ભાસ્કર વિશેષ:ખાનગી ટયુશનમાં બાળકોને અભ્યાસ કરાવો તો સારા માર્કસ મળે તે માનસિકતા ભુજની મિતલે ભાંગી નાખી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.12 સાયન્સમાં સરકારી ઈન્દ્રાબાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી,ઘરે મહેનત કરીને 98.89 PR મેળવ્યા

આજકાલ વાલીઓના મનમાં એક માનસિકતા ઘર કરી ગઈ છે કે,છોકરાને પરીક્ષામાં સારા ટકા લાવવા હોય તો ટ્યુશનમાં મોકલવા પડશે પણ આ માનસિકતા ભુજની મિતલે ભાંગી નાખી છે સરકારી ઇન્દ્રાબાઇ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને તેણે ધો.12 સાયન્સમાં 98.89 PR મેળવ્યા છે.

ભુજની સરકારી ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બુચિયા મિતલ અરિંવદભાઈએ બોર્ડમાં 84.6 ટકા તથા પર્સેન્ટાઇલ 98.89 અને ગુજકેટમાં 120 ગુણમાંથી 105.5 માર્કસ મેળવી શાળા તથા પરિવારની સાથે સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે.

બુચિયા મિતલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ-બીમાં અભ્યાસ કરતી હતી. મિતલના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેણે કોઈ પણ પ્રકારના ખાનગી ટયુશનમાં અભ્યાસ કર્યો નથી અને પોતાની મહેનત તથા શાળાના આચાર્ય, શિક્ષકો અને પરિવારના સહયોગથી ખૂબ મોટી સફળતા મેળવી હતી તેવું ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય મીતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

આર્થિક પરિસ્થિતિના કારણે ટ્યુશનમાં ન ગઈ,ઘરે 5 થી 6 કલાક અભ્યાસ કરીને સફળતા મેળવી : શિક્ષકો-પરિવારનો સહયોગ મળ્યો
મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ ન હોવાને કારણે હું કોઈ પણ પ્રકારના ટયુશનમાં ગઈ નથી. મને શાળાના શિક્ષકો જે અભ્યાસ કરાવતા હતા તેના પર યોગ્ય રીતે અભ્યાસ કર્યો છે અને ઘરે ગયા પછી શાળામાં કરાવેલા અભ્યાસનું દરરોજ પાંચથી છ કલાક સુધી સતત વાંચન કરતી અને જો કોઈ પણ ડાઉટ હોય તો બીજા દિવસે શાળામાં આવીને શિક્ષકો પાસે સમજતી હતી. મારી સફળતા પાછળ મારા આચાર્ય, શાળાના તમામ શિક્ષકો અને મારા સંપૂર્ણ પરિવારનો ખૂબ સહયોગ રહૃાો છે, જેનું પરિણામ મને આજે સારું મળ્યું છે. - બુચિયા મિતલ

રજાના દિવસોમાં પણ મિતલ આઠથી દસ કલાક વાંચતી હતી
મિતલના પિતા અરવિંદભાઈએ જણાવ્યું કે, મારી પુત્રી વિજ્ઞાનપ્રવાહ ગ્રુપ-બીમાં અભ્યાસ કરતી હતી તે રજાના દિવસો દરમિયાન લગભગ આઠથી દસ કલાક જેટલું વાંચન કરતી હતી. છાત્રોમાં અભ્યાસ કરવાની ધગશ હોય અને જાત મહેનત કરે તો ખાનગી ટયુશન ક્લાસ વિના પણ સારા પરિણામ અને સારા ગુણ મેળવી શકે છે. મિતલની સફળતા પાછળ શાળા પરિવાર અને તેની મહેનત અભિનંદનને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...