કુકમા અને શેખપર વચ્ચે લેર તરફ જતા ત્રીભેટ પાસે શુક્રવારે ભાંગતી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના ટાયર નીચે ચગદાઇ જવાથી સ્કુટી ચાલક ઓડીશાના યુવાનનું સ્થળ પર મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત કરનાર ચાલક ગાડી મુકી નાસી છુટ્યો હતો. પધ્ધર પોલીસ મથકે આરોપી ટ્રક ચાલક વિરૂધ મુળ ઓડીશાના હાલ પધ્ધર પાસેની કંપનીમાં કામ કરતા અને લેબર કોલોનીમાં રહેતા પ્રતાપ પદમલાભ મોહન્ટી (ઉ.વ.33)એ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીને તાવ આવતો હોઇ શુક્રવારે મોડી રાત્રે દોઢ વાગ્યે કુકમા ખાતે હોસ્પિટલે સારવાર લેવા માટે પોડોશમાં રહેતા તેમના ગામના અને સાથે કામ કરતા જયકૃષ્ણા સુરેશભાઇ પરીડા (ઉ.વ.22)ને ઉઠાડીને પ્લેઝર સ્કુટી મારફતે બન્ને જણાઓ કુકમા જવા નીકળ્યા હતા.
દરમિયાન રાત્રીના પોતા ત્રણ વાગ્યાના અરસામાં કુકમા તરફ લેર જવાના ત્રણ રસ્તા પર પાછળથી પુરપાટ આવતી ટ્રકના ચાલકે તેમની પ્લેઝર સ્કુટીને ટકકર મારતાં ફરિયાદી ફંગોળાઇને રોડની સાઇડમાં પડ્યો હતો. જ્યારે સ્કુટી સ્લીપ જઇ જવાથી સ્કુટીનો ભુકો થઇ ગયો હતો. જ્યારે સ્કુટી ચાલક ફરિયાદીના મિત્ર જયકૃષ્ણા પરીડાનું ટ્રકના પાછળના ટાયરમાં ચગદાઇ જવાથી સ્થળ પર કંકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.