પ્રતિબંધાત્મક આદેશો:કચ્છમાં મતદાન, મત ગણતરીના દિને ઈલેકટ્રીક ઉપકરણો પર લદાયો પ્રતિબંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉમેદવારો મતદાનના દિવસે વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને મતદાન અને મત ગણતરીના દિવસે પ્રતિબંધાત્મક અાદેશો કરાયા છે. મતદાનના દિવસ તા.1/12ના મતદાન મથકમાં કે, મતદાન મથકની 100મી ત્રિજયમાં કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જઇ શકશે નહીં. વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુટુથ પેન કેમેરા, મોબાઇલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે, અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક્સ સાધનો લઇ જઇ શકશે નહીં.

મતગણતરીના દિવસ તા.8/12ના મત ગણતરી કેન્દ્રની અંદર કે, આસપાસ કે, મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલા વિસ્તારની અંદર કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઇને જઇ શકશે નહીં કે, ઉપયોગ કરી શકશે નહીં કે, વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જઇ શકશે નહીં.

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છે, જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં ૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

મતદાનના દિવસે મળવાપાત્ર વાહનો અંગેની પરવાનગી ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી મેળવવાની રહેશે અને તે વાહનો પર આવી પરવાનગી લગાડવાની રહેશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી મતદાનના દિવસે કોઈપણ ઉમેદવાર તેમના વિધાનસભા મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના ચૂંટણી એજન્ટ માટે તેમજ વધારામાં એક વાત તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે.

વાહન એટલે ફકત ચાર/ત્રણ/બે પૈડાવાળા વાહન જેવા કે કાર, ટેક્સી, ઓટોરીક્ષા, રીક્ષા અને દ્વિચકી જેમાં ડ્રાયવર સહિત પાંચ વ્યકિતથી વધુ બેસી શક્શે નહી તેમજ ઉમેદવાર અથવા એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઇ બીજી વ્યક્તિ દ્વારા થઈ શકશે નહી. મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિ:શુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરૂં પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ/પ્રલોભન ઉભું કરવા પર કલેક્ટરે રોક લગાવી છે.

મતદાનના દિવ્યાંગ મતદારો અને સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા અપાશે
મતદારો મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પર એક જ કતારમાં એક પછી એક ઉભા રહેશે અને જે મતદાન મથકમાં મહિલા મતદારો માટે અલગ કતાર હોય તો તેઓ તે મુજબ અલગ અલગ કતારમાં ઉભા રહેશે. મતદારો એક પછી એક એમ વારા-ફરતી મત આપવા મતદાન મથકમાં જશે અને એક પુરૂષ મતદાર પછી બે સ્ત્રી મતદાર મત આપવા મતદાન મથકમાં જશે. દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ નાગરીકો (સિનિયર સિટીઝન)ને મતદાન માટે પ્રાથમિકતા આપવાની રહેશે. પોતાનો મત આપ્યા પછી મતદાર તુરત જ મતદાન મથકનો વિસ્તાર છોડી ચાલ્યા જશે.

અન્ય સમાચારો પણ છે...