પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો હાલ સારા વરસાદની આશાએ ઉનાળુ પાક મેળવવા ખેતી કાર્યમાં જોતરાઈ ગયા છે. તાલુકાના મંજલ, નારણપર અને કરોડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડાણ કાર્યનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ખાસ વાત છે કે આ ક્ષેત્રમાં પિયત ખેતીનો વિકલ્પ નહિવત હોવાથી માત્ર વરસાદ આધારિત ખેતીજ કરવામાં આવે છે. ત્યારે જગતનો તાત પોતાના ખેતરોમાં ટ્રેકટર ચલાવતા જોવા મળી રહ્યો છે. ઉનાળાના આકરા તાપથી સખ્ત બનેલી ધરાને ધરતીપુત્રો અથાગ પરિશ્રમ દ્વારા ખેડાણ કરી રહ્યા છે. જેમાં મગ, તલ મગફળીના બિયારણના વાવેતર સાથે સોનેરી ભવિષ્યના સપનાનું પણ રોપણ થતું જોવા મળી રહ્યું છે.
પશ્ચિમ કચ્છના સૂકા મલક ગણાતા અબડાસા તાલુકાના અંતરિયાળ અને કપિયત ગણાતા વિસ્તારોમાં ચોમાસા પૂર્વે, જગતનો તાત ખેતી કાર્યમાં વ્હેલી સવારથીજ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. અબડાસા તાલુકાના મંજલ ( રેલડીયા ) નારણપર, વરંડી, કરોડીયા, ચિયાસર , ખારૂઆ જેવા વિસ્તારો માં મોટા ભાગે કપીયત ખેતીનું પ્રમાણ વધારે છે. માત્ર જૂજ વિસ્તારમાં જ પિયત સગવડ છે. બાકીના ઘણખરા વિસ્તારોમાં માત્ર અને માત્ર વરસાદ આધારિત કપિયત ખેતી છે. ચોમાસુ પાકમાં ખાસ કરીને એરંડા, મગફળી, ગુવાર, મગ, તલ અને કોયળ જેવા પાકો ની ખેતી લેવામાં આવે છે.
આ અંગે રાયધણજરના ખેડૂત દેવજીભાઈ ખીમજી મહેશ્વરી ઉર્ફે દાદુભાઇ તેમજ જયેશભાઈ ટોકરશી ગડાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એકજ ખેતરમાં પાંચેક વખત ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં બે વખત ખેડ, નિંદામણ, વિખેડા અને વાઢણી માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. આ વિસ્તાર માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે, જોકે છેલ્લા થોડા વર્ષોથી સરેરાશ સારો વરસાદ થતાં ખેડૂતોને ખૂબ સારા પ્રમાણમાં ઉપજ મળી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.