શહેરી વિકાસ મિશન:ભુજ શહેરમાં ત્રણેય રિલોકેશન સાઈટના ડામર રોડનું રૂા. 8.33 કરોડના ખર્ચે થશે રિસર્ફેસિંગ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ મંજુરી માંગી, ચોમાસા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા
  • ગુજરાત શહેરી વિકાસ મિશનની ગ્રાન્ટમાંથી મળશે ગ્રાન્ટ

ભુજ શહેરમાં 2001ની 26મી જાન્યુઆરીના ભૂકંપ બાદ પુન:વસનની કામગીરી રૂપે શહેરની ચારેય દિશાઓમાં રિલોકેશન સાઈટો વિકસાવાઈ છે, જેમાં દોઢેક દાયકા પહેલા બનેલા ડામર રોડનું હજુ સુધી રિસર્ફેસિંગ થયું નથી, જેથી ખખડધજ બનવાને આરે છે. જોકે, હવે ત્રણ રિલોકેશન સાઈટના ડામર રોડનું 8.33 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ થવાનું છે, જેથી શહેરના પોણાભાગના લોકોને રાહત થશે.

નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય પાસે રજુઆત કરી હતી અને રોડની સ્થિતિથી વાકેફ કર્યા હતા. જે બાદ તેમના પ્રયાસોથી ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનની 8.33 કરોડની ગ્રાન્ટ મેળવવાના કામમાં ગતિ આવી છે, જેથી આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ, મુન્દ્રા રિલોકેશન સાઈટ અને ન્યૂ રાવલવાડી રિલોકેશન સાઈટના ડામર રોડનું રિસર્ફેસિંગ સંભવ બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જોકે, ચોમાસા પહેલા રોડના રિસર્ફેસિંગ કરવાથી કોઈ અર્થ નહીં સરે એટલે ચોમાસા બાદ કામ હાથ ઉપર લેવાશે, જેથી દિવાળી પહેલા રોડના રંગરૂપ બદલી જશે. બાંધકામ શાખાના ઈજનેર ભાવિક કંસારાઅે જણાવ્યું હતું કે, જે રોડ ખૂબ જ જર્જરિત થઈ ગયા હશે. એવા રોડનું માત્ર રિસર્ફેસિંગ કામ નહીં થાય. પરંતુ, ફરીથી બનાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં કારોબારી ચેરમેન ભરત રાણા અને બાંધકામ સમિતિના ચેરમેન અજય ગઢવીઅે ઈજનેર અરવિંદસિંહ જાડેજાને કામ સોંપીને દિવાળી પહેલા શહેરના મુખ્ય ડામર રોડનું રિસર્ફેસિંગ કામ કરીને રૂપરંગ બદલી નાખ્યા હતા. હવે રિલોકેશન સાઈટના ડામર રોડનું રિસર્ફેસિંગ થવાનું છે, જેથી ત્રણેય રિલોકેશન સાઈટમાં રહેતી શહેરની પોણાભાગની વસ્તી રાહતની લાગણી અનુભવશે.

અન્ય સમાચારો પણ છે...