ચીમકી:રાપરના રામવાવમાં ગૌચર જમીન ખાલી કરાવવા અરજદારે 15મી તારીખે આત્મવિલોપનની ચીમકી આપી

કચ્છ (ભુજ )21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ડી.આઈ.એલ.આર. દ્વારા જમીન માર્કિંગ થઈ ગયા બાદ પણ તંત્ર દ્વારા દબાણ હટાવ ના થતા ચીમકી
  • અરજદાર છેલ્લા ચાર વર્ષથી તંત્રમાં રજૂઆતો કરતા રહ્યા છે
  • તાલુકા પંચાયત દ્વારા પણ ગ્રામ પંચાયતને દબાણ હટાવવા નોટિસ પાઠવાઈ હતી

રાપર તાલુકાના રામવાવ ગામે અંદાજિત 600 એકર ગૌચર જમીનમાં દબાણકારો દ્વારા વ્યાપકપણે અતિક્રમણ થઈ ગયું છે. જે દૂર થવાની માગ સાથે સ્થાનિક ગ્રામજને તંત્રમાં અનેક રજૂઆતો કરી છે. ખુદ તાલુકા પંચાયત કચેરીએ પણ ગ્રામ પંચાયતને દબાણ હટાવની નોટિસ અપાઈ ચુકી છે. તેમ છતા દબાણો દૂર ના થતા અંતે અરજદારે હવે તંત્રને આખરી અલ્ટીમેટમ આપી જૉ દબાણ દૂર નહિ થાય તો આગામી તા. 15ના તાલૂકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની લેખિત ચીમકી આપી છે. ભૂતકાળમાં રાપર મામલતદાર કચેરી ખાતે જબ્બરદાન ગઢવી દ્વારા જમીન મામલે આત્મવિલોપન કરી લેતા રાજ્યવ્યાપી પડઘા પડ્યા હતા.

સર્વે 966, 967 અને 968 ઠામો પર દુકાનો, મકાનો બની ગયા છે
આ વિશે રામવાવ ગામના અરજદાર શિવુભા દેશળજી જાડેજાએ કહ્યું હતું કે ભુજ ડી.આઈ.એલ.આર ગૌચર જમીનનું સર્વે કરાયા બાદ માર્કિંગ પણ કરવામાં આવી ચૂક્યું છે. સર્વે 966, 967 અને 968 ઠામો પર દુકાનો, મકાનો બની ગયા છે અને વાવેતર પણ થઈ રહ્યું છે. ખુદ તાલુકા પંચાયત કચેરી દ્વારા પણ ગૌચર જમીન ખાલી કરાવવા સ્થાનિક પંચાયતને નોટિસ પાઠવવામાં આવી ચૂકી છે . તેમ છતાં આ જમીન પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા નથી. અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દબાણકર્તાઓએ સામ, દામની નીતિ અપનાવ્યા બાદ હવે દંડની તૈયારી શરૂ કરી છે. પરંતુ મારો ધ્યેય માત્ર ગૌચર જમીન ખાલી કરાવવાનો છે. જો આગામી તા. 15 સુધીમાં દબાણો દૂર નહીં થાય તો હું તા. 15ના તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરીશ એવી લેખિત ચીમકી તંત્રને આપી હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...