કાનૂની કાર્યવાહી મામલે ચર્ચા:ભુજ પોસ્ટ કૌભાંડના ખાતેદારો ટપાલ તંત્ર સામે જશે ગ્રાહક સુરક્ષા ફોરમમાં

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનેલા ગ્રાહકોની શહેરના જેષ્ઠાનગરમાં મળેલી બેઠકમાં કાનૂની કાર્યવાહી મામલે કરાઇ ચર્ચા
  • પૂરાવા કરાય છે એકત્ર : કચ્છ કલેક્ટર, સાંસદ, ધારાસભ્યને પણ અપાશે આવેદન
  • 5 હજારથી લઇને 50 લાખથી પણ વધુનું લોકોએ પોસ્ટમાં કર્યું છે રોકાણ

રાજ્યમાં બહુચર્ચીત ભુજના રાવલવાડી પોસ્ટ ઓફિસના કૌભાંડનો ભોગ બનેલા ગ્રાહકોને તેમના રૂપિયા ન મળતાં હવે તેઓ ટપાલ વિભાગ વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી કરવાના છે અને પૂરાવા એકત્ર કરી ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કરશે. વધુમાં સાંસદ, ધારાસભ્ય અને કચ્છ કલેક્ટરને પણ આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવશે.

રાવલવાડી પોસ્ટ ઓફિસ કાૈભાંડનો આંકડો 20 કરોડથી પણ વધી જાય તેમ છે અને આ મામલે સીબીઆઇ તપાસ ચાલી રહી છે. તો જે-તે વખતે મુખ્ય સુત્રધાર સચિન શંકરલાલ ઠક્કર અને તેની પત્ની પ્રજ્ઞા ઠક્કર તે પોસ્ટ એજન્ટ ઉપરાંત 3 સબ પોસ્ટ માસ્ટરો વિનય દેવશંકર દવે, બટુક જિતેન્દ્રરાય વૈષ્ણવ અને બિપિનચંદ્ર રૂપજી રાઠોડ સામે પોસ્ટ વિભાગે ફરિયાદ નોંધાવી હતી અને હાલે તમામ જામીન પર છૂટી ગયા છે.

સૂત્રોનું માનીએ તો આ મામલે હજુ પોસ્ટ વિભાગના અનેક અધિકારી, કર્મચારીઓના પગ નીચે રેલો આવે તેમ છે. આ કેસમાં સીબીઆઇએ પણ અલગથી ફરિયાદ નોંધી તપાસ આદરી છે તે વચ્ચે જે ગ્રાહકોએ એક-એક પાઇ ભેગી કરીને પોસ્ટ વિભાગમાં રોકાણ કર્યું હતું તેમને હજુ સુધી નાણાં પરત ન મળતાં વ્યક્તિગત રીતે ટપાલ વિભાગ સામે કાનૂની કાર્યવાહી કરવાના છે. કાૈભાંડનો ભોગ બનેલા ગ્રાહકોની શનિવારે સાંજે જેષ્ઠાનગરમાં બેઠક મળી હતી, જેમાં રણનીતિ અંગે ચર્ચા કરાઇ હતી.

પોસ્ટ ઓફિસના ગ્રાહક ઉમેશકુમાર ચાૈહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોર્ટમાં કેસનો નિર્ણય આવશે તેને હજુ વાર લાગશે અને હજુ સુધી ભોગ બનેલા ગ્રાહકોને તેમના રૂપિયા પરત નથી મળ્યા, જેથી આ મામલે તેઓ ભુજની ગ્રાહક સુરક્ષા ફોરમમાં જવાના છે. બેઠકમાં ઉપસ્થિત લોકો પાસે આધારોમાં શું છે તેની િવગતો મેળવવામાં આવી હતી, જે લોકો પાસે પાસબુક નથી તેવા લોકોને તેમના ખાતા નંબર પરથી ખાતામાંથી થયેલી લેવડ-દેવડ અંગેના સ્ટેટમેન્ટ મેળવી લેવા સુચના અપાઇ હતી.

ભાજપ સરકારમાં દેશની અનેક બેન્કોને લોકો લૂંટીને વિદેશ ભાગી ગયા છે ત્યારે આ મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્ય તેમજ કચ્છ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે, આ માટે આગામી સમયમાં ફરી એકવાર ગ્રાહકોની બેઠક મળશે અને આગળની રણનીતિ તૈયાર કરાશે.

સ્ટેટમેન્ટ આપવામાં પોસ્ટ વિભાગની આનાકાની
જે ગ્રાહકો પાસે પાસબુક નથી તેવા ગ્રાહકો પોતાની પાસે રહેલા ખાતા નંબરના આધારે પોસ્ટ વિભાગમાંથી સ્ટેટમેન્ટ મેળવી રહ્યા છે પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ ટપાલ વિભાગ દ્વારા જયારે તમામ ગ્રાહકોને બોલાવી નિવેદન લેવાતા હતા ત્યારે એવું કહેવાયું હતું કે, તમે નિવેદન આપો તમને તમારા રૂપિયા મળી જશે પરંતુ તેને લાંબો સમય થવા આવ્યો છતાં પણ આજદિન સુધી લોકોને રૂપિયા પરત મળ્યા નથી અને હવે તો પોસ્ટ વિભાગ પણ પાસબુકમાં ટપાલ વિભાગના સહી-સિક્કા હોવા છતાં પાસબુક ખોટી હોવાનું જણાવી દોડાવી દે છે અને સીબીઆઇ તપાસ ચાલુ હોવાનું જણાવી સ્ટેટમેન્ટ આપવાનો ધરાર ઇન્કાર કરી દે છે.

પાસબુક પરત મેળવવા માટે કરાશે ફોજદારી ફરિયાદ
ઉમેશકુમાર ચાૈહાણે જણાવ્યું હતું કે, અમુક ગ્રાહકો પાસે તેમણે ખોલાવેલા ખાતાની પાસબુક નથી, જેથી પાસબુક પરત મેળવવા માટે સચિન ઠક્કર, અેજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને પોસ્ટ વિભાગ સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવશે. વધુમાં આ કેસમાં જે આરોપીઓ છે અને હજુ જે કોઇ આરોપીઓ બહાર આવશે તેમને સજા થાય તે માટે કાનૂની કાર્યવાહી કરાશે.

ભોગ બનેલા ગ્રાહકોનો આંકડો 250થી પણ વધુ : લોકોને એકત્ર થવા અપીલ
રાવલવાડી પોસ્ટ કાૈભાંડનો ભોગ બનેલા ગ્રાહકોનો આકડો 250થી પણ વધુ છે, જેથી લોકોને સંગઠીત થઇ લડવા અપીલ કરાઇ છે અને અા માટે ઉમેશકુમાર ચાૈહાણનો 9429896613 અને કરશન અેમ. વરસાણીનો 9825397287 પર સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...