ભૂજ શહેરના હિલ ગાર્ડન સામે આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજ ખાતે આજે શનિવારે એનએસયુઆઈના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ પાણી અને સફાઈના મુદ્દે કોલેજ પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. કોલેજ ખાતે મળેલી વાલી બેઠક દરમિયાન મૂળભૂત સુવિધાના અભાવે છાત્રોને પડી રહેલી મુશ્કેલી બાબતે આ વિરોધ થયો હતો. છાત્રોએ કોલેજના જવાબદારો સામે આ પાણી કેમ પીવું ? એવા પ્રશ્નો ઉગ્ર સ્વરે ઉચ્ચારી નિરાકરણની માગ કરતું આવેદનપત્ર પણ આપ્યું હતું. જોકે બાદમાં કોલેજ પ્રશાસન તરફથી આ મામલે તાકીદે ઉકેલ લાવવાની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો. ત્યારે દેશના ભવિષ્ય ગણાતા કોલેજના વિદ્યાર્થીઓને કોલેજ ખાતે પાણી- સફાઈ જેવી બાબતે વિરોધ નોંધાવવો પડે તે દુઃખની વાત હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.
આ વિશે પોલીટેક્નિક કોલેજના આચાર્ય ડો. જી. વી લાખાણી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કોલેજ સંકુલ ખાતે આજે મળેલી પેરેન્ટ્સ મિટિંગ દરમિયાન સફાઈ અને પાણી મુદ્દે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી ધ્યાન દોર્યું હતું. જેના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર સાથે પરામર્સ ચાલતું હોવાની ખાતરી આપી હતી અને આ મુદ્દે ઝડપી નિવારણ લાવવાની વાત કહી હતી. બીજી તરફ એન એસ યુ આઈના જિલ્લા અધ્યક્ષ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોલેજમાં વિદ્યાર્થીઓને પાણી સહિતની સુવિધા મળી રહી નથી , આ મામલે વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. જોકે બાદમાં કોલેજ તરફથી યીગ્ય નિવારણની ખાતરી મળી જતા વિરોધ પ્રદર્શન હાલ ઘડી પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.