વાયર આર્ટ:નલિયાના કારીગરો તારમાંથી રંગબેરંગી 100 જેટલી વસ્તુઓ બનાવી, અડધા કલાકમાં જ તૈયાર કરી લે છે નાની-મોટી વસ્તુઓ

કચ્છ (ભુજ )13 દિવસ પહેલા
  • વાયર આર્ટની ચીજ વસ્તુઓનું ભુજની હાટ બજારમાં પ્રદર્શન અને વેંચાણ કરાઈ રહ્યું છે
  • વર્ષો પહેલા મુંબઈમાં પૈસા ખૂટતા શોખને વ્યવસાય બનાવ્યો - હસ્ત કારીગર

કચ્છ જિલ્લો એટલે હસ્તકળાનું હબ ગણાય છે , કચ્છીમાંડુંને આ કળા વારસામાં મળેલી છે અને વર્તમાન સમયે નવી પેઢી હસ્તકળાને અનેક પડકારોનો સામનો કરી આગળ લાવી રહી છે. પરંતુ અબડાસા તાલુકાના નલિયા ગામના વતની હરજીભાઈ ભાનુશાલી હસ્તકળાનું નવીનતમ હુન્નર ધરાવે છે જેઓ તારમાંથી રંગબેરંગી વિવિધ વસ્તુઓ નિર્માણ કરી પોતાની આવડતને કચ્છી કળામાં ફેરવી દીધી છે. તેમની આ તારમાંથી બનાવેલી વસ્તુઓનું હાલ ભુજ શહેરના હાટ બજાર ખાતે પ્રદર્શન અને વેંચાણ કરવામાં આવી રહ્યું છે. લોકો પણ તેમની અનુઠી કળાના કાયલ થઈ રહ્યા છે. આ વિશે હરજીભાઈ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે નાનપણથી તારમાંથી વસ્તુઓ બનાવવાનો શોખ હતો. મોટા થયા બાદ તેને જ આવકનું સાધન બનાવી લીધું.

વાયર આર્ટ કચ્છમાં જ નહીં પરંતુ ભારતના શહેરોમાં પ્રચલિત બન્યું છે
ભુજ હાટ ખાતે ચાલતા વંદે ગુજરાત પ્રદર્શન-સખી મેળામાં રંગબેરંગી તારમાંથી આકર્ષિત વિવિધ પ્રોડકટ બનાવીને વેંચાણ કરતા નલીયાના હરજીભાઇ ભાનુશાલીએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, મારી સ્થિતિ એટલી સારી નથી કે હું કોઇ શહેરમાં દુકાન ભાડે રાખીને મારી કલા-કારીગરીના નમુના વેંચી શકું. પરંતુ સરકાર દ્વારા યોજાતા પ્રદર્શન મેળાના કારણે મારા જેવા કારીગરોને બજાર મેળવવાનું પ્લેટફોર્મ મળી રહે છે. વિવિધ શહેરોમાં જઇને હું આ પ્રકારના મેળામાં ભાગ લઉં છું જેના કારણે મારૂ વાયર આર્ટ કચ્છમાં જ નહીં પરંતુ ભારતના મોટાભાગના શહેરોમાં પ્રચલિત બન્યું છે, મને દેશભરના અનેક શહેરોના ગ્રાહકો પ્રાપ્ત થયા છે.

10 થી 15 વર્ષ સુધી મુંબઈમાં રહી વાયર આર્ટથી રોજગારી મેળવીઞ
પોતાની આર્ટ અંગે માંડીને વાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 1978માં મુંબઇ રોજગારી માટે ગયો હતો, જયાં મારી પાસે પૈસા ખુટી પડતા મારી આવડતને કામે લગાડીને મેં તારમાંથી કેટલીક વસ્તુઓ બનાવીને ચોપાટી પર વેંચાણ શરૂ કર્યું હતું. ગ્રાહકોનો સારો પ્રતિભાવ મળતા તે બાદ આજદિન સુધી મે પાછું વળીને જોયું નથી. 10 થી 15 વર્ષ મુંબઇમાં આ જ પ્રકારે વાયર આર્ટની પ્રોડકટ બનાવીને રોજગારી રળતો રહ્યો. હવે ગુજરાત તથા અન્ય રાજયોમાં સરકાર દ્વારા યોજાતા પ્રદર્શન મેળામાં ભાગ લઇને દરેક રાજયના લોકો સુધી મારી કળાને પહોંચાડવાનું કામ કરી રહ્યો છું. સહકારના માધ્યમથી હું ભાડાના ખર્ચ વગર મારી ચીજોનું વેચાણ કરી રહ્યો છું.

માત્ર 5 થી 25 મિનિટમાં નાની મોટી વસ્તુઓ બનાવી લે છે
તારમાંથી મોટર સાઇકલ, મોર, ચકલી, બાઇક, ગાડી, ફુલદાની, કિચન, સાઇકલ, ઝુમર, રમકડા, ટ્રક, ઝુલો, ગાડુ, રીક્ષા સહિતની 100થી વધુ ચીજવસ્તુઓ તેઓ બનાવે છે. જેની કિંમત રૂ.25 થી રૂ.500 સુધીની હોય છે તેવું જણાવતા તેઓ ઉમેરે છે કે, ભુજ ખાતેના પ્રદર્શન મેળામાં લોકો મારા આર્ટને જોઇને આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. મારી કળાને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ માટે કોઈ પણ વસ્તુ બનાવવા હું માત્ર એકજ તાર નો ઉપીયોગ કરું છું અને તેમાં જરૂરરતના સ્થાને તાર વાળી વિવિધ રંગની રીંગો તારમાં પરોવી માત્ર 5 થી 25 મિનિટમાં નાની મોટી વસ્તુઓ બનાવી લઉ છું.

અન્ય સમાચારો પણ છે...