સાંકેતિક બંધ:કૉંગ્રેસે આપેલા બંધના એલાનને કચ્છના ભુજ, નખત્રાણા, ગાંધીધામ અને મુન્દ્રામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો, મુન્દ્રામાં નગરસેવકે વેપારીઓને જોઈ લેવાની ધમકી આપી

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજના અનમ રીંગ રોડ, મહેરલી ચોક સહિતની બજારો બપોરના 12 સુધી બંધ રહી
  • વાગડ, અંજાર, માંડવી, દયાપર, નલિયા, ગાંધીધામમાં બંધનું એલાન નિષ્ફળ રહ્યું
  • મુન્દ્રામાં ઉત્સાહી કોંગી કાર્યકરે ઉત્સાહમાં વેપારીઓને જાહેરમાં જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી

દેશમાં વ્યાપકપણે વધી ગયેલી મોંઘવારીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા આજે શનિવારે બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના તમામ સ્થળે બજારો બંધ રાખવા વેપારી આલમને અનુરોધ કરાયો હતો. જેના ભાગરૂપે આજે કચ્છમાં પણ કૉંગ્રેસ પક્ષ દ્વારા બંધમાં જોડાવવા વેપારીઓને અપીલ કરાઈ હતી. જેના અંતર્ગત જિલ્લા મથક ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ શહેરની બજારોમાં ફરી દુકાનદારોને બંધમાં સહભાગી થવા અપીલ કરતા નજરે ચડ્યા હતા. જ્યાં વિવિધ બજારના વેપારીઓએ અપીલને માન આપી દુકાનો બંધ રાખતા મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. નખત્રાણામાં પણ અમુક દુકાનો બંધ રહી હતી. તો મુન્દ્રામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મુન્દ્રામાં બંધ કરાવવા નીકળેલા કૉંગ્રેસના નગરસેવકે વેપારીઓને ચીમકી આપતા કહ્યું હતું કે, અત્યારે ભલે તમે સમર્થન ન આપો પણ જ્યારે અમારી સતા આવશે ત્યારે અમે જોઈ લેશું.

જિલ્લાના અન્ય તાલુકામાં બંધ નિષ્ફળ રહ્યું
જિલ્લાના દસ તાલુકા મથક પૈકી જિલ્લા મથક ભુજમાં કોંગ્રેસ પ્રેરિત બંધને મહત્વની બજારોએ બંધ રાખી સફળ બનાવ્યો હોવાનો દાવો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. પક્ષના કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે શહેરના અનમ રિંગ રોડ, સ્ટેશન રોડ, ન્યુ સ્ટેશન રોડ, મહેરલી ચોક અને છઠ્ઠી બારી રિંગ રોડ પરની દુકાનો બંધ રહી હતી. મોબાઈલ એસો. રીક્ષા એસો. વગેરે વેપારી મંડળ દ્વારા પક્ષને ટેકો આપ્યો હતો. બંધને સફળ બનાવવા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા, કાસમ સમાં, હાસમ સમાં, આદમ ચાકી, જયદેવ ગઢવી, ઈલિયાસભાઈ, અંજલિ ગોર સહિતના અગ્રણીઓએ બજારમાં બંધમાં જોડાવવા વેપારીઓને અપીલ કરી હતી અને વેપારીઓ દ્વારા પૂર્ણ રૂપે સહયોગ અપાયો હતો.

જિલ્લાના તાલુકા મથક રાપર, ભચાઉ, અંજાર, માંડવી નગરમાં બજારો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી. અહીં બંધની કોઈ અસર જોવા મળી નહોતી. લખપતના વડા મથક દયાપરમાં પણ બજારો ખુલી રહી હતી. તો અબડાસાના વડા મથક નલિયા ખાતે વેપારી મંડળના નિયમાનુસાર એક વેપારીના અવસાનના પગલે બપોરના 12 વાગ્યા સુધી બજારો બંધ રહી હતી. કોંગ્રેસ બંધ વિશે વેપારીઓએ અજાણતા બતાવી હતી.

ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ગાંધીધામ શહેર વેપારીઓ અને પોતાના ધંધા બંધ કરીને સંપૂર્ણ રીતે સહકાર આપેલ છે કેમ કે મોંઘવારી ગરીબ મધ્યમ વર્ગ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને બહેનોને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દે લડત આપી છે. ગાંધીધામના વેપારીઓ દુકાનો બંધ કરી તે બદલ કોંગ્રેસ પાર્ટી દ્વારા સર્વે વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ સંજયભાઈ ગાંધી, તાલુકા પ્રમુખ ગનીભાઈ માજોઠી, માજી ધારાસભ્ય વાલજીભાઈ દનિચા, નરેશભાઈ પહેલવાન, શેરબાનુ ખલીફા, અમૃતા દાસ ગુપ્તા, રાધા સિંહ ચૌધરી, ઉમાબેન સેની, જ્યોતિબેન બાલાસા, કોકીલાબેન ઘેડા, બિંદુબેન યાદવ, ભરતભાઈ સોલંકી, ગોવિંદભાઈ દનિચા, હિતેશભાઈ લાલણ, જગદીશભાઈ ગઢવી, અમિતભાઈ ચાવડા, ખીમજીભાઈ થારૂ, કપિલભાઈ પાંધી, દશરથસિંહ ખેંગારોત, વિપુલભાઈ મહેતા, નવીનભાઈ અબચુગ, પરબતભાઈ ખટાણા, ભાવનાબેન ભાટી, સુમનબેન ટાક, મનીષભાઈ ભાટીયા,અબેઝ ભાઈ યેશુદાસ, અરૂણભાઇ હાલાણી, ધનરાજસિંહ ખલાસા, એસ.કે રાણા, આર એલ નાગવાડીયા, સિકંદર રાય કિરીટભાઈ વણકર વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તેમ ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફ ખલીફાએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...