કામગીરી સમેટી લીધી:આદિપુરમાં દબાણ હટાવવાની કામગીરી અટકાવી વધુ 7 દિવસનો સમય અપાયો

આદિપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ કહ્યું માનવીય નિર્ણય, સામે વગદારોના દબાણ ન હટાવાતાં હોવાની પણ ફરિયાદ
  • સ્થાનિકોની ફરિયાદ બાદ દબાણ હટાવવા પહોંચી હતી પાલિકા, રોડ વીથમાં થયા છે પાકા બાંધકામ

આદિપુરમાં કેસરનગર વિસ્તારમાં દબાણ હટાવ્યા બાદ ગાંધીધામ પાલિકાની ટીમ દ્વારા વોર્ડ 5એમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડ વીથ અને ગટર લાઈન પર ઝૂંપડા અને વાડા ખડકાઈ ગયા હોવાની ફરિયાદ સંદર્ભે થયેલી આ કાર્યવાહી સમયે ઝુંપડાધારકોની ઉગ્ર રજૂઆત અને કેટલાકે હજી માલ સામાન ખાલી કર્યો ન હોઇ તેમજ કેટલાક ઉપસ્થિત ન હોવાથી દબાણકર્તાઓને સાત દિવસોમાં સ્વેચ્છાએ હટી જવાની સૂચના આપી કામગીરી સમેટી લીધી હતી.

આદિપુરમાં વોર્ડ 5એના કેટલાક રહેવાસીઓ એ એમના વિસ્તારમાં ગટરલાઈન પર ઝૂંપડા તથા વાડા ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ બાદ તેના લીધે આ વિસ્તારમાં સમસ્યાઓ ઊભી થઈ હોવાની પાલિકામાં રજૂઆત કરી હતી. આ રજૂઆતને અનુસંધાને ગત અઠવાડિયે નોટિસ આપ્યા બાદ આજે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા પહોંચી હતી.

આ સમયે ઝૂપડધારકોએ ઉગ્ર રજૂઆત કરી ‘પાલિકાને મોટામાથાઓ એ ઊભા કરેલા દબાણ દેખાતા નથી, પરંતુ ગરીબ ઝૂંપડાઓ ના દબાણ દેખાય છે’ તેવું કહી આદિપુરમાં પહેલા બીજે દબાણ હટાવાય તો પોતે પણ હટી જશે તેવું કહ્યું હતું. માહોલ ગરમ થતા પાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા પણ આવી ગયા હતા અને આ કાર્યવાહી આ વિસ્તારના રહેવાસીઓની ફરિયાદ ને કારણે થઈ છે તેવું કહી સૌને સ્વેચ્છાએ અહીથી હટી જવા સમજાવટનો માર્ગ અપનાવ્યો હતો.

પરંતુ, ઝૂંપડાધારકોની રજૂઆત બાદ પાલિકા દ્વારા તેમને આગામી 7 દિવસોમાં આ જગ્યા ખાલી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી. આ અંગે પાલિકા પ્રશાસને રોડ વીથ પર થઈ ગયેલા પાકા દબાણોને હટાવવા કામગીરી આરંભાઈ હોવાનું અને દબાણ કર્તામાંથી એકાદ પરિજનના મૃત્યુમાં ગયા હોવાથી તેમજ અન્યોએ ઘરવખરી હટાવી ન હોવાથી સમય આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ સમયે રામબાગ રોડ પર વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ના દબાણો નો મુદ્દો પણ ઉઠ્યો હતો.

હોસ્પિટલ, શાળાઓ તથા પોલીસ સ્ટેશનને કારણે ટ્રાફિક સંબધિત સમસ્યાઓ છે અને રેસ્ટોરન્ટ તથા ફર્નિચર વાળાઓ એ દબાણ કરીને માર્ગ સાંકડા કર્યા છે ત્યારે ગાંધીધામ પાલિકા આદિપુરમાં મહત્વના માર્ગો પર દુકાનોના દબાણ તથા રહેણાક વિસ્તારોમાં બગીચા અને પાર્કિંગરૂપી દબાણોને પણ ધ્યાનમાં લે તેવી માંગ ઊભી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...