મન્ડે પોઝિટિવ:CCTV કેમેરાની મદદથી ગુનાશોધનમાં ભુજ નેત્રમ મહાનગરોને પછડાટ આપી રાજ્યમાં ત્રીજા ક્રમે

ભુજ4 મહિનો પહેલાલેખક: મીત ગોહિલ
  • કૉપી લિંક
  • શોધ શ્રેણીમાં ચાલુ વર્ષે સતત ત્રીજો ક્રમાંક મેળવી સ્થાન જાળવી રખાયું
  • ​​​​​​​છેલ્લા​​​​​​​ 3 મહિનામાં 50 ગુના ઉકેલી 27 આરોપીઓને ઝડપી લેવાયા : 25 લાખનો મુદામાલ રિકવર કરાયો

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે જિલ્લામથક ભુજમાં નેત્રમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવ્યા છે.જેની મારફતે ટ્રાફીકના નિયમનો ભંગ કરતા વાહનચાલકોને ઇ-મેમો ફટકારવામાં આવે છે જોકે તેની સાથે ગુનાશોધનમાં પણ કેમેરા ઉપયોગી સાબિત થયા છે.છેલ્લા 3 મહિનામાં નેત્રમ દ્વારા શોધ શ્રેણી અંતર્ગત 50 ગુના ઉકેલી લેવાયા હતા,જેમાં 27 આરોપીઓની ધરપકડ થઈ છે અને આરોપીઓ પાસેથી 25 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.ગુનાશોધનમાં ભુજ નેત્રમ રાજ્યમાં ત્રીજા સ્થાને આવતા ડીજીપી આશિષ ભાટીયાએ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ભુજ ખાતે વિશ્વાસ નેત્રમ પ્રોજેકટ હેઠળ 15 ઓગસ્ટ 2020 થી કુલ 19 પોઇન્ટ પર 209 સીસીટીવી કેમેરા લગાવાયા છે.નેત્રમ દ્વારા સલામતીના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો પર 24 કલાક સર્વેલન્સ અને મોનિટરીંગ કરવામાં આવે છે.ભુજ શહેરના મુખ્ય વિસ્તારમાં કેમેરા લગાવવામાં આવ્યા હોવાથી તે ઉપયોગી સાબિત થાય છે.ગુજરાત પોલીસ દ્વારા વિશ્વાસ નેત્રમ હેઠળ જે શહેરોમાં કેમેરા લગાવવામાં આવ્યા છે તેનો ત્રીમાસિક રિવ્યુ લેવામાં આવે છે.જેમાં ગુનાશોધન અને માર્ગ સુરક્ષા એમ બે કેટેગરીનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી 2022થી ભુજ નેત્રમની ટીમ આ સર્વેક્ષણમાં સક્રિયપણે ભાગ લેતી હોવાથી પ્રથમ ત્રીમાસિક એવોર્ડ વિતરણમાં પણ ભુજનો રાજ્યમાં ત્રીજો નંબર આવ્યો હતો જે બાદ એપ્રિલથી જુનના બીજા તબક્કામાં પણ ત્રીજો નંબર જાળવી રાખ્યો હતો અને તાજેતરમાં જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના ત્રીમાસિક સમયગાળાના પરિણામો જાહેર કરાયા છે.જેમાં ગુનાશોધનમાં પ્રથમ નંબરે જૂનાગઢ,બીજા નંબરે ભાવનગર અને ત્રીજા નંબરે પશ્ચિમ કચ્છ ભુજનો સમાવેશ થાય છે.ભુજમાં નેત્રમ દ્વારા ગત ત્રિમાસિક સમયગાળામાં 50 ગુના ઉકેલવામાં આવ્યા હતા.

જે પૈકી 27 આરોપીઓની ઓળખ થતા ધરપકડ થઈ હતી.જ્યારે 25 લાખનો મુદામાલ રિકવર કરવામાં આવ્યો છે.ઓકટોબરથી ડિસેમ્બર સુધીના ચતુર્થ સમયગાળામાં પણ એવોર્ડ મળે તેવી કામગીરી કરવામાં આવી રહી છે.ભુજ નેત્રમના પીએસઆઈ જે.એ.ખાચર,મયુર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાના હસ્તે વુમન હેડ કોન્સ્ટેબલ રાધીકાબેન ભરતભાઇ વ્યાસ અને કોન્સ્ટેબલ શૈલેષ હરદેવભાઈ રાજગોરે પ્રમાણપત્રનો સ્વીકાર કર્યો હતો.

અત્યારસુધી 100 થી વધુ ગુનાઓમાં કડી મેળવવામાં મળી સફળતા

  • એલસીબીએ માત્ર ગાડીના નંબર આપ્યા હતા,જેથી નેત્રમની ટીમે ગાડીના નંબરના આધારે વોચમાં રહી તેની વર્તણુકની જાણ કરતા ભુજ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ હતી.
  • બાઇક ચોરોનો અધમ વધી જતાં બાતમીદાર મારફતે એક બાઇકનો પતો મેળવી તેના પર નજર રખાતા એ ડિવિઝન અને એલસીબીએ રંગેહાથ ઝડપી લીધો,જેની પૂછતાછમાં 7 બાઇકચોરી ઉકેલાઈ હતી.
  • પર્સ,મોબાઈલ,કિંમતી વસ્તુ ખોવાઇ જવાના કેસમાં રિકવરી.

સતત મોનીટરીંગના કારણે શક્ય બન્યું
દર મહિને ગુનાખોરીના ગ્રાફની સમીક્ષા કરવામાં આવે છે તેમજ નેત્રમના મહતમ ઉપયોગ માટે સૂચના અપાઈ હોઈ સતત મોનીટરીંગ કરવામાં આવે છે.ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં આવતી અરજીઓની ફરિયાદ લઈ ગુના શોધવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સંકલનભરી કામગીરી અને સ્ટાફની સૂઝબૂઝના કારણે નેત્રમને શોધ સ્પર્ધામાં સતત ત્રીજો નંબર આવ્યો છે.હજી પણ સારા પ્રયાસો કરી ટોપ પર આવવાની નેમ છે.મુદામાલ રિકવરીમાં પણ રાજ્યમાં ભુજ અગ્રેસર છે.-> સૌરભસિંઘ,પશ્ચિમ કચ્છ પોલીસવડા.

મુન્દ્રા શહેરમાં પણ નેત્રમ વિશ્વાસ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા દરખાસ્ત કરાઈ
નેત્રમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પ્રથમ તબક્કામાં દરેક પોલીસ જિલ્લામાં મુખ્ય શહેરોને આવરી લેવાયા હતા.જે અંતર્ગત પશ્ચિમ કચ્છમાં ભુજ અને પૂર્વ કચ્છમાં ગાંધીધામનો સમાવેશ થયો હતો.હવે બીજા તબક્કામાં દરેક પોલીસ જિલ્લામાંથી એક - એક શહેરનું નામ મંગાવવામાં આવ્યું છે.જેથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મુન્દ્રા શહેરમાં CCTV લગાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.આ માટે સ્થાનિક પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારમાં સર્વે કરી,ગુનાખોરીના ગ્રાફ પ્રમાણે જે સ્થળે કેમેરા લગાવી શકાય તેવા સ્પોટ પણ નક્કી કરવામાં આવ્યા છે.મુન્દ્રામાં બારોઇરોડ,શક્તિનગર, ઝીરો પોઇન્ટ,રાશાપીર સર્કલ સહિત આખા શહેરને આવરી લેવાની યોજના છે.મુન્દ્રામાં અદાણી પોર્ટની સાથે પરપ્રાંતીય વસ્તી,કંપનીઓ અને ગુનાખોરીનું ગ્રાફ વધારે હોવાથી તેની પસંદગી કરાઈ છે.નવી સરકાર બની જતા ટૂંક સમયમાં આ દિશામાં કામ આગળ વધે તેવા સંકેત મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...