ભારતના તમામ ઓપરેશનલ એરપોર્ટ્સમાંથી સંખ્યાબંધ એરપોર્ટ પર સીઆઇએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) ના સુરક્ષા કવચ ન હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં જ પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ પરની સંસદીય પેનલ દ્વારા પોતાનો રીપોર્ટ સબમિટ કર્યો છે. જેમાં નાગરિક ઉડ્ડયન અને ગૃહ મંત્રાલયે દેશમાં હાલના ખતરાની ધારણાને ધ્યાનમાં રાખીને આ એરપોર્ટ પર સુરક્ષા ગોઠવણ પર પુનર્વિચાર કરવા અને તમામ એરપોર્ટને CISF કવર હેઠળ લાવવાની ભલામણ કરી છે.
પેનલે ભુજ એરપોર્ટને સંવેદનશીલ લેખાવ્યું
કચ્છ માટે રાહતની વાત એ છે કે આ પેનલે ભુજ એરપોર્ટને સંવેદનશીલ લેખાવ્યું છે. જોકે ભુજમાં હાલ સીઆઇએસએફની સુરક્ષા કવચ છે. ભાજપના સાંસદ ટી.જી.વેંકટેશની આગેવાની હેઠળની સંસદીય પેનલે માર્ચમાં સંસદમાં રજૂ કરેલા તેના અહેવાલમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ તરીકે એરપોર્ટને વર્ગીકૃત કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કુલ 90 એરપોર્ટમાંથી 30 સીઆઈએસએફ સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા ન હતા અને સ્થાનિક રાજ્ય પોલીસ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.
28 અતિસંવેદનશીલ એરપોર્ટમાંથી, 21 CISF કવર ધરાવે છે
સમિતિએ જણાવ્યું હતું કે, 118 ઓપરેશનલ એરપોર્ટ્સમાંથી, ફક્ત 64 એરપોર્ટ સીઆઈએસએફ કવર હેઠળ છે, જ્યારે 54 એરપોર્ટ પર આવું કોઈ સુરક્ષા નથી. વધુમાં, 28 અતિસંવેદનશીલ એરપોર્ટમાંથી, 21 સીઆઈએસએફ કવર ધરાવે છે; જ્યારે 62 સંવેદનશીલ એરપોર્ટ માટે માત્ર 39ને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સુરક્ષા આપવામાં આવી છે. જેમાં ભુજનો પણ સમાવેશ કરાયો છે.
રીપોર્ટમાં કંડલા પોર્ટનો કોઇ ઉલ્લેખ નથી
સમિતિએ તમામ ઓપરેશનલ એરપોર્ટને સીઆઇએસએફ સુરક્ષા કવચ હેઠળ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેવી ભલામણ સરકારને કરી હતી. નવાઇની વાત એ છે કે આ રીપોર્ટમાં કંડલા પોર્ટનો કોઇ ઉલ્લેખ નથી. કંડલાને કઇ કેટેગરીમાં મુકવામાં આવ્યું છે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી. નોંધનીય છે કે કંડલા એરપોર્ટ પર હાલ ગુજરાત પોલીસની સુરક્ષા છે.
CISF દ્વારા આવરી લેવામાં આવેલ અતિસંવેદનશીલ એરપોર્ટ
અમૃતસર, દિલ્હી, જયપુર, વારાણસી, લખનૌ, અગરતલા, બાગડોગરા, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, રાયપુર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, જોધપુર, અમદાવાદ, શ્રીનગર, જમ્મુ અને લેહ એરપોર્ટને CISF કવર હેઠળ મૂકવામાં આવ્યા હતા.
સુરક્ષા હેઠળ રહેલા સંવેદનશીલ એરપોર્ટની યાદી
ભુજ, આગ્રા, ભોપાલ, ચંદીગઢ, ઈન્દોર, ગોવા, ભુંતર, નાગપુર, કાનપુર, વડોદરા, શિમલા, કાલિકટ, ઉદયપુર, કોચીન, દેહરાદૂન, સિલ્ચર, કોઈમ્બતુર, ખજુરાહો, મેંગલોર, ડિબ્રુગર, તિરુપતિ, દીમાપુર, ત્રિચી, ગયા, તિરુવનંતપુરમ, દીવ, જોરહાટ, વિઝાગ, લીલાબારી, તેઝપુર, પટના, શિલોંગ, રાંચી, ભુવનેશ્વર, ઔરંગાબાદ, પોર્ટ બ્લેર અને પોરબંદરનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.