આજે શનિવારે માધાપર ખાતે શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આષૅ અધ્યયન કેન્દ્ર, ભુજ દ્વારા આયોજિત લક્ષ્ય વેધ યુવા પ્રતિભા-સંવર્ધન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિબેન ઈરાનીએ ખાસ હાજરી આપી હતી. તેમણે આ પરિસંવાદ કાર્યક્રમમાં યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીનું કચ્છની 16 ભરત કળાના નમૂનાવાળા સ્મૃતિચિન્હ આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
નિષ્ફળતા મળે તો પણ લક્ષ્ય તરફ આગળ વધો - સ્મૃતિ ઈરાની
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, સંતોષ જીવનનું મુખ્ય લક્ષ્ય હોય તો સંઘર્ષ ટાળી શકાય. આજે સંતોષ નથી તેથી સંઘર્ષ વધ્યો છે. તેમણે જ્ઞાનની પ્રાપ્તિમાં દ્વેષની ભાવના તથા સતત લેવાની વૃત્તિને સૌથી મોટી અડચણ ગણાવી હતી. જીવનમાં લક્ષ્યને ભેદવા માટે અર્જુનની જેમ એકાગ્રતાપૂર્વક લક્ષ્ય પર નિશાન રાખવું જરૂરી છે. જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે. લક્ષ્ય નિર્ધારિત કરો અને તેની પ્રાપ્તિ માટે સાચી દિશામાં પ્રયત્ન કરો અને નિષ્ફળતા મળે તો પણ ચિંતન કરીને નવો રસ્તો કંડારી ફરી લક્ષ્ય તરફ આગળ વધો.
મંત્રીનું સ્મૃતિચિન્હ આપીને ખાસ સન્માન કરાયું
સમૃતિ ઇરાનીએ યુવાનોને સમાજને કંઈક આપવાની વૃત્તિ કેળવવા શીખ આપીને દાનીને સાચો સંતોષી ગણાવ્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સરળતા અને સંસ્કાર આપણી મૂડી છે. જ્ઞાનનો ભંડાર હોય અને અહંકાર ન હોય તે જ વ્યક્તિ સરળ બનીને પ્રગતિ કરી શકે છે. તેમણે યુવાનોને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીનું કચ્છની 16 ભરત કળાના નમૂનાવાળા સ્મૃતિચિન્હ આપીને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
સંકલ્પથી જ લક્ષ્યવેધ શક્ય - સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી
આ પ્રસંગે લક્ષ્યવેધ પરીસંવાદના પ્રણેતા સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ પ્રયત્ન, પ્રાર્થના અને સંકલ્પથી જ લક્ષ્યવેધ શક્ય છે તેવું જણાવતાં યુવાનોને નેગેટિવ વિચારને દૂર કરીને એકાગ્રતા સાથે લક્ષ્ય પૂર્તીના માર્ગે આગળ વધવા શબ્દબળ પૂરું પાડ્યું હતું. તેમણે કચ્છમાં જ્યાં પણ ભાગવત કથા થાય ત્યાં અચૂક યુવા શક્તિને જાગૃત અને મજબૂત કરવા આ પ્રકારના યુવા સેમિનાર કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, કચ્છ યુનિવર્સિટીના વીસી ડો. જાડેજા, દિલીપભાઈ દેશમુખ, નિખિલભાઈ જોશી, પ્રીતિબેન શાહ, દિપેશ શ્રોફ, શ્યામભાઈ ઠાકર, તારાચંદભાઇ ભાનુશાલી, મણીબેન મજેઠીયા, મહેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ તથા પંકજ યાદવ સહિતના મહેમાનો મંચસ્થ રહ્યા હતા. સાથે જ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ તથા ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સ્નેહલભાઈ વૈદ્યે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.