રીજા છે પક્ષના મહામંત્રી અનિરુદ્ધ ભાઇલાલ દવેને માંડવી બેઠક પર ઉભા રખાયા છે. તેમને જ્ઞાતિ સમીકરણનો સીધો લાભ નથી મળ્યો પરંતુ સંગઠનની વહીવટી છબી સાચવી રાખવા આપેલા આંતરિક ફાળાનો પુરસ્કાર તથા 2017ની ચૂંટણીમાં આયાતી ઉમેદવારના લીધે તેમની કપાયેલી પતંગના રાજકીય તાર ફરીથી જોડી દેવાયાનું સમજાઇ રહ્યું છે.

મુન્દ્રા મત વિસ્તારને જોડતી આ બેઠકમાં ઔદ્યોગિક માંધાતાઓની રાજકીય ઇચ્છા મુજબની વારસદારી હોય એ પણ એક પરિબળ ચર્ચાતું હતું. તેની વચ્ચે ભાજપની સંસદીય સમિતિએ માંડવીની લાજ રાખી છે. લોકો રાજ્યસભાના સાંસદ સ્વ. અનંતભાઇ દવેને આ તકે યાદ કરી રહ્યા છે. તો દાયકાઓ બાદ બ્રહ્મસમાજનું મહત્વ સમજીને પક્ષે ટિકીટ આપી હોવાની પણ ચર્ચા છે. એક દાયકામાં નર્મદાના સિંચાઇના નીરના કારણે કચ્છનો પછાત પ્રદેશ ગણાતો વાગડ ખેતીક્ષેત્રે કાઠું કાઢીને આગળ નીકળી રહ્યો છે. રાપરના પ્રથમ મહિલા ધારાસભ્ય તરીકે ત્રિલોચનાબેન ધોળકિયા રહ્યા બાદ આ બેઠક રાજકીય તાણવાળી રહેતી આવી છે.

ઉંચા ક્રાઇમ રેશિયાવાળી, શામ, દામ, ભેદ અને દંડની રાજનિતીના પરિબળોથી ખુદ રાજકીય પક્ષો પણ હાંફતા રહ્યા છે તેવી રાપર બેઠક માટે ભાજપે 2007માં હારેલા ઉમેદવાર અને હાલની ટર્મના માંડવી બેઠકના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને તક આપી છે. આ બેઠક ભાજપ માટે સરળ માની ન શકાય. કોળી, પાટીદાર, રાજપૂત ઉપરાંત ક્ષત્રિય, પછાત સમાજના મતદારોના જંગમાં ‘રાજી રાખવાનો’ ટ્રેન્ડ સૌથી મોટો છે. ભાજપ પક્ષે ટિકીટ માંગનારા મુંબઇ સ્થિત ‘શેઠ’કપાતા પટેલ મતો હવે કઇ તરફ વળે છે તે જોવાનુ઼ રહેશે.

વિધાનસભાની બેઠક નંબર 1 અબડાસા માટે પ્રદ્યુમનસિંહ જાડેજાની જાહેરાત કરતાં તેમને રીપીટ થયા છે. જમીની વાસ્તવિકતા સાથે જોડાયેલા આ નેતા પશ્ચિમ કચ્છના પ્રશ્નો માટે 2020માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને બેઠક ઐતિહાસિક રીતે જીત્યા હતા. અબડાસા, લખપત અને નખત્રાણાના અંતરિયાળ ગામોને સ્પર્શતા પ્રશ્નોની તેઓ બેધડકપણે રજૂઆત કરે છે. કચ્છ આવેલા વડાપ્રધાનને પોતાના વિસ્તારના પ્રશ્નનોથી જોહેરમાં વાકેફ કરનારા તેઓ એકમાત્ર ધારાસભ્ય હતા.

ગાંધીધામ અને ભચાઉના ગામોને આવરી લેતી નાની એવી બેઠક ગાંધીધામ મત વિસ્તારના ઉમેદવાર તરીકે યુવા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની પસંદગી નોંધપાત્ર માની શકાય. એક તો મહિલા પ્રતિનિધિત્વ આપ્યું ગણાય અને બીજો મુદ્દો એ કે તેઓ ખાસ કોઇ વિવાદમાં આવ્યા વિના પક્ષ અને સરકારની સૂચનાઓ મુજબ પ્રવૃત્ત રહ્યા છે. ભાજપે પોતાના પત્તા ખોલી નાખ્યા છે અને રાત સુધીમાં કોંગ્રેસના નામો પણ જાહેર થઇ જાય તેવી શક્યતા હોવાથી કચ્છમાં જ્યારે શિયાળાની ઠંડકે દેખા દીધો જ છે ત્યાં રાજકીય ગરમી પણ પકડાવા મંડી છે.

અન્ય સમાચારો પણ છે...