હાલાકી:RTOમાં ટેસ્ટ ટ્રેકની એપોઇન્ટમેન્ટ મળે 9 વાગ્યાથી, ઇન્સ્પેક્ટરો આવે 11 કલાકે, સરવાળે લોકોને હાલાકી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વાર મોટરિંગ પબ્લિકની સરળતા માટે આરટીઓની વિવિધ સેવા ઓનલાઇન કરી દેવાઈ છે.લાયસન્સથી માંડી વાહનને લગતા મોટાભાગના કામો ઘરેબેઠા થઈ જાય છે પણ ઘણી વખત આરટીઓના સ્ટાફની આળસના કારણે કામગીરી ઝડપી થતી નથી ક્યારેક સર્વરનો પણ વાંધો હોય છે.

આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે જેમાં ફાળવેલા સ્લોટમાં વ્યક્તિએ પહોંચવાનું હોય જેથી સમય, શક્તિનો વ્યર્થ ન થાય પણ ભુજની આરટીઓ કચેરીમાં ઓનલાઇન અપાયેલા સ્લોટના બે કલાક બાદ ઇન્સ્પેક્ટર આવ્યા હતા જે બાદ કામગીરી આગળ વધી હતી.આ અંગેની વિગતો મુજબ, ઓનલાઇન પોર્ટલ પર સવારે 9 કલાકેથી ડ્રાઇવિંગની એપોઇન્ટમેન્ટ મળી જાય છે.કચ્છમાં માત્ર ભુજની કચેરીમાં જ કામગીરી થતી હોવાથી દૂર દૂરથી અરજદારો ભુજ આવતા હોય ત્યારે આરટીઓના સ્ટાફના કારણે હાલાકી ભોગવવાનો વારો આવે છે.

શનિવારે સવારે 9 કલાકે ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેકની એપોઇન્ટમેન્ટ લેવાઈ પણ ઇન્સ્પેક્ટર દેખાયા નહિ છેક પોણા અગિયાર વાગે ઇન્સ્પેક્ટર આવ્યા અને 11 કલાકે કામગીરી શરૂ થઈ હતી.લોકોના કહેવા પ્રમાણે અન્ય બારીઓ પર પણ 11 વાગ્યા બાદ જ કામગીરી શરૂ થાય છે ત્યારે ઝડપી કાર્યવાહી અને ઓનલાઇન અરજીના ઝડપી નિકાલની સૌ મોટરીંગ પબ્લિક અપેક્ષા સેવે છે.

શનિવારે લાઈટ જતા ટેક્સ ન ભરાયો ને વાહનમાલિકોને 3.5 ટકાની પેનલ્ટી
શનિવારે લાઈટ જતા કચેરીમાં વાહનોના ટેક્સ અને દંડની રકમ ભરવા માટે આવેલા અરજદારો લાઈનમાં ઉભા રહ્યા છતાં તેઓ રકમ ભરી શક્યા ન હતા હવે સમસ્યા ત્યાં થઈ કે,આરટીઓ દ્વારા ટેક્સ ભરવા માટે સપ્તાહની મુદત અપાય છે અને જે વાહનોનો અંતિમ સાતમો દિવસ શનિવાર હતો તેઓ રકમ ભરવા આવ્યા પણ લાઈટના અભાવે ભરી ન શક્યા અને અઢી વાગ્યે નિયમ મુજબ બારી બંધ થઈ ગઈ પરિણામે વાહનમાલિકોને વગર વાંકે 3.5 ટકા પેનલ્ટી ભરવાનો વારો આવ્યો છે.ટ્રકમાં આ રકમ અંદાજે 10 થી 15 હજાર જેટલી થાય છે હાજર અરજદારોએ આ બાબતે આરટીઓમાં રજુઆત કરતા તમે પીજીવીસીએલમાં જઈને કહ્યો,અમારી ભૂલ નથી તેમ કહી હાથ ખંખેરી લેવાયા હતા.

સવારે 9 વાગ્યાની એપોઇન્ટમેન્ટ રદ કરાશે
કચેરીનો સમયગાળો સવારે 10:40 થી સાંજે 6:10 સુધીનો છે અને સવારે 9 વાગ્યાની એપોઇન્ટમેન્ટ સોફ્ટવેરમાંથી અપાતી હોય તો તે હવે રદ કરવામાં આવશે અને 11 વાગ્યાથી જ સ્લોટ ઇશ્યુ થાય તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે તેવું આરટીઓ અધિકારી વિપુલ ગામીતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...