ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની રાવલવાડી રીલોકેશન સાઈટના વાણિજ્ય સંકુલ ‘એ’ અને ‘બી’ની કુલ-123 દુકાનોને 99 વર્ષની લીઝ પર આપવા માટેની ઈ-હરાજી કરવા નક્કી થયું હતું. જે અંતર્ગત અંદાજે 500 રજીસ્ટ્રેશન થયા હતા ઈ-હરાજીના પ્રથમ દિવસે રાવલવાડી રીલોકેશન સાઈટના વાણિજ્ય સંકુલ Aની કુલ-15 દુકાનોમાં અંદાજીત 175 બીડરોએ ઓનલાઈન ભાગ લીધો.
આ તમામ 15 દુકાનોની તેમની તળીયાની કીંમત કરતાં સરેરાશ બે ઘણી કીંમતે ઈ-ઓક્શન પોર્ટલ મારફતે સફળતાપુર્વક ઈ-હરાજી કરવામાં આવી. બીડરો દ્વારા બીડ માટે ઓનલાઈન પોર્ટલનો વિના કોઈ તકલીફે ઉપયોગ કરવામાં આવ્યો. હરાજી માટે બોલી ઓનલાઈન બોલવા માટેના નિયત સમયગાળાની આખરી ક્ષણોમાં ભારી ચડસા-ચડસી રહી અને ખરીદનાર ઇચ્છુકો દ્વારા ખુબ જ ઉત્સાહભેર ઈ-હરાજીની સમગ્ર પ્રક્રીયામાં આજે પ્રથમ દિવસે ભાગ લેવામાં આવ્યો.
આગામી દિવસોમાં અગાઉ થયેલ આયોજન મુજબ દરરોજ નિયત સંખ્યાની 15-15 દુકાનોનું આ રીતે ઓનલાઈન ઈ-હરાજી કરવામાં આવશે. વધુમાં, જે બીડરો દુકાન મેળવવામાં નિષફળ રહ્યા છે તેઓને ઈ.એમ.ડી. પરત કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. તથા સૌથી ઉંચી બીડ ધરાવતાં બીડરોને જરૂરી વેરીફીકેશન બાદ દુકાન લીઝ પર આપવા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભુજમાં આગામી દિવસોમાં સફળતાપૂર્વક ઈ-હરાજીથી દુકાનોનો નિકાલ કરવામાં આવશે તથા આ બહોળા પ્રતિસાદને જોતા ટૂંક સમયમાં સત્તામંડળની આર.ટી.ઓ. અને મુંદ્રા રોડ રીલોકેશન સાઈટોમાં આવેલ વાણિજ્ય સંકુલોની વણનિકાલ થયેલ દુકાનો/હોલ માટે ઈ-હરાજીથી નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવેશે તેવું મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.