કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ ભુજ બેઠક ઉપર, ઉપપ્રમુખ ત્રિકમભાઈ છાંગા અંજાર બેઠક ઉપર અને મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી બેઠક ઉપર ચૂંટાઈને ધારાસભ્ય બની ગયા છે, જેથી તેમના સ્થાને નવી વરણીની શક્યતા ઊભી થઈ છે. જોકે, હજુ સુધી નવનિયુક્તિની પ્રક્રિયા શરુ થયાના હેવાલ નથી.
જિલ્લા ભાજપના ત્રણ ત્રણ મહત્ત્વના હોદેદારોઅે ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલના સ્થાને મહામંત્રી વલ્લમજી હુંબલને કાર્યકારી પ્રમુખ બનાવી દેવાયા હતા. બીજી તરફ બાકી રહેતા મહામંત્રી શીતલ શાહ ઉપર બાકીના બંને મહામંત્રીઅોની જવાબદારી અાવી ગઈ હતી અને તેમણે ચૂંટણી દરમિયાન અેકલે હાથે સુપેરે નિભાવી તમામ કામગીરી પાર પાડી હતી.
જેથી બાકીના બંને મહામંત્રીઅોનો અભાવ વર્તાયો ન હતો. પરંતુ, હવે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ છે. ત્રણેય હોદ્દેદારો ધારાસભ્ય પણ બની ગયા છે, જેથી મહામંત્રી વલ્લમજી હુંબલને કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રખાય તોય ઉપપ્રમુખ અને બે મહામંત્રીના હોદ્દા ખાલી રહેશે. જિલ્લા કક્ષાના હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા પ્રદેશ કક્ષાઅેથી થતી હોય છે અને ત્યાંથી હજુ સુધી અે બાબતે કોઈ ગતિવિધિ શરૂ થઈ નથી.
વળી હાલના હોદ્દેદારોની મુદ્દત 6 અાઠ મહિનામાં પૂરી થાય છે, જેથી હાલ નવી વરણી ટાળવામાં પણ અાવે અેવી શક્યતા છે. જોકે, અાખા રાજ્યાના ઘણા જિલ્લાઅોમાં અા સ્થિતિ સર્જાઈ છે, જેથી નવી વરણીની શક્યતા પણ પ્રબળ થઈ ગઈ છે. જો નવી વરણી થાય તો કોને બઢતી મળે છે અને જૂના જોગીઅો અથવા તો નવા ચહેરાઅોમાંથી કોને હોદ્દો સોંપાય છે અે ઉપર ભાજપના કાર્યકરોની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.