કામગીરી:ચુડવા જમીન પ્રકરણમાં બે માજી અધિકારીને પકડવા તજવીજ

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કલેક્ટરના ઘરની તપાસ : બે ફોન, લખાણ મળ્યું
  • તત્કાલિન નિવાસી ના. કલેકટર ફ્રાન્સિસ સુવેરા અને નગર નિયોજક નટુભાઇ દેસાઇની શોધખોળ શરૂ

કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ચુડવા જમીન પ્રકરણમાં અટકાયત કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં કરતા તત્કાલિન નિવાસી નાયબ કલેકટર ફ્રાન્સીસ સુવેરા અને તે સમયના નગર નિયોજક નટુભાઈ મોતીભાઈ દેસાઈ ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. આરોપી પૂર્વ કલેકટરને સાથ રાખી તેમના ગાંધીનગર નિવાસ સ્થાનની ઝડતી તપાસમાં બે મોબાઈલ ફોન અને ડાયરીનું સ્વહસ્તેનું કુદરતી લખાણ કબ્જે કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને નિવાસી નાયબ કલેકટર તેમજ નગર નિયોજક વિરુદ્ધ ગાંધીધામમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ ઝાલાએ ફરિયાદ નોધાવી હતી. આરોપીએ કલેકટરની સત્તાનો દુરુપયોગ કરી ચુડવાની જમીનનો નીચું મૂલ્યાંકન કરી સરકાર વિરુદ્ધ છેતરપિંડી આચરી હતી. સીઆઈડી ક્રાઈમે પૂર્વ કલેકટરની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરતા તે સમયે નિવાસી નાયબ કલેકટર તરીકે ફ્રાન્સીસ આશ્રેદાસ સુવેરા અને તત્કાલિન નગર નિયોજક તરીકે નટુભાઈ મોતીભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરવા માટે તેમના હાલના સરનામા સહિતની વિગતો જાણવા તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપી પૂર્વ કલેક્ટર શર્માને સાથે રાખી પોલીસે તેમના ગાંધીનગર નિવાસ સ્થાનની ઝડતી તપાસ કરી હતી. શર્માના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા 8મી માર્ચે, બુધવારે ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...