ર્જરિતજ શાળા:બન્ની-પચ્છમના મુખ્ય મથક ખાવડા ઢગલાબંધ સમસ્યાઓના ભરડામાં

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ર્જરિતજ શાળા, આરોગ્ય સહિતની તકલીફથી લોકો ત્રસ્ત

બન્ની-પચ્છમનું મુખ્ય મથક ખાવડા પાણી, તલાટીની ખાલી જગ્યા, જર્જરીત શાળા, ગામતળ, માર્ગ, અારોગ્ય સહિતની સમસ્યાઅોના ભરડામાં છે. અા મુદ્દે અનેક રજૂઅાતો છતાં નિવેડો ન અાવતાં સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે.

બન્ની-પચ્છમના 84 જેટલા નાના-મોટા ગામો માટેનું વડું મથક અને 60 હજાર જેટલી વસ્તી માટે વેપાર મથક ખાવડાને અનેક સમસ્યાઅો સતાવી રહી છે. ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. પાણી પુરવઠા દ્વારા ગામના લોકો માટે કુવો બનાવી અાપ્યો છે પરંતુ તેનો કબ્જો હજુ પણ માથાભારે શખ્સો પાસે છે, જેઅો પાણીનો પૈસો કરી રહ્યા છે. ગામ નજીક સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટ અાવ્યો છે વધુમાં કાળા ડુંગરે મોટી સંખ્યામાં પ્રવાસીઅો, અધિકારીઅો અાવતા હોય છે ત્યારે ગામમાં બનેલા વિશ્રામગૃહની જાળવણી ન કરાતાં હાલે ધુળ ખાય છે અને તે હાલે જર્જરીત હાલતમાં છે. ગ્રામપંચાયતનું મકાન નાનું અને જર્જરીત છે, જેથી કામ અર્થે અાવતા લોકોને અગવડતા પડે છેે. મનરેગાની ગ્રાન્ટમાંથી નવું મકાન બનાવી અાપવા માંગ ઉઠી છે.

ગામના તલાટીની બદલી બાદ ખાલી પડેલી જગ્યા લાંબા સમયથી ભરાઇ નથી, જેથી અરજદારોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. ખાવડા ગ્રામપંચાયત હેઠળ અાવતા મેઘપર(નવાવાસ), લુડિયા અને ખાવડાની પ્રા.શાળાના અોરડા જર્જરીત હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થઇ શકે છે, જેથી અા શાળાઅોના નવા મકાનો બનાવવા માંગ ઉઠી છે.

નેશનલ હાઇવે માટે ખાવડામાં અનેક દબાણો દુર કરાયા પરંતુ ગામમાં અમુક ગરીબ લોકો પાસે પોતાનું મકાન નથી કે, જમીનનો ટુકડો નથી, જેથી અાવા લોકોને મદદરૂપ થવા ગ્રામપંચાયત તત્પર હોઇ ગામની અાસપાસ ગામતળ માટે જમીન ફાળવવા ગામના ઉપસરપંચે માંગ કરી છે.

સામૂહિક અારોગ્ય કેન્દ્ર 2 તબીબો ભરોસે
ગામના ઉપસરપંચ સુરેશ અેમ. મારવાડાઅે જણાવ્યું હતું કે, ખાવડાના સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોની સારવારની સાથે પોસ્ટમોર્ટમ રીપોર્ટ થાય છે પરંતુ નવાઇની વાત અે છે કે, અહીં માત્ર બે જ તબીબો છે. અન્ય સ્ટાફમાં મીડવાઇફ, નર્સ, સેનેટરી ઇન્સ્પેક્ટર, ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, અેક્સ-રે ટેકનીશીયન સહિતના સ્ટાફની લાંબા સમયથી ઘટ છે, જેના કારણે લોકોને અારોગ્ય સેવા માટે છેક ભુજ સુધી લંબાવું પડે છે. શ્રોફ ફાઉન્ડેશને તાજેતરમાં હોડકો ગામે પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર શરૂ કર્યું છે તેવી સેવા અહીં શરૂ કરવા તેમણે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...