વન તંત્રની બેદરકારી:વન તંત્ર હેઠળના અવાડા ભરાય છે, અન્યની જવાબદારી અમારી નથી !

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરહદી લખપત તાલુકાના 444 કિમી જંગલમાં દાતા તરફથી બનેલા અવાડા ખાલીખમ
  • કુદરતી પાણીના સ્રોત ​​​​​​​સુકાઇ જતા મુંગા પશુ અને માલધારીઅોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

લખપત તાલુકામાં અાવેલા 444 કિલોમીટરના ચિંકારા વન્ય પ્રાણી અભ્યારણમાં વન વિભાગ દ્વારા બનાવાયેલા અવાડાઅોમાં પાણી ભરાય છે, બાકી દાતાઅો તરફથી બનેલા અવાડા ભરવાની જવાબદારી વન વિભાગની ન હોવાનું ડીઅેફઅોઅે જણાવ્યું હતું. વિશાળ જંગલમાં સેંકડો અવાડા દાતાઅો તરફથી બનાવાયેલા છે જે ખાલીખમ હોય તો ભરવાની જવાબદારી સ્થાનિક વહીવટી તંત્રની હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કેન્દ્ર સરકાર 444 કિલોમીટરના અા અભ્યારણને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરાયું છે. જેમાં અનેક નાના-મોટા તળાવ અને ચેકડેમો અાવેલા છે, તો વન વિભાગ દ્વારા અમુક જગ્યાઅે પાણીના અવાડા પણ બનાવાયા છે. હાલમાં અભ્યારણ વિસ્તારમાં તમામ કુદરતી પાણીના સ્ત્રોત સુકાઇ ગયા હોવાથી અવાડા ખાલીખમ જોવા મળ્યા હતા. ઉનાળામાં સરહદીય વિસ્તારોમાં પાણી અને ઘાસની અછત રહેતી હોય છે, મુંગા પશુઅો પાણી માટે વલખા મારે છે ત્યારે અાવા ખાલી દેખાતા અવાડા ભરવામાં વહીવટી તંત્ર દ્વારા પણ કોઇ તસદી લેવાતી નથી.

દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતા વન વિભાગના ડી.અેફ.અો. યુવરાજસિંહ ઝાલાઅે જણાવ્યું હતું કે, ઘડુલી, કૈયારી, કાનીયારો, હમનખુડી, હાલાપર, ધૂનાય, પ્રાણપર, નરેડી, અકરી, વિરાણી અને દયાપર વિસ્તારમાં અાવેલા વન વિભાગના અવાડાઅોમાં પાણી ભરાય છે. અા જંગલ વિસ્તારમાં અનેક દાતાઅો તરફથી પણ અવાડા બનાવાયેલા છે જે જવાબદારી વન વિભાગની ન હોવાનું કહ્યું હતું.

અેક જ ટ્રેકટર દ્વારા બધેય અવાડા ભરવા અશક્ય ! : ડીએફઓ
જંગલ વિસ્તારમાં પ્રાણીઅોની અવરજવર રહે છે ત્યાં લોકેશનના અાધારે જે રકાબી તળાવ અને અવાડા બનાવાયા છે જેમાં નિયમીત પાણી ભરવામાં અાવે છે. અેક જ ટ્રેકટર દ્વારા અા બધેય અવાડા નિયમીત રીતે દૈનિક ભરવા પણ શક્ય નથી તે સ્વાભાવિક છે.> ડી.અેફ.અો. યુવરાજસિંહ

અન્ય સમાચારો પણ છે...