ભુજ તાલુકાના સેડાતા ગામે લાંબા સમયથી ચાલી રહેલા ચુંટણીના મનદુ:ખે હિંગોરા અને રાઠોડ સમાજના લોકો વચ્ચે તકરાર થયા બાદ લાકડી, ધારિયા, કુહાડી, તલવાર વળે 30થી 35 વ્યક્તિઓએ હુમલો કરતાં એક પક્ષના એક મહિલાઓ એક યુવતી અને પાંચ પુરૂષો સહિત આઠ લોકોને ઇજા પહોંચી તો, સામેના પક્ષના ચારથી પાંચ લોકો ઘવાયા હતા. બનાવને પગલે પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. અને પરિસ્થિતિને કાબુમાં લઇ ઘાયલોને હોસ્પિટલ ખાતે પહોંચાડાયા હતા.
માનકુવા પોલીસ મથકે બનાવ અંગે જાહેર કરનાર રજાક રમજુ હિંગોરા (ઉ.વ.37) રહે સેડાતાએ જણાવ્યું હતું કે, બનાવ બુધવારે સાંજે સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. ઇજા પામનાર અમીનાબેન ઇબ્રાહિમ હિંગોરા (ઉ.વ.42) રફિક ઉમર રાઠોડ (ઉ.વ.37), સોહિલ અબ્દુલ હિંગોરા (ઉ.વ.18), ઇબ્રાહિમ કાસમ હિંગોરા (ઉ.વ.40) રીઝવાન સતાર પઠાણ (ઉ.વ.22), સાબેરાબેન સાલેમામદ હિંગોરા (ઉ.વ.18), મેમુનાબેન હાજી હિંગોર (ઉ.વ.30) અબ્દુલ સીધીક હિંગોરા (ઉ.વ.28), તેમના પરિવારના અને સગા સબંધી થાય છે.
જેઓ લગ્ન પ્રસંગમાંથી ચાપા દાદાની દરગાહમાં સલમા ભરવા જતા હતા. ત્યારે આઠથી 10 જણાઓએ બોલાચાલી કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ સેડાતા ગામના બસ સ્ટેશન પાસે 30થી 35 લોકોના ટોળાએ ઇજાગ્રસ્તો પર લાકડી પથ્થર,ધારિયા, કુહાડી તલવારથી હુમલો કરી એક મેકને ઇજા પહોંચાડી હતી. જેમાં એક પક્ષના આઠ અને સામેના પક્ષના ચારથી પાંચ લોકો ઘાયલ થયા હતા.ઘાયલોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
ગ્રામજનોના ટોળા જી.કે.ઉમટ્યા, રાત્રે સમાધાનની વાત
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે સેડાતામાં થયેલ સશસ્ત્ર ધિંગાણામાં બન્ને પક્ષના લોકો ઘાયલ થયા હતા. જી.કે.જનરલ હોસ્પિટલમાં હિંગોરા અને રાઠોડ સમાજના અગ્રણિઓ અને ગ્રામજનોનું મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. અને બન્ને વચ્ચે સમાધાન બાબતે વાચચિત થઇ જતાં મામલો થાળે પળ્યો હોવાનું જણાવ્યું હતું.સમાધાન થઇ જતાં કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.