કચ્છના ઐતિહાસિક પાત્રોને નવલકથાના માધ્યમથી અને બળુકી શૈલીથી પુન: જીવંત કરનારા જાણીતા નવલકથાકાર, લેખક, પત્રકાર અને કટારલેખક એવા રજનીકાંત અમૃતલાલ સોની (આડેસરા)નું 76 વર્ષની વયે નિધન થતા સાહિત્ય અને અખબારી વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે.કચ્છ રાજ સામે ન્યાય માટે જંગ માંડનારા બહારવટીયા ખાનજીના જીવન ચરિત્રને ‘બહારવટીયા ખાનજીના ખાંડાના ખેલ’ નામે, વિચક્ષણ દિવાન એવા લક્ષ્મીદાસ કામદારના પાત્રને રૈયતનો રખેવાડ ના નામે નવલકથામાં શબ્દોના માધ્યમથી પુન: જીવિત અને ચર્ચિત કરનારા રજનીભાઇ સોનીએ એક પછી એક નવલકથાઓ આપી પોતાની આગવી લેખનશૈલીનો પરચો આપ્યો હતો.
એક સમયે સરકારી કર્મચારી તરીકે જિલ્લા ટ્રેઝરી ઓફિસમાં ફરજ બજાવનારા રજનીકાંત સોનીને પ્રવાસ વર્ણન વિષય પર પી.એચ.ડી. કરવાની તમન્ના હતી પરંતુ એ દિશામાં સંજોગોએ સાથ ન આપતા તેમણે એ ઉચ્ચ અભ્યાસ માટે આદરેલી શાબ્દિક યાત્રાને લેખનક્ષેત્રે વાળી હતી. ગુજરાતના સિધ્ધહસ્ત સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશીને આદર્શ માનતા રજનીભાઇની લેખનશૈલી તથા યાત્રાલેખન, પરિવેશનું વર્ણન તથા શબ્દોની ગુંથણીમાં પણ ક.મા. મુનશીની છાંટ જોવા મળતી અખબારી દાયરામાં તેઓ પત્રકારોના ગુરૂ તરીકેનું સન્માન પામતા હતા તો સાહિત્યક્ષેત્રે પણ કચ્છની એક વિશેષ પ્રતીભા તરીકેનું સન્માન તેમને મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.