યુવાઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની આજે જન્મ જયંતી છે જેને ‘યુવા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. 12મી જાન્યુઆરીએ તેમની 160 મી જન્મ જયંતી ઉજવવામાં આવશે ત્યારે તે નિમિત્તે આઠ મહિના સુધી સ્વામીજી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું ત્યારે જે 30 જગ્યાએ મુલાકાત લીધી હતી ત્યાં સ્વામી વિવેકાનંદની સ્મૃતિમાં સરકાર દ્વારા સ્મારક બનાવવામાં આવશે તેમજ પ્રતિમા મૂકવામાં આવશે જેને મૂર્તિમંત કરવા બેઠકોનો દોર ચાલુ છે. પ્રથમ ફેઝમાં પાંચ જગ્યાઓ સમાવિષ્ટ છે. તેમાં અંદાજિત 11 કરોડના ખર્ચે ભુજના દિવાનજી બંગલોનું રીસ્ટોરેશન, પ્રદર્શન કેન્દ્ર, ધ્યાન અને પ્રાર્થના હોલ તેમજ લાઇબ્રેરી બનશે.
સ્વામી વિવેકાનંદ 1893માં વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા માટે ગયા તે પૂર્વે ભારત ભ્રમણ કર્યું હતું. આ દરમિયાન તેઓ ગુજરાત અને કચ્છમાં આવ્યા હતા. જુનાગઢથી ભુજ આવ્યા ત્યારે અહીંના દિવાન મોતીચંદ લાલચંદ હતા જે હરિદાસજી દીવાનના બચપણના મિત્ર હતા એટલે તેમના પર પત્ર લખી સ્વામીજીની ભલામણ કરી હતી. સ્વામીજી કચ્છ આવ્યા ત્યારે મહારાજ ખેંગારજી ત્રીજા રાજ કરતા હતા, જે તેમનાથી માત્ર ત્રણ જ વર્ષ ઉંમરમાં નાના હોવાથી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. સ્વામીજીની વાતોથી મહારાઓ પણ પ્રભાવિત થયા હતા તેમ જ કચ્છના રણ વિશે તેમણે તેમના પ્રવચન દરમિયાન વર્ણન કર્યું હતું.
વર્ષ 1891ની 16 સપ્ટેમ્બરે અજમેરથી અમદાવાદના રેલ્વે સ્ટેશન પર સ્વામી વિવેકાનંદે પહેલીવાર પગ મુક્યો હતો અને ત્યાંથી ગુજરાત આઠ મહિના સુધી વિચરણ કર્યું હતું. દેશ પરિભ્રમણ કરી રહેલા સ્વામી વિવેકાનંદ અમદાવાદથી ગુજરાત મુલાકાત શરૂ કરી હતી ત્યારથી 26 એપ્રિલ 1892 એટલે કે 194 દિવસ સુધી અલગ અલગ 30 સ્થળોનું સ્વામી વિવેકાનંદે ભ્રમણ કર્યું છે.
સ્વામીજી જેે સ્થળ પર ફર્યા હતા એ સ્થળોને તબક્કાવાર વિકસાવવા માટે રાજ્ય સરકાર સ્વામી વિવેકાનંદ સર્કિટ ઉભી કરશે તેમજ તમામ વિસ્તારને ટુરીઝમ પોઇન્ટ બનાવવા માટે વિચારણા આગળ વધી રહી છે. હાલ આ સંદર્ભે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ઉત્તરાખંડમાં બનાવાયેલા વિવેકાનંદ પર્યટન પથની જેમ ગુજરાતમાં પણ આવો પથ બનશે.
ગુજરાત સરકાર દ્વારા સ્વામી સર્કિટ પ્રોજેક્ટના ફેઝ 1 માં શું થશે ?
30 સ્થળોમાંથી ફેઝ વન અંતર્ગત જે કામ થવાનું છે તેમાં ભુજમાં દીવાનજી બંગલો, વડોદરામાં દિલારામ બંગલોની પાછળ, પોરબંદરમાં રાજમહેલ રીસ્ટોર કરવા, લીંબડીમાં રાજમહેલ રીસ્ટોર કરવા, સાણંદમાં લેખંબામાં સ્વામીજીના ભક્તોએ આપેલી સાડા સાત એકર જમીનનો વિકાસ કરવો વગેરે કામ કરવામાં આવશે. તો બીજી જે ચાર જગ્યા છે, તે દ્વારકા, સોમનાથ, જુનાગઢ અને નારાયણ સરોવરમાં સ્વામીજીની પ્રતિમા મુકવામાં આવશે. ગુજરાતને જે ફાયદો થશે તે ટુરીઝમ વધશે. ખાલી દેશભરમાંથી જ ભક્તો અને પ્રવાસીઓ આવશે.
કરછમાં કયા સમયે ક્યાં રોકાયા સ્વામીજી
સ્વામીજીએ ગુજરાત ભ્રમણ કર્યું તે દરમિયાન 27/12/1891 ના કચ્છનું નાનું રણ પસાર કર્યું હતું. ત્યાંથી 31 ડિસેમ્બર 1891 ના ભચાઉ, 07 જાન્યુઆરી 1892 થી 13 જાન્યુઆરી સુધી ભુજ ( દિવાનજી બંગલો ખાતે ), 15/1/1892 ના બે દિવસ માટે માંડવી અને ત્યાંથી બેટ દ્વારકા રવાના થયા હતા. જો કે, આ જ સાલમાં ફેબ્રુઆરીમાં ફરીથી 25 તારીખે કચ્છ -માંડવી આવ્યા હતા. ત્યાંથી ભ્રમણ કરતા નારાયણ સરોવર,આશાપુરા માતાના મઢ થઈ, માંડવી અને 09 માર્ચથી 13 માર્ચ સુધી ભુજ રોકાઈ 14 થી 25 માર્ચ સુધી માંડવી અને ત્યાંથી દરિયા માર્ગે પોરબંદર પરત ફર્યા હતા.
નારાયણ સરોવરમાં સ્મારક માટે 2005માં મોરારીબાપુની કથા યોજાઇ હતી
સ્વામી વિવેકાનંદ કચ્છ આવ્યા ત્યારે નારાયણ સરોવરની પણ મુલાકાત લીધી હતી. તેની સ્મૃતિમાં દિન દયાળ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક સ્મારક બનાવવાનું 2005માં આયોજન કરાયું હતું. જે નિમિત્તે મોરારીબાપુની કથા પણ યોજાઈ હતી. આ કથાના માધ્યમથી અંદાજે 17 લાખ રૂપિયા જેટલું ફંડ એકત્ર કરાયું હતું.
ટ્રસ્ટી પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે, ત્રણ એકર જમીનમાં આ સ્મારક બનાવવાનું આયોજન હતું. સ્વામી વિવેકાનંદ ઉપરાંત ગુરુ નાનક સાહેબ કે જે લખપત થઈને મક્કા હજ કરવા ગયા હતા તેમનું પણ સ્મારકનું આયોજન હતું. પરંતુ મંજૂર થયેલી જમીન નારાયણ સરોવરથી કોટેશ્વર વચ્ચેના દરિયાઈ પટ પર હોવાથી શક્ય બની શક્યું નથી. આજે પણ ત્યાં સ્મારક બને તેવી અમારી ઈચ્છા છે. જે તે સમયે પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા કન્યાકુમારી પાસેના વિવેકાનંદ રોક જેવી પ્રતિમા મૂકવા જાહેરાત કરાઈ હતી
નારાયણ સરોવરમાં વિવેકાનંદનું શિકાગો પોઝ ધરાવતું સ્ટેચ્યુ મુકાશે
સરકાર આગામી ટૂંક સમયમાં સ્વામી સર્કિટ વિશે નિર્ણય લેશે ત્યારે પ્રવાસન વિભાગના એમડી આલોક પાંડેના જણાવ્યા મુજબ, રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠના સંચાલકો દ્વારા 125 કરોડના ખર્ચે ગુજરાતમાં 10 સેન્ટર વિકસાવવામાં આવશે તેમાંના એક કચ્છના નારાયણ સરોવરમાં અંદાજિત 3.50 કરોડના ખર્ચે દરિયામાં વિવેકાનંદનું શિકાગો પોઝ ધરાવતું સ્ટેચ્યુ મુકાશે.
તે ઉપરાંત સંભવિત સરકારી ઉપલબ્ધ જગ્યામાં પ્રદર્શન હોલ, કલા, સંસ્કૃતિ અને વારસા પર રીટ્રીટ અને વર્કશોપ તેમજ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ડોમેઇન પર કાર્યક્રમ યોજાશે. કચ્છમાં ભુજ ખાતે પણ જૂની કોર્ટ બિલ્ડિંગમાં રિસ્ટોરેશનનું કામ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.