હર્ષદ મિરાણી :
દર વર્ષે 9મી જાન્યુઆરીના પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફર્યા તે દિવસની ઉજવણી માટે 9 જાન્યુઆરીએ અા દિવસ ઉજવવામાં આવે છે. ભારતની સાથે ગુજરાત અને કચ્છના પણ હજારો લોકો દુનિયાના ખુણે-ખુણે જઇને રોજીરોટી માટે સ્થાયી થવાની સાથે હવે તો જેતે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે.
કચ્છીઓ આજે દુબઈથી માંડી અમેરિકા, ઓસ્ટ્રેલીયા, કેન્યા, ન્યૂઝીલન્ડ સુધી છવાયેલા છે. કચ્છીઅો ડાયમંડ, સ્ટીલ, સિમેન્ટ, સોલ્ટ, લોખંડ, રો-મટીરીયલ, કાપડ અને આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કચ્છના અા લોકો ભારતની સાતે વતન કચ્છને યાદ કરે છે. કચ્છમાં સુવિધા ઊભી થાય તેની વાત પણ કરે છે.
નર્મદાના નીર કચ્છમાં માંડવી સુધી પહોંચતા ખેતીને ફાયદો થશે
લંડન સ્થિત કચ્છી લેવા પટેલ સમાજના માજી પ્રમુખ વેલજીભાઇ પરબત વેકરીયાએ જણાવ્યું હતું કે, આજે જ્યારે ભારત અને કચ્છ આવે છે ત્યારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવી નીતિ જોઇએ આનંદ આવે છે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે નર્મદાના નીર કચ્છમાં માંડવી સુધી પહોંચ્યા છે. ત્યારે કચ્છના ખેડૂતો કચ્છને ખેતી પ્રધાન બનાવવાની દિશામાં આગળ વધવું જોઈએ અને પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપવું જોઈએ.
ઇઝરાઇલના લોકો ભારતને આદર્શ માને છે
21 વર્ષથી ઇઝરાઇલ ખાતે સરકારી નોકરી સાથે સંકળાયેલા અને ત્યાંના રાષ્ટપતિના હસ્તે પ્રશસ્થિ પત્ર મેળવનાર મૂળ મીરઝાપર ભુજના ધમેન્દ્ર મોહનલાલ પરમાર જણાવે છે કે અહીંયા વસ્તા ગુજરાતીઓ મુખ્યત્વે ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા છે. ઇઝરાયલના લોકો ખુબ ચોખ્ખા હૃદયના છે. અને ભારતીયઓને તેઓ આદર્શ દેશના નાગરિકો તરીકે માને છે. વિશેષમાં અહીંયાના પરીવારમાં એક વ્યક્તિને સૈન્યની તાલિમ ફરજીઆત છે. ભારતમાં પણ અા પ્રકારની કોઇ તાલિમ આપવી જોઇઅે.
પ્રવાસન ક્ષેત્રે કચ્છનો વિકાસ થતાઆનંદ
અમેરિકાના ન્યૂજર્સી સ્થિત મૂળ ભુજના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિમિર ભરતભાઈ દવે જણાવે છે કે જ્યારે પણ કચ્છ અને ભારત આવવાનું થાય છે ત્યારે ખૂબ જ ગૌરવનો અનુભવ થાય છે. હાલ પ્રવાસન ક્ષેત્રે કચ્છનો વિકાસ થઇ રહયો છે. તે જોઇને પણ આનંદ થાય છે. ભુજને આંતરરાષ્ટ્રીય અેરપોર્ટ મળે તો પ્રવાસીઅો અને એનઆરઆઇને પણ ફાયદો થઇ શકે છે.
કચ્છને સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન મળે
છેલ્લા 60 વર્ષથી દુબઈ સ્થાયી થયેલા અને સોનાના વ્યવવસાય સાથે સંકળાયેલા મૂળ માંડવીના કેશવજીભાઈ ખીમજી હીરજી સોનીઅે જણાવ્યુ હતું કે, હાલ દુબઈ ધંધાકીય અને પર્યટક ક્ષેત્રે આગળ છે. ગુજરાત-કચ્છના લોકો અહીં એક બીજા સાથે મદદની ભાવના અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સંકળાયેલા છે. પોતાની કમાણીમાંથી અમુક હિસ્સો કાઢી સેવા કાર્યમાં વાપરે છે. હાલ કચ્છ આવવાનું થાય ત્યારે અમદાવાદ અથવા મુંબઇની ફ્લાઇટ લેવી પડે છે. કચ્છને સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન મળે તે જરૂરી છે.
કચ્છમાં યુવાઓના વિકાસ માટે આઇટી ક્ષેત્રે કોર્ષ શરૂ થાય તે જરૂરી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરથી મૂળ અંજારના રવિકુમાર કિશોર ખટાઉ ઠક્કરે જણાવ્યું હતું કે હું છેલ્લા 15 વર્ષથી અહીં સોફ્ટવેર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. ત્યારે કચ્છ યુવા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એટલું ચોક્કસ જણાવીશ કે કચ્છમાં પણ શૈક્ષણિક બેઝ પર વિકાસમાં મહત્વના કોર્ષો યુનીવસિર્ટીમાં શરૂ કરવામાં આવે. કચ્છના વિદ્યાર્થીઓને બેંગલોર તેમજ અન્ય રાજ્યો પર મીટ ન માંડવી પડે તેવા પ્રયત્નો લોકપ્રતિનિધિઓ તરફથી થાય તો કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત થાય.
સરહદી જિલ્લા એવા કચ્છને અેમ્સ જેવી હોસ્પિટલ મળવી જોઇઅે
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં રહેતી મુળ દેશલપરની વૃંદા પટેલ સાયન્સ લેબ ટેકનીશન છે. તે જણાવે છે કે ઘણી વખત ભારત અાવવાનું થાય છે. અાપણો કચ્છ દેશનો સૈથી મોટો અને સરહદી જિલ્લો છે. ત્યારે સરકાર તરફથી મેડીકલ કોલેજ તેમજ અેમ્સ જેવી હોસ્પીટલનું નિર્માણ જરૂરી બની રહે છે. કારણે અેમ્સ જેવી હોસ્પિટલ કારણે કચ્છના દર્દીઓને રાજકોટ, અમદાવાદ કે મુંબઈ જેવા મહાનગરોના ખર્ચાઅોથી બચાવી શકાય છે. અને સારી તબીબી સુવિધા પણ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.