ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસુરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અંતર્ગત સાપ્તાહિક ‘શોર્ટ ટર્મ કોર્સ ઇન બેઝિક્સ ઓફ જૈન ફિલોસોફી’ કોર્ષનું આયોજન કરાયું હતું જેમાં 16 જેટલા પ્રતિભાગીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કોર્સમાં વિવિધ વિષય નિષ્ણાતોએ વ્યાખ્યાન આપ્યા હતા.
વ્યાખ્યાનમાં વિવિધ વિષય નિષ્ણાંતોમાં વડોદરા અેમ.અેસ. યુનિવર્સિટીના ડો. શ્વેતા જેજુરકરે જૈનદર્શનના મૂલગામી પરિમાણો, ડો. નીતાબાઈ મહાસતીજીએ - આગમગ્રંથોનો પરિચય, પ્રથમ કુલપતિશ્રી ડો. કાન્તિ ગોરે - જૈનધર્મમાં અહિંસા અને સહિષ્ણુતા તેમજ સ્યાદ્વાદ અને અનેકાંતવાદનો અર્થ અને વ્યાપકતા, કચ્છ યુનિ.ના આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો. કાશ્મીરા મહેતાએ – અણુવ્રતોની વિભાવના અને પ્રકારો, મા આશાપુરા બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો. પલ્લવી શાહે - પુદ્ગલનો ખ્યાલ, તેમજ વૈજ્ઞાનિક જીવન પદ્ધતિના પરિમાણો અને જૈનધર્મ જેવા વિષયો અને આ સિવાય પણ જૈનધર્મનો ઉદ્ભવ અને વિકાસ, તીર્થંકરો, દ્રવ્ય-ગુણ સ્વરૂપ અને પ્રકારો ઇત્યાદિ વિષયો પર પારગામી વ્યાખ્યાનો આપી પ્રતિભાગીઓનું જ્ઞાનવર્ધન કર્યું હતું.
કોર્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રના પ્રથમ દાતા અને સલાહકાર સમિતિના સદસ્ય મેહુલભાઈ ગાંધી તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રતિભાગીઓને સંબોધિત કરતાં તેમણે જણાવ્યું કે આ કેન્દ્રનો ઉદ્દેશ માનવીય મૂલ્યોનું, જીવન મૂલ્યોનું વર્ધન કરવું તે છે.કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાએ કોરોનાને ઓનલાઈન શિક્ષણની અનિવાર્યતા અને કેન્દ્રને આંતરરાષ્ટ્રિય સ્તર સુધી વ્યાપક બનાવવા માટે ઓનલાઈન મોડમાં શિક્ષણ – અભ્યાસક્રમનિર્માણ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ડો. મિલિંદ સોલંકી, પ્રો. ભાવેશ જેઠવા તેમજ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ઉપસ્થિત રહી પ્રતિભાગીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું.
એક સપ્તાહાત્મક આ કોર્સમાં કુલ 10 વ્યાખ્યાનો તેમજ પરીક્ષામાં નિયમિત રહેનારા પ્રતિભાગીઓને કુલસચિવ ડો. બુટાણીના હસ્તે પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કોર્સનું સંચાલન અને સંયોજન કેન્દ્રના ડિરેક્ટર ડો. પંકજ કે. ઠાકર દ્વારા કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.