વિશ્વ મહિલા દિવસ અન્યવે સન્માન:મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા 10 ગામની મહિલાઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા ખાતે શ્રેષ્ઠ કામગીરીને સમ્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી 10 ગામની મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે પૈકી વિશિષ્ટ રીતે કામ કરતી 15 મહિલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ગ્રામીણ વિસ્તારની બહેનો જાતે 5 થી 15 પશુઓનું પાલન કરીને દર મહિને રૂ. 15 હજારથી 65,હજાર સુધીનું દૂધ વેચાણ કરી પોતાની આજીવિકા સ્વમાનભેર ઊભી કરી છે. તેની સાથે ખેતીમાં જરૂરી સેન્દ્રિય ખાતર પણ પૂરું પાડે છે.

મુંદરા તાલુકાનાં 19 ગામોના 17,299 પશુઓની સારવાર તથા રસીકરણ કરીને 739 પશુપાલકોને મદદરૂપ થનાર જિલ્લા પંચાયત સંચાલિત મુંદરા પશુ દવાખાનાના ડોક્ટરો તથા પશુ નિરક્ષકોને આ માટે અવિરત કામગીરી કરીને સાચા અર્થમાં કર્મવીરો સાબિત થયા તે બદલ તમામનું બહુમાન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ વેળાએ ભોપાવાંઢ ગામનાં ઉતમ પશુપાલક મહિલા રબારી હીરૂબેન લાખાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે “ગાય આંગણે હોય તો આંગણું ભર્યું ભર્યું લાગે અને તેમનું પાલન કરવાથી દૂધ વેચાણ કરી પરિવાર પણ ચાલે અને ખેતી માટે ઉત્તમ ખાતર પણ મળે.“ જ્યારે નવીનાળ ગામના દમયંતિબેન વોરાએ કહ્યું કે “ખેતી સાથે પશુપાલન પોસાય તેવો ધંધો છે, અને ડેરીની વ્યવસ્થા હોવાથી ભાવ પણ સારા મળે છે.“ મેઘબાઈ મહેશ જસાણી ભુજપુરવાળાએ કહ્યું કે આજે અમે જે કામ કર્યું તેની કદર થઈ તે ગમ્યું અને અમારી જેવી બહેનોનો ઉત્સાહ વધારવાનું કામ અદાણીએ કર્યું. તે બદલ તેમનો આભાર

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યું કે “રોજ સવારે ઊઠીને ગાય માતાની સેવા સાથે તેનું પાલન કરતી આજે આટલી બધી મહિલાઓનાં એક સાથે દર્શન કરવા એને હું મારૂ અહોભાગ્ય ગણું છું. પશુપાલન કરી ઘર આંગણે આજીવિકાનું સાધન મજબૂત કરી પોતાના પરિવારની એક મોટી જવાબદારી જ્યારે મહિલા લેતી હોય અને વિશ્વ મહિલા દિન નિમિતે તેની કદર થાય તે બીજી મહિલાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. સ્વસહાય જુથ બનાવીને સાથે મળી પોતાનામાં રહેલી કલાને ઉજાગર કરી પોતાની આવક મેળવીને ઘરે બેઠા રોજગારી મેળવી શકે.

સ્વસહાય જુથને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત શ્રીમતિ છાયાબેન ગઢવીએ પોતાના જીવનમાં કરેલા સંઘર્ષની વાત કરતાં જણાવેલ કે “ સ્ત્રીના જીવનમાં દરેક પળ સંઘર્ષની છે. સંઘર્ષમાં જે જીવન ઘડાય છે તે જ પ્રેરણાદાયી બને છે. પોતે મુંબઈ છોડીને અહી કચ્છમાં આવ્યાં ત્યારે કેવી મુશ્કેલીઓ સહન કરી તેના પ્રસંગો કહીને બહેનોને પ્રેરણા આપી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સ્વસહાય જૂથમાં તેજસ્વિની, શ્રદ્ધા, વિકાસ, મેઘધનુષ, ઉમંગ, રાધે, ફૂડ સિસ્ટર, સુંદર, સશક્ત, આકાશ, સખી, મોગલ, સોનલ, આશાપુરા, સહેલી ગ્રૂપના બહેનોએ ઉપસ્થિત રહી પોતાના અનુભવો જણાવ્યાં હતાં.

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના રાજયોગીની સુશીલા દીદી ખાસ ઉપસ્થિત રહીને મહિલાઓને સંબોધન કરેલ કે “ નારી તું નારાયણી તો છો જ તેની સાથે કુટુંબનું કલ્યાણ કરનારી કલ્યાણી પણ છો. પરિવારના સંસ્કાર આપવાનું કેન્દ્ર અને ઘડતર કરવામાં મહત્વનુ યોગદાન બહેનોનું છે. દરેક નદીના નામ બહેનોના નામ સાથે જોડાયેલા છે. આજે કોમળતાની સાથે સખત બની પોતાનું રક્ષણ પણ કરવાનું છે. મનની શાંતિ સાથે શારીરિક શક્તિને પણ સંરક્ષણ માટે કામે લગાડવી જરૂરી છે. આપ સૌ સમાજમાં ઉન્નતિ પામો તેવા શુભાશિષ પાઠવ્યા હતાં.

“પશુપાલન થકી પરિવાર પાલન“ માટે 8 વર્ષ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા નાના કપાયા પંજતનપીર વાડી વિસ્તારમાં કાર્યરત મહિલાઓનું બનેલ સ્વસહાય જુથને તેમની જરૂરિયાતને ધ્યાને લઈને અદાણી ફાઉન્ડેશન તરફથી 14 મહિલાઓને એક-એક ગાય આપવાનું નક્કી કરેલ જેના પ્રતિકરૂપે તેમને ગાય આપીને સન્માનીત કરવામાં આવેલ. આ બહેનોએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યુ કે “ આ ગાય અમોને માવતર તરફથી મળેલ હોય તેવો ભાવ થાય છે અમો તેનું પાલન કરી અમારા પરિવારને ઉપયોગી થઈશું. આ બંને પ્રસંગમાં તાલુકા પંચાયત સદસ્ય સોમાભાઇ રબારી, માંડા રબારી, નાના કપાયાના સરપંચ જખુભાઈ સોધમ, પ્રજ્ઞાબેન પીઠડીયા, ખુશીબેન તથા કુલ 345 જેટલી મહિલાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...