કચ્છના પાટનગર ભુજને રેલ્વે સેવા મુદ્દે અવારનવાર અન્યાય થતો હોવાની વાત સામે આવતી હોય છે.જે ટ્રેનો ગાંધીધામ સ્ટેશન સુધી આવે છે તેને ભુજ સુધી લંબાવવાની લાંબા સમયની માંગણીનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે હાલમાં સપ્તાહ અગાઉ કોરોના સમયથી બંધ પડેલી ગાંધીધામ-પાલનપુર પેસેન્જર ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી છે ત્યારે ભુજ સ્ટેશને આ સેવા ક્યારે શરૂ થશે ? તે મુદ્દે ઘણા મુસાફરો ચર્ચા કરી રહ્યા છે.
જોકે આ બાબતે રેલવે વિભાગમાં તપાસ કરતા હજુ પણ ડબલ લાઈન સેક્શનનું કામ ચાલુમાં હોવાથી ભુજની ટ્રેન દિવાળીએ શરૂ થાય તેવી વકી સેવાઇ છે.દોઢ માસ અગાઉ રાધનપુરથી પાલનપુર મુસાફર ટ્રેન શરૂ કરવામાં આવી હતી બાદમાં ડબલ લાઇનનું તેમજ એક ટ્રેકનું કામકાજ પુર્ણ થયા બાદ ગાંધીધામ સુધીની સેવા શરૂ કરવામાં આવી છે.
રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, હજી પણ એક ટ્રેકમાં ડબલ લાઈન સેકશનનું કામ બાકી છે જે પૂર્ણ થવાથી ભુજની ટ્રેન શરૂ થશે આ માટે 3 થી 4 મહીનાનો સમયગાળો વીતી જશે.સંભવત દિવાળીના તહેવારમાં પ્રવાસીઓને આ ટ્રેન ભુજથી ઉત્તર ગુજરાત જવા માટે ઉપયોગી સાબિત થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.