રાપર તાલુકાના ભીમદેવકા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી આસપાસની 8 જેટલી વાંઢમાં અને ગામમાં છેલ્લા બે માસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. ઉનાળાના દિવસોમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે ત્યારે અહીં પાણી મળતું બંધ થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે કુંભારીયા પાણી યોજના દ્વારા નવી લાઈન મારફતે શરૂ થયેલું પાણી છેલ્લા બે માસથી બંધ થઈ ગયું છે. જેના કારણે સેંકડો મહિલાઓને પાણી મેળવવા રઝળપાટ કરવી પડી રહી છે.
ગામના ટાંકામાં તળિયે પડેલું પાણી લેવા મહિલાઓ ભીડ લગાવી રહી છે. પાણી સમસ્યા નિવારવા ગામના સરપંચ બાલુબેન સુરાણીએ પાણી પુરવઠા કચેરી અને સંબધિત એજન્સી સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી.
રાપરના ભીમદેવકા ગામમાં ગત વર્ષે અમલમાં આવેલી કુંભારીયા વોટર સપ્લાય યોજના 8 માસ વ્યવસ્થિત ચાલ્યા બાદ હવે બે માસથી બંધ પડી ગઈ છે. જર્જરિત અને જામ થયેલી પાઈપલાઈનનું સમારકામ પણ કરવામાં આવતું નથી. આ વિશેની ફરિયાદ પાણી પુરવઠા અને સંબધિત એજન્સી સમક્ષ કરવામાં આવી હોવાનું સરપંચના પુત્ર અરવિંદ સુરાણીએ જણાવ્યું હતું. અધિકારી વર્ગનું કહેવું છે કે મોટર દ્વારા તમારા ગામને પાણી પહોંચી રહ્યું છે તો પછી પાણી જાય છે ક્યાં? એ ખબર પડતી નથી. ગ્રામલોકો હવે ગામ છોડીને હિજરત કરે તે પહેલાં પાણી સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.