ભૂકંપ પહેલા પાંચ નાકા-છઠ્ઠી બારી ઉપરાંત અમુક નાકા બહારની વસાહતોમાં સમાયેલું જિલ્લા મથક ભુજ ધરતીકંપ બાદ 2003માં શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ રચાયું અને ટાઉન પ્લાનિંગમાં ભુજને 54 કિ.મી. સુધી વિસ્તારી 18 કિ.મી.ના રીંગરોડથી જોડી દેવાયો એ વિસ્તારને આજે 20 વર્ષ વિતી ગયા પણ ભાડાની હદ વધારવામાં આવી નથી અને હકીકત એ છે કે ભુજ ચારેય દિશામાંથી ફાટીને ધુમાળે જઇ રહ્યું છે, તેથી હવે ભાડાની હદ નવેસરથી મુકરર કરવાનો સમય પાકી ગયો હોવાનું સંલગ્નો કહી રહ્યા છે.
બે દાયકામાં ટીપી બે વખત રીવાઈઝ થઈ, પરંતુ હદ વધારવા કોઈ દરખાસ્ત નહિ
ગુજરાત સરકારે ધરતીકંપ બાદ ભુજમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને બાંધકામ મંજૂરી માટે 9/5/2001 ના ભુજમાં વિકાસ યોજના લાગુ કરવા માટે ભાડાની કચેરી શરૂ કરી અને 12/12/2001 ના ભુજ શહેરનો 54 ચોરસ કિલોમીટરની ત્રિજ્યામાં ડેવલોપમેન્ટ પ્લાન રજૂ કરાયો. જેને સુધારણા અને ફેરફાર સાથે 2003 માં ક્ષતિઓ દૂર કરીને ટાઉન પ્લાનિંગ તરીકે અમલીકરણ કરવામાં આવ્યો. ત્યારબાદ બે વખત રીવાઈઝ કર્યો, પરંતુ હદ વધારવા માટે કોઈ પ્રયત્ન નથી થયા.
ભુજ ભુકંપ ઝોન-5 માં છે, ત્યારે આઠથી દસ માળની બહુમાળી ઈમારત શક્ય નથી
2001 માં ધરતીકંપ આવ્યા બાદ ગુજરાત સરકારે ગ્રાઉન્ડ પ્લસ ટુ અને ખાસ કિસ્સામાં ગ્રાઉન્ડ પ્લસ થ્રી બાંધકામની મંજૂરી આપી છે. માટે હવે આ શહેરમાં 8 થી 10 માળના બહુમાળી ઈમારતની શક્યતા નથી. શહેરની હદ વધારવામાં આવે તો જ વિકાસ શક્ય બને. અન્યથા ગામડાઓના પ્લોટ પર ભુજના લોકોએ વસવાટ કર્યો હોવા છતાં પણ ગામડા જ કહેવાશે.
પાંચ વર્ષથી સબ પ્લોટિંગનું કામ અટક્યું છે તે શરૂ થાય
જમીન ધંધાર્થીઓના વર્તુળમાંથી મળેલી માહિતી મુજબ ભાડાની હદ બહાર આવેલા પ્લોટના સબ પ્લોટિંગનું કામ છેલ્લા પાંચેક વર્ષથી અટકેલું છે. ભાડાની હદ વિસ્તરે તો આસપાસના નાના નાના પાંચથી છ ગામડાઓ ભુજમાં સમાઈ જાય. જો કે, ભુજના પરા સમાન આ ગામની જમીનના ભાવો પણ ઊંચા છે. બસો થી ચારસો મીટરના પ્લોટને ભાગ પાડીને વેચવા હોય તો હાલ પાંચ વર્ષથી બંધ છે. આ નિર્ણય બાબતે ગાંધીનગરથી મંજૂરીની અપેક્ષાએ નગર નિયોજકની કચેરીએથી પત્ર વ્યવહાર ચાલુ હોવાનું જાણવા મળે છે.
શહેરના બાયપાસ માટે ભાડા ઝડપથી કામગીરી કરી શકે
માધાપરના નળ સર્કલથી સુખપર ત્રણ રસ્તા સુધી અંદાજે 11 કિલોમીટર ભારે વાહનોની ટ્રાફિકને કારણે નાના વાહન ચાલક માટે જોખમી બન્યો છે. ત્યારે ભાડાની હદ વધે તો સૂચિત રિંગરોડ જે બાયપાસ માંડવી રોડથી ભુજોડી ઓવરબ્રીજ શહેરની બહારથી કરી શકાય તેની કામગીરી ઝડપથી થઈ શકે. સૂચિત અને સંભવિત રીંગરોડ તેને જોડતો રસ્તો જો ભાડાની હદ વધે તો તે ભાડા તાત્કાલિક બનાવી શકે.
બે દાયકાની ક્ષતિઓ તો નિવારો
ટાઉન પ્લાનિંગ વખતે કપાત ગ્રસ્તો અને ભૂકંપગ્રસ્તોને કોટ વિસ્તારમાં તથા બહાર જે પ્લોટ સોંપાયા તે પૈકી ટેક્નિકલ અને ભૌગોલિક કારણોસર ડઝન બંધ લોકો હજુ મકાન બાંધી શક્યા નથી આવા લોકોના પ્રશ્નો નિવારવા ભાડાએ ટીપી પર કામ કરવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.