નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણતા ભણી અાગળ ધપી રહ્યો છે ત્યારે માર્ચ અેન્ડિંગના કારણે જિલ્લા તિજોરી કચેરીઅે રજૂ થતા બિલોની સંખ્યામાં બમણો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણતાના અારે છે અને નવા નાણાકીય વર્ષ 2023-24ની શરૂઅાત થવાની છે ત્યારે માર્ચ અેન્ડિંગની અસર તિજોરી કચેરી સહિત જિલ્લાની વિવિધ કચેરીઅોમાં જોવા મળી રહી છે. માર્ચ અેન્ડિંગના કારણે અત્યારથી જ જિલ્લાની અમુક કચેરીઅો નાણાકીય વર્ષ 2022-23ની બાકી કામગીરી, બાકી બિલો સહિતની કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રિના મોડે સુધી કાર્યરત રહે છે.
જિલ્લા તિજોરી અધિકારી અેમ.અેન. બાદીઅે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવાનું છે અને માર્ચ મહિનો અડધો પૂરો થઇ ગયો છે ત્યારે અત્યારથી જ કચેરીઅે સ્વીકારાતા બિલોની સંખ્યા વધી ગઇ છે. અગાઉ દરરોજના સરેરાશ 100થી 125 બિલ રજૂ થતા હતા પરંતુ હવે દરરોજના સરેરાશ 250 બિલો સ્વીકારવામાં અાવી રહ્યા છે.
અત્યારથી જ રોજેરોજની કામગીરી તે જ દિવસે અાટોપવામાં અાવી રહી છે અને કચેરી દરરોજ રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રહે છે. અત્રે નોંધવું રહ્યું કે, હવે માર્ચ મહિનાના કામના 11 દિવસો જ બાકી રહ્યા છે કેમ કે, તા.19ના રવિવાર, તા.22ના ગુડી પડવો, તા.25ના ચોથો શનિવાર, તા.26ના રવિવાર અને તા.30ના રામનવમી છે.
કામગીરી વધુ હશે તો રજાના દિવસે માત્ર કર્મચારીઓ માટે કચેરી કાર્યરત રહેશે
અાગામી સમયમાં દરરોજ કચેરીના રાબેતા મુજબના સમય દરમ્યાન બિલો સ્વીકારવામાં અાવશે જ પરંતુ જો બિલોનો ભરાવો વધી જશે તો બાકી રહેલા બિલોની કામગીરી અાટોપવા માટે માત્ર કચેરીના કર્મચારીઅો માટે જ રજાના દિવસે કચેરી કાર્યરત રહેશે અેમ જિલ્લા તિજોરી અધિકારી બાદીઅે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.