ખનીજ ચોરી:ઉખેડા ગામની 460 એકર ગૌચર જમીનમાંથી ભુમાફિયાઓ લાખો ટન માટી ચોરી ગયા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુદ ગામના સરપંચે મામલતદાર અને પોલીસતંત્રમાં લેખિત ફરિયાદ કરતા હડકંપ
  • ગૌચર જમીનમાં એક સમયે પશુઓ વિહરતા આજે મોટા મોટા તળાવ જેવા ખાડા

નખત્રાણા તાલુકાના ઉખેડા ગામની ગૌચર જમીનમાંથી લાખો ટન માટીની ખનીજ ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ ખુદ ગામના સરપંચે કરતા ચકચાર મચી ગઇ છે. ઉખેડા ગામની ઉત્તર દિશામાં ઉખેડા ગામને કાદીયા અને રસલીયા ગામને જોડતી ગૌચર જમીન આવેલી છે કુલ 460 એકર જેટલી ગૌચર જમીનમાં છેલ્લા કેટલાક સમયથી આયોજનબદ્ધ રીતે માટીની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.ગામના સરપંચ તુષારગીરી વિશ્રામગીરી ગોસ્વામીએ જણાવ્યું કે,આ જમીન પશુના ચરિયાણ માટે ઉપયોગમાં લેવાય છે પણ છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે મોટા પાયે માટીનું ખનન કરવામાં આવ્યું છે.

ઉખેડા ગામની ગૌચર જમીન પર મોટા પાયે ગેરકાયદેસર ખનન કરીને તેમાંથી માટી પથ્થરો ઉપાડવામાં આવ્યા છે જેના કારણે જમીન પર તળાવ જેવા મોટા ખાડાઓ પડી ગયા છે.અગાઉ આ જમીન સમથળ હતી જંગલી પ્રાણીઓ અને ગામના પશુઓને ઘાસચારા માટે ઉપયોગમાં આવતી હતી પણ ગેરકાયદેસર ખનનના કારણે જમીનમાં અનેક જગ્યાએ ખાડાઓ થઈ ગયા હોવાથી પશુઓ માટે પણ જમીન બિનઉપયોગી બની છે.આ બાબતે મામલતદાર અને નખત્રાણા પીઆઇને રજુઆત કરવામાં આવી છે.

જેમાં ગામની ગૌચર જમીનના સર્વે નંબર 375 માં ગેરકાયદેસર રીતે ખનન કરીને લાખો ટન માટીની ખનીજ ચોરી કરનારા ખનનમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.તંત્રના જવાબદારોએ તપાસ કરીને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...