ગ્રાહકોના કામો અટક્યા:વિધાનસભાની ચૂંટણીની કામગીરીના લીધે દયાપરની બેન્ક ઓફ બરોડાનો કામકાજ ઠપ

દયાપર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8માંથી 4 કર્મચારી ચૂંટણી ફરજ પર લઇ લેવાતાં બેન્ક ગ્રાહકોના કામો અટક્યા
  • હજુ પણ 3 દિવસ સુધી કર્મચારીઓના અભાવે બેન્ક બંધ રાખવી પડે તેવી ઉભી થઇ સ્થિતિ !

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતેે આવેલી તાલુકાની સૌથી વધુ ગ્રાહકો ધરાવતી બેંક ઓફ બરોડાની શાખાના 50 ટકા જેટલા સ્ટાફને ચુંટણીની કામગીરી સોંપવામાં આવતા મંગળવારે અચાનક જ બેંકનો નાણાકીય લેવડ-દેવડનો વ્યવહાર બંધ રહેતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતાં. હજુ પણ અાગામી દિવસોમાં કામકાજ અાવી રીતે જ બંધ રહેશે તેવી જાણકારી અાપવામાં અાવી છે.

તો બીજી તરફ બેંક ઓફ બરોડા શાખા દ્વારા પણ બેંકનો નાણાકીય લેવડ-દેવડ બંધ રહેશે તેવી કોઇ આગોતરી જાણ ન કરાતા આ મુદ્દે દયાપર વેપારી અેસો. દ્વારા પણ બેંક મેનેજરને લેખિત રજૂઆત કરી હતી. વિધાનસભાની ચુંટણીને લઇને જિલ્લાની સાથે અબડાસા વિધાનસભા મત વિસ્તારના લખપત તાલુકામાં પણ અનેક સરકારી કચેરીઓના સ્ટાફને ચુંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

કર્મચારીઓની મીટિંગોને કારણે તાલુકા મથક દયાપર ખાતેની કચેરીઓમાં સ્ટાફની અછત જોવા મળે છે. તેની વચ્ચે તાલુકા મથક દયાપર ખાતે આવેલી બેંક ઓફ બરોડા શાખાના અડધા સ્ટાફને ચુંટણીની કામીગીરીમાં રોકી લેવાતા અચાનક જ બેંકનું કામકાજ ઠપ થયું છે.

આ મુદ્દે દયાપર વેપારી એસો.ના પ્રમુખ રામભાઇ ઠક્કરે બેંક મેનેજરને લેખિત રજુઆત કરીને જણાવ્યું હતું કે આ બેંકમાં તાલુકાના અનેક ગામોના દુધ વ્યવસાય સાથે સંકળાયેલ માલધારીઓ નાણાની લેવડ-દેવડ માટે અાવે છે. અચાનક બેંકનો વ્યવહાર બંધ થઇ જતા પ્રસાશન સામે રોષની લાગણી ફેલાઇ હતી.

તંત્રઅે મોડી જાણકારી અાપી : મેનેજર
બેંક મેનેજર આલોક રંજનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે સોમવારે મોડેથી વહીવટી તંત્ર દ્વારા બેંકના 8 જેટલા સ્ટાફ પૈકી 4 લોકોને ચુંટણી કામગીરી સેપવામાં અાવી હતી. તેમજ તે પણ જાણકારી મોડી આપી હોવાથી આ બાબતે અગાઉથી બેંક બંધ રહેશે તેવી જાણકારી અાપી શકાઇ ન હતી. તે સાથે તેમણે આગામી તા.24, 29, 30 નવેમ્બરે ચુંટણીલક્ષી કામગીરી તેમજ 1,2 ડિસેમ્બરે પણ રજા હોવાથી બેંકનો નાણાકીય વ્યવહાર બંધ રહેશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...